- સી દુર્ગા એટલે સેક્સી દુર્ગા પર પણ વિવાદ
- કરની સેનાએ સંગઠનની તાકાત ન બતાવી હોત તો બોલીવુડ ગાંઠત નહીં
બોલીવુડવાળા થોડા અવળચંડા છે, તે અવારનવાર સમાજને ચૂંટલી ખણે છે, જો કોઈ રીએક્શન ના આવે તો તે આગળ વધે છે. ગમે તેમ કરીને સંવેદનશીલ ફિલ્મો દ્વારા પ્રજાના પૈસા લૂંટી લેવાય છે. બોલીવુડની ફિલ્મો દ્વારા પૈસા લૂંટી લેવાય છે. બોલીવુડની સીધી અસર સમાજ પર થાય છે.
માર-ધાડ, લૂંટ-ફાટ, ગુંગની ટોળકી બનાવવી, બળાત્કાર સીન વગેરે ઠાંસી- ઠાંસીને ભરતા આ ફિલ્મ મેકર્સની સિન્ડીકેટ ચાલે છે. એકબીજાની વાહ- વાહ કરતા જાય, એકબીજાને બચાવતા જાય અને લખલૂટ કમાણી કરતા જાય છે. બોલીવુડ હવે જેન્ટલમેન ક્ષેત્ર નથી રહ્યું ત્યાં પણ શોષણ અને કાસ્ટીંગ કાઉચની ઘટનાઓ છાશવારે નોંધાઈ છે.
આપણે જેને શૉ-મેન રાજકપુર કહીએ છીએ તેમણે બોલીવુડમાં 'સેક્સ' માટેના દરવાજા ખોલ્યા હતા. પ્રથમ સેક્સ સીન, પછી બેડરૃમ સીન અને ત્યારબાદ તો બોલીવુડે સિરિયલ કીસરો અને ડાન્સબાર ફેઇમ આઇટમ નંબર ફિલ્મો આવવાની શરૃ કરી હતી. લોકો કંઈ સમજે એ પહેલાં તો આવી ફિલ્મોએ રીતસરનું આક્રમણ શરૃ કરી લીધું હતું.
ઘણીવાર ફિલ્મોમાં સેક્સ ઘુસાડયાનું લોકોના ધ્યાનમાં આવે એટલે વિરોધ થઈને કોર્ટ કેસો કરીને તેનું માર્કેટિંગ થાય છે. લોકોને ફિલ્મ જોવા તરફ ખેંચવાનો આ કારસો હોય છે.
બોલીવુડમાં ૧૦૦ કરોડની ક્લબ માટેની હોડ લાગી છે. ફિલ્મોની આ ૧૦૦ કરોડની કમાણી મારા- તમારા જેવાએ ખરીદેલી ૧૦૦ રૃપિયાવાળી ટિકિટમાંથી ભેગા થયા હોય છે. પ્રેક્ષકો પણ ફિલ્મ જોવા માટે ત્યારે જાય છે કે જ્યારે તેમાં મનોરંજન હોય, ફાઇટીંગ હોય, લવ સીન હોય, બીકીની બેબ હોય, ડાયલોગબાજી હોય, સારા ગાયનો હોય વગેરે... વગેરે....
બોલીવુડવાળાએ સમાજમાં અનેક દૂષણો ફેલાવ્યા છે. ધૂમ્રપાન, છેડતી, બળાત્કાર, મારધાડ વગેરે સમાજમાં પ્રસર્યા છે તેની પાછળ બોલીવુડની ફિલ્મો જવાબદાર છે.
નવા થીમ અને નવી સ્ટોરી પર ફિલ્મ બનાવવા ટેવાયેલું બોલીવુડ અત્યાર સુધી હોલીવુડની ફિલ્મોની કોપી કરતું આવ્યું છે. ક્રિએટીવીટીની શોધમાં ફરતા બોલીવુડ પદ્માવતીમાં અટવાયું હતું. રાજપૂતોની લાલ આંખ તેમને ભારે પડી હતી.
ક્રિએટીવીટીના નામે દૂષણ ફેલાવનારા એ ભૂલી જાય છે કે સમાજ કોમન મેન અને કોમન વિચારસરણીનો બનેલો છે. દરેકે એકબીજાનું સન્માન જાળવવું જોઈએ. બોલીવુડની ફિલ્મો વર્ષોથી ક્રિએટીવીટીના નામે મારધાડ અને સેક્સનું પ્રસારણ કર્યા કરે છે.
પ્રજા પાસે મનોરંજનનું એકમાત્ર સાધન બોલીવુડ છે જેમાંથી તે મારધાડ, ગુંડાગીરી અને અપલક્ષણો શીખે છે. એક સમય હતો કે જ્યારે થિયેટરો પરના સેક્સી પોસ્ટરો તોડીને લોકો સંતોષ માનતા હતા. આવાલોકો અખબારમાં નામ આવે ફોટા આવે એટલે ઝુંબેશ બંધ કરીને ફિલ્મ જોવા બેસી જતા હતા.
સન્સર બોર્ડ એક એવો અંપાયર છે કે જે બોલીવુડમાં જન્મેલો હોય છે. જ્યારે હિન્દી ફિલ્મોમાં તેના બાળકો જોઈ ના શકે અતવા તો તેમને બતાવી ન શકાય તેવી મારધાડ કે સેક્સ પ્રાધાન્ય ફિલ્મ હોય તો તેને 'યુ' સર્ટિફિકેટ આપીને બજારમાં ધકેલી દેવાતી હતી.
બોલીવુડની સી ગ્રેડની ફિલ્મો તો શહેરના પરા વિસ્તારો અને ટાઉન લેવલમાં ધકેલી દેવાતી હતી. આવી ફિલ્મો સેક્સી પોર્ન પ્રકારની હોય છે જે ૨૫- ૩૦ દર્શકો વચ્ચે બતાવાતી હતી હવે તો ખુલ્લેઆમ થિયેટરોમાં બતાવાય છે.
જો કે કરની સેનાના રાજપૂત યુવાનો અલગ માટીના બનેલા છે. તેમણે સરકારોને ભાન કરાવ્યું હતું કે બોલીવુડની ફિલ્મો સમાજના રીત-રિવાજો, સંસ્કૃતિ સાથે છેડછાડ ના કરી શકે. સરકારને ઝૂકાવવામાં રાજપૂતો સફળ થયા હતા જેની પાછળ સંગઠન શક્તિ રહેલી છે. મુસ્લિમ સમુદાયમાં પણ આવી જ સંગઠન શક્તિ છે.
ક્યારેય મહમ્મદ પયગમ્બર વિરૃદ્ધ ફિલ્મ બનાવનારા જોયા છે ? સલમાન રશ્દીએ અલ્લાહ વિરૃદ્ધ એલફેલ લખ્યું એટલે તો તેમને ભાગતા ફરવું પડયું હતું લોક તેને સેતાનીક વર્સીસનો શેતાન કહેતા હતા. દુર્ગા દેવીના નગ્ન ફોટાઓ ચિતરનાર ચિત્રકાર એમ.એફ. હુસેનને દેશ છોડવો પડયો હતો.
અહીં વિરોધીઓની તરફેણ નથી કરાઈ પણ ક્રિએટીવીટીના નામે સમાજ સાથે દગો કરતા લેખકો, ફિલ્મમેકરો અને બની બેઠેલા સમાજ સુધારકોને માટે એક સંકેત છે.
સી દુર્ગા ફિલ્મનું મૂળ નામ સેક્સી દુર્ગા હતું આ નામથી વિવાદ ફાટી નીકળશે એમ લાગતા ચાલાક ફિલ્મમેકર્સે તેનું નામ સી દુર્ગા કરી નાખ્યું હતું. આ ફિલ્મને ગોવા ફિલ્મ ફેસ્ટીવલમાં બતાવવા કોર્ટે મંજૂરી આપી હતી.
બોલીવુડ માટે સરકારે આચારસંહિતા બનાવવાની જરૃર છે, સેન્સર બોર્ડમાં કોમનમેનને છૂટો દોર આપી શકાય નહિ.

Comments
Post a Comment