પાકિસ્તાને ત્રાસવાદને ઉછેર્યો હવે બરબાદિસ્તાન બની ગયું

- આંતરવિગ્રહમાં ડૂબેલું પાકિસ્તાન

- ચીન અને અમેરિકા બંને પાકિસ્તાનથી અંતર રાખે છે, હાફીઝ સઇદ બધાને નચાવે છે

વૈશ્વિક તખ્તા પર પાકિસ્તાન બરબાદિસ્તાન બની ગયું છે. પાકિસ્તાનના ત્રાસવાદ તરફી રાજકારણીઓ હવે મોં છુપાવી રહ્યા છે. ભારતમાંના પાકિસ્તાન તરફી તત્વો અને સ્લીપર યુનિટો માથું કૂટી રહ્યા છે.

એક હાફીઝ સઇદ આખા પાકિસ્તાનને બાનમાં રાખી રહ્યો છે. ભારતે વારંવાર કહ્યું હતું કે પાકિસ્તાન ત્રાસવાદ ઉછેર કેન્દ્ર છે પણ વિશ્વની મહાસત્તાઓએ આ વાત ગંભીરતાથી લીધી નહોતી.

ભારતને રાહત એ વાતની છે કે એક તરફ આપણે કાશ્મીરમાં આતંકવાદીઓ અને ઘૂસણખોરોનો ખાત્મો બોલાવવો શરૃ કર્યો છે તો બીજી તરફ પાકિસ્તાન આંતરવિગ્રહમાં અટવાયું છે.

પાકિસ્તાનને સપોર્ટ કરતા દેશો ચીન અને અમેરિકા પણ છેડો ફાડી રહ્યા છે. અમેરિકાને તેની ડબલ ઢોલકી નીતિ મોંઘી પડી રહી છે. જ્યારે ભારતે વૈશ્વિક તખ્તા યુનોમાં એમ કહ્યું કે પાકિસ્તાન ત્રાસવાદને ઉછેરે છે અને ભારતમાં પ્રસરાવે છે. અત્યાર સુધી વિશ્વના દેશો એમ માનતા હતા કે ભારત અને પાકિસ્તાન પાડોશી અને દુશ્મન દેશો છે, માટે ભારત આક્ષેપો કરે છે.

હવે પાકિસ્તાન માત્ર ભારતનું જ નહીં પણ વિશ્વના ટોચના દેશોનું ટાર્ગેટ બની ગયું છે. પાકિસ્તાનના ત્રાસવાદને સીધી અને આડકતરી રીતે પંપાળતા ચીને પણ પાકિસ્તાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાન એવો આક્ષેપ કરે છે કે તેમના દેશમાં થતા આંતરવિગ્રહ પાછળ ભારતનો હાથ છે. ભારતનો હાથ છે એવું પાકિસ્તાન ગર્જી-ગર્જીને બોલે તો પણ કોઇ તેનું માને એમ નથી.

પાકિસ્તાને અફીણ સમાન ત્રાસવાદનું વાવેતર કર્યું હતું. આ છોડવો દશ વર્ષમાં એટલો મજબુત થઈ ગયો છે કે તેના મૂળીયા સમગ્ર પાકિસ્તાનમાં ભૂકંપ સર્જી શકે છે. આ ત્રાસવાદને દશ વર્ષ સુધી એટલા માટે ઉછેર્યો હતો કે તે ભારતમાં તોફાન મચાવે !!

પરંતુ જ્યારથી ભારતે સર્જીકલ સ્ટ્રાઇક અને સરહદે ત્રાસવાદીઓને દેખો-ત્યાં-ઠારના હુકમો આપ્યા છે ત્યારથી રોજના દશ ત્રાસવાદીઓને ફૂંકી મારવામાં આવે છે.

કાશ્મીરમાં સ્થાનિક સ્તરે ત્રાસવાદને વિવિધ રીતે ટેકો આપતા હુરિયત નેતાઓને મળતા ફંડીંગ અંગે શરૃ કરાયેલી તપાસથી સ્લીપર યુનિટો ફફડી રહ્યા છે. હુરીયત નેતાઓની જાહોજલાલીનો ખાત્મો બોલાવાયો છે. તેમને ભંડોળ આપનારા સુધી તપાસ અધિકારીઓ પહોંચી ગયા છે. આ ભંડોળ પાકિસ્તાનથી આવે છે એવું પણ સાબિત થઈ ગયું છે.

ભારતે ખુબ વ્યૂહાત્મક રીતે પાકિસ્તાન અને હુરિયત નેતાઓને ભીંસમાં લીધા છે. કાશ્મીરમાં પથ્થરબાજી પણ બંધ થઈ છે, દેશમાં ત્રાસવાદી ઘટનાઓ પણ ઘટી છે અને ઘૂસણખોરોની ઘટનાઓમાં પણ ઘટાડો થયો છે.

પાકિસ્તાનનાં ત્રાસવાદે ભારતને ઘણું નુકશાન પહોંચાડયું છે. ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહીમને આશરો આપ્યો છે. દાઉદ સામે ભારતમાં અનેક કેસો પેન્ડીંગ છે.

સૌથી મહત્વનું ૨૬ નવેમ્બરનો મુંબઇ પરનો હુમલો છે. પાકિસ્તાને એવા ત્રાસવાદી સંગઠનોને પીઠબળ પુરું પાડયું હતું કે જે ભારત વિરોધી કામ કરે !! ભારતમાં હિંસાચાર ફેલાવવા માટેના ત્રાસવાદી ટ્રેનીંગ કેમ્પ સરહદ નજીક હોવાના પુરાવા પણ પાકિસ્તાનને વારંવાર અપાયા છે છતાં પાકિસ્તાન કોઇ પ્રતિભાવ નહોતું આપતું.

ત્રાસવાદના કારણે ભારતમાં લોકો અસલામતી અનુભવતા હતા. ગમે ત્યારે વિસ્ફોટો થતા હતા. અફઝલ ગુરૃ જેવાઓએ ભારતની સંસદ પર હુમલાનો પ્લાન તૈયાર કર્યો હતો. ભારત માટે આઘાતજનક વાત તો એ હતી કે અફઝલ ગુરૃને ફાંસીનો વિરોધ થયો હતો અને કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ તો અફઝલ ગુરુની વરસી ઉજવાઇ હતી. ભારતનું ખાઇને ભારતનું ખોદતા લોકો મોટા પાયે છે. આ લોકો લોકશાહીમાં વ્યકિત સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યનો ભરપૂર લાભ ઉઠાવે છે.

એક વાત સ્પષ્ટ છે કે ભારતની પાકિસ્તાન માટેની નીતિ સફળ થઇ છે. અમેરિકાએ પાકિસ્તાન તરફ કૂણું વલણ બતાવવું શરૃ કર્યું હતું પરંતુ હાફીઝ સઇદને છોડાયો પછી અમેરિકા પણ વિફર્યું છે. અમેરિકા પાકિસ્તાન પર પ્રેશર કરે છે કે હાફીઝને ફરી જેલમાં ધકેલી દો !!

કહે છે કે પાકિસ્તાનનો વધુ એક ટુકડો નામે બલુચિસ્તાન માટે ભારત પાસે વ્યૂહરચના તૈયાર છે. પહેલાં ભારત પાકિસ્તાનને નબળું પાડશે, એકલું-અટુલું પાડશે, વૈશ્વિક દેશોની નફરત મેળવશે ત્યારે છેલ્લો ધક્કો ભારત મારશે. તે પણ ૨૦૧૯ના લોકસભાના જંગ પહેલાં....

Comments