ભાજપ-કોંગ્રેસનું ડિજિટલ આર્મી સક્રીય : ફેક મેસેજની બોલબાલા..

- રાહુલનો ગાંધીનગર રેલીનો મેસેજ ફેક હતો
- પે-ટીએમ,ભીમની કેશ મર્યાદા વધારાશે ડિજિટલ સિસ્ટમો દર મહિને સાફ કરો

ગુજરાતમાં ચૂંટણીના કારણે સોશ્યલ નેટવર્ક તેજીમાં છે. ભાજપ અને કોંગ્રેસ એમ બંને એવા દાવા કરે છે કે સોશ્યલ નેટવર્ક ક્ષેત્રે તે આગળ છે અને તેમના દુશ્મનને મહાત્ કર્યા છે. ટ્વીટર પર લોકો સ્વતંત્ર ટ્વીટ કરી શકતા નથી કેમ કે લોકો ફોલો કરે એવા ઓપીનીયન આપવા એ બહુ અઘરી વાત છે. એટલે જ વૉટ્સઅપ પર લોકોને મેસેજ ફોરવર્ડ કરવામાં ફાવટ આવી ગઇ છે.

કહે છે કે બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ પાસે ડીજીટલ આર્મી છે. આ આર્મીનું કામ પક્ષ સામે કરાતા આક્ષેપોનો જવાબ આપવાનું અને નવા મેસેજ તેમજ કાર્ટૂન ક્લીપો અને મોર્ફીંગ કરેલી ઈમેજના મેસેજ તૈયાર કરવાનું હોય છે. 

આવા મેસેજ લોકો સુધી પહોંચે એટલે પક્ષ સાથે જાણે-અજાણે સંકળાયેલા ગૃપોને તે મોકલાય છે. ભાજપમાં જેમ મોદી ભક્તો છે એમ કોંગ્રેસમાં ગાંધી પરિવારના ભક્તો છે.

વૉટ્સઅપ પર આવતા ઘણાં વીડિયો ફેક હોય છે. જેમકે રાહુલ ગાંધીની ગાંધીનગર ખાતેની રેલીમાં પૈસા આપીને ટોળાં લવાયા હતા. આ વીડિયોમાં કોઇ ભાઇ પ્રજાને રૃપિયા વહેંચતા બતાવાયા હતા. 

પ્રથમ નજરે સાચો લાગતો આ વીડિયો ફેક હતો કેમકે પૈસા લેનારની લાઇન ઈમ્ફાલના કોઇ સ્થળની હતી પણ ગાંધીનગરની નહોતી. વૉટ્સઅપ પર આવતા રાજકીય મેસેજને ઠઠ્ઠા-મશ્કરી તરીકે જ લેવા જોઇએ.

પે-ટીએમ અને ભીમની મર્યાદા વધારાશે
જ્યારથી નોટબંધી આવી છે ત્યારથી ઓનલાઇન પે-પોકેટ જેવી સિસ્ટમ વધી છે. પે-ટીએમ અને સરકારની 'ભીમ' જેવી એપ્લિકેશન પર લોકોને ભરોસો બેઠો છે. 

મોબાઇલ, ફોન, ગેસ, લાઇટ વગેરેના પેમેન્ટ લોકો પે-ટીએમથી આસાનીથી કરતા થયા છે. જે લોકોએ આવી એપ્લીકેશન ડાઉનલોડ કરી છે તેમને ફિલ્મની ટીકીટ બુકીંગ સહિતની સવલતો હાથવગી બની ગઇ છે.

વેપારી વર્ગ પણ પોતાના પેમેન્ટને પે-ટીએમ કે ભીમ જેવી એપ્લીકેશનથી કરતા થાય તે માટેના પ્રયાસો ચાલે છે. વેપારીઓના ટ્રાન્ઝેકશન લાખોના હોય છે. પે-ટીએમ અને ભીમ જેવી દશ ડીજીટલ પોકેટ સિસ્ટમ છે પરંતુ બે નામ લોકજીભે કે ફીંગર ટીપ્સ પર વધુ ચઢેલા છે તે પે-ટીએમ અને ભીમ એપ્લીકેશન છે.

જો વેપારીઓ તેમના બીલના પેમેન્ટ આવી ડીજીટલ પોકેટ સિસ્ટમ દ્વારા ચૂકવે છે તો પેમેન્ટ ગણત્રીની સેકન્ડમાં પોકેટમાં આવી જાય છે. ઓનલાઇન પેમેન્ટ કરતાં પણ વધુ આસાન ડીજીટલ પોકેટ સિસ્ટમ છે.

આજની સ્થિતિ એ છે કે અનેક કરિયાણાની દુકાનો, દૂધની દુકાનો, પાનના ગલ્લા, હેરકટીંગ સલૂન વગેરેમાં પે-ટીએમના સ્ટીકર લગાવ્યા હોય છે. લોકો તેનો ઉપયોગ પણ છૂટથી કરે છે.

પે-ટીએમ દ્વારા સિક્યોરીટી માટેના અનેક પગલાં લેવાયા છે. ગ્રાહકનો ભરોસો જીતવામાં ભીમ એપ્લીકેશન વધુ ગ્રાહકલક્ષી છે અને લોકોનો ભરોસો જીતવામાં અગ્રેસર છે.

ડીજીટલ-સાફસૂફી
દિવાળીમાં કેમ ઘરની સાફસૂફી કરવામાં આવે છે એમ તમે જે ડીજીટલ સિસ્ટમો વાપરતા હોય તેની સાફ-સૂફી દર મહિને કરવાનું નક્કી કરવાની જરૃર છે.

ડેસ્ક ટૉપ વાપરનારાઓના કી-બોર્ડમાં કચરો જામી જાય છે અને બે કીની વચ્ચે સેવ મમરા ભરાયેલા પડયા હોય છે. ડેસ્ક ટૉપના મોનીટરની બોર્ડર અને સ્ક્રીન બંને ધૂળવાળા હોય છે. સીપીયુ તો ઘેર-ઘેર ધૂળથી ભરેલા હોય છે.

ડીજીટલ અન્ય સિસ્ટમોમાં લેપટૉપ, ટેબલેટ, કીન્ડલ, મોબાઇલ વગેેેરેનો સમાવેશ થાય છે. લેપટૉપમાં પણ ડસ્ટ ચોંટેલી હોય છે. મોનીટરમાં પણ ડસ્ટ દેખાય છે. લેપટૉપનું કી-બોર્ડ પણ ગંદુ હોય છે. 

મોટાભાગના લોકોને કોમ્પ્યુટર સામે બેસીને નાસ્તાના ફાકા મારતા-મારતા સર્ફીંગ કરવાની ટેવ હોય છે. તેમની આવી ટેવના કારણે કી-બોર્ડ પણ ખાય છે અને કી-બોર્ડની વચ્ચેના ભાગમાં જે તે ખાવાનું ભરાઇ જાય છે.

ઘણાંના મોબાઇલ તેમજ ટેબલેટના સ્ક્રીન ચીકાશવાળા હોય છે. આવા સ્ક્રીનને પાણીવાળા કપડાંથી પોલા હાથે ઘસવા જોઇએ. આ ચીકાશ જશે તો જ ડીજીટલ સ્ક્રીન ઈફેક્ટ આપી શકશે.

ડીજીટલ ચીજો ડેલીકેટ હોય છે. તેને ઝાપટ-ઝૂપટ કરીને સાફ કરવાના બદલે લીસા કપડાંથી પોલા હાથે સાફ કરવા જોઇએ. કી-બોર્ડ વચ્ચે ભરાયેલો કચરો ઘણીવાર જામી જાય છે જેથી નવું કી-બોર્ડ લાવવું પડે છે. 

સીપીયુના પાછળના ભાગે તો જાળા જામી ગયા હોય એવી સ્થિતિ ઘેર-ઘેર હોય છે એટલે જ દર મહિને ડિજીટલ સિસ્ટમો ફરજીયાત રીતે સાફ કરવી જોઇએ.

Comments