- રીટર્ન ભરતા સર્વર ખોરવાયું; કાયમ ઍરર બતાવે છે
- ઈન્ફોસીસ જેવી ટોપની આઈટી કંપનીએ વેપારી આલમને પણ નાખુશ કર્યા
જીએસટી રીટર્ન ભરવાની છેલ્લી તારીખે થયેલી દોડધામ વેપારી વર્ગ ભૂલી શકે એમ નથી. પૈસા ભરવા માટે પણ લાઇન; સર્વર ખોટકાઇ જાય જેવી ઘટનાઓ ડીજીટલ ઈન્ડિયા માટે પડકાર સમાન છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની ટેકનોલોજી ઈન્ફોસીસે અમલી બનાવી હતી. તે માટે તેણે ૧૩૮૦ કરોડનો કોન્ટ્રાક્ટ પણ કર્યો હતો.
ઈન્ફોસીસનું નામ મોટું છે પણ જે રીતે છેલ્લા દિવસે સર્વર ખોટકાયા અને જે રીતે સરકારે રાતોરાત મુદત લંબાવી તે જોતાં એમ લાગે છે કે સરકાર સાથે ઈન્ફોસીસને સારા સંબંધો છે. જવાબદારી સ્વીકાર્યા પછી ઈન્ફોસીસ તેને પહોંચી શકી નહોતી.
આવું છાશવારે થશે એમ લાગે છે કેમકે ઈન્ફોસીસ પાસે પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ છે. સરકારે વેપારી વર્ગને પડતી મુશ્કેલી નિવારવાને પ્રાધાન્ય આપવું પડશે. બે રાજ્યોમાં ચૂંટણી આવી છે. વેપારીઓ જીએસટીનો વિરોધ શરૃઆતથી કરતા આવ્યા છે. હવે સર્વર ખોટકાઇ જાય તેવી ઘટનાઓએ તેમના ટેન્શનમાં વધારો કર્યો છે.
સરકારને એવું સૂચન કરાયું છે કે દરેક ગૃપમાં અર્થાત ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ એમ અલગ સર્વર રાખવા જોઇએ જેથી સર્વર પર લૉડ ના પડે !! જીએસટીનું આટલું વિશાળ નેટવર્ક ઊભું કરતી વખતે સરકારે સર્વરની ક્ષમતાનો અભ્યાસ કરવા જેવો હતો. ઈન્ફોસીસે સરકારની ભીંસમાં મૂકી છે.
દિલ્હીના વર્તુળોમાં એવી પણ વાત થાય છે કે જે ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓને સરકાર કોન્ટ્રાક્ટ તો આપે છે પણ પૈસા સમયસર નથી આપતી. એક તો કોન્ટ્રાક્ટ મેળવવામાં અનેક પ્રોસીજરમાંથી પસાર થવું પડે છે. આઈટી કંપનીઓ એમ પણ કહે છે કે પેમેન્ટ મેળવતી વખતે કોઇ કમિશન નથી આપવું પડતું તે પ્રશંસનીય વાત છે પરંતુ મોડું પેમેન્ટ આવે એટલી પડતી વ્યાજખાધ વગેરેનું પણ સરકારે ધ્યાન રાખવું જોઇએ.
'ઈન્ફોસીસ' પેમેન્ટ લેવા માટે અન્ય આઈટી કંપનીઓ કરતાં વધુ સખત અને ઉતાવળી હોય છે.
સર્વર ખોટકાઇ જવું એ નામોશીભરી વાત છે. ટેકનોલોજી જો ઈન્ફોસીસ અમલમાં મુકતી હોય તો તેની જવાબદારી બની જાય છે. સર્વરમાં ખોટકાતાં તરત કોનો કોન્ટ્રાક્ટ છે તે વાત ચર્ચાઇ હતી. ઈન્ફોસીસનું નામ સપાટી પર આવતાં જ કંપનીએ ખુલાસા કરવા શરૃ કરી દીધા હતા.
ઈન્ફોસીસે ૨૦૧૨માં સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયની વેબસાઇટ બનાવવી, અને તેને મેન્ટેન કરવાનો ૫૦ મીલીયન ડૉલરનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો પછી તેનું શું થયું તેના કોઇ અહેવાલ મળતા નથી.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ જેવા મજબૂત ટેક્ષ માળખા માટે એટલું જ મજબૂત ટેકનોલોજી પીઠબળ જોઇએ. આશ્ચર્ય તો એ વાતનું છે કે આખા દેશના વેપારીઓ સ્લો-સર્વરની વારંવાર ફરીયાદ કરતા હતા પરંતુ સરકારે કોઇ પગલાં લીધા નહીં; અંતે સર્વર ખોટકાઇ ગયું અને મુદત લંબાવવી પડી હતી.
જીએસટી એનના પોર્ટલમાં શરૃઆતથી ઘણાં ગૂંચવાડા ઊભા થયા હતા. ઈન્ફોસીસે ઊભી કરેલી સિસ્ટમ સ્લો અને વારંવાર ઍરર બતાવતી હોય છે. વેપારીઓ પોતાની જાતે જ ફોર્મ ભરી શકે એવી વ્યવસ્થાના બદલે વેપારીઓએ પોતાને ત્યાં ઓનલાઇન સિસ્ટમ જાણનારાને નોકરી પર રાખવા પડે છે. આમ વેપારીએ વધુ પૈસા ખર્ચવા પડે છે.
આશ્ચર્ય તો એ પણ છે કે જીએસટીની સિસ્ટમ ૧૬૦ દેશોમાં વિવિધ રીતે અમલી છે. વન ટેક્ષ - વન નેશન વાળી થિયરી બધાએ અપનાવી છે પરંતુ વેપારી વર્ગને કોઇ મુશ્કેલી ના પડે તેનું ધ્યાન રખાયું હતું.
ભારતમાં જીએસટીનો અમલ ઉતાવળે કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ જણાતું નથી. એનડીએ સરકાર પાસે શાસનના હજુ બે વર્ષ છે. મોદી સરકારે વેપારી વર્ગનો વિશ્વાસ જીતીને કામ કર્યું હોત અને સર્વર ખોટકાઇ જાત તો કોઇ ઉહાપોહ ના થાત !!
અહીં તો વેપારીઓ જીએસટીની ગડમથલમાં અટવાયેલા છે અને બીજી તરફ તે પૈસા ભરવા ઈચ્છે છે તો પણ સર્વર ઍરર બતાવે છે.
૧૩૮૦ કરોડનો કોન્ટ્રાક્ટ મેળવનાર ઈન્ફોસીસે સરકારને ભીંસમાં લીધી છે અને બદનામ કરી છે. સરકારના ટોપના ત્રણ ખાતાએ ઈન્ફોસીસની જીએસટી સાથેની કામગીરી અંગે સખત નારાજગી બતાવી છે.
જીએસટીનો અમલ કાળ ચોઘડીયામાં થયો હોય એમ લાગે છે.

Comments
Post a Comment