નોટબંધીને એક વર્ષઃ કાંગ્રેસના ભાજપ પર રાજકીય ચાબખા

- નોટબંધી બન્યો રાજકીય મુદ્દો

- ભાજપ પાસે જવાબો નથીઃ કોંગ્રેસ ચૂંટણી સમયમાં લાભ ઉઠાવે છે

૮મી નવેમ્બરે નોટબંધીને એક વર્ષ પૂરું થઇ રહ્યું છે. નોટબંધી વખતે લાઇનોના દિવસો પ્રજા ભૂલી ગઇ છે પણ રાજકારણીઓ માટે તો તે લોકોની વચ્ચે જવાનો એક મુદ્દો બની ગયો છે. 

નોટબંધીના મુદ્દે સરકાર અને વિપક્ષ સામસામી બાંયો ચઢાવી રહ્યા છે. વિરોધ પક્ષ બુધવારે કાળાદિન તરીકે ઉજવશે તો સત્તાધારી પક્ષ તેને બ્લેકમની વિરોધી દિન તરીકે ઉજવશે. વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે એટલી ખેંચા-ખેંચી છે કે મૂળ મુદ્દો સાઇડમાં ધકેલાઇ જાય છે.

નોટબંધીમાં પ્રજાને સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન એ હતો કે એટીએમ પર કે નોટ બદલવાની લાઇનોમાં માત્ર મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગ જ ઊભો રહેતો હતો. 

ગાડીઓવાળા કે ધનવાનો ક્યાંય લાઇનમાં ઊભા નહોતા રહેતા. તગડા ખાતા ધરાવનારાને બેંક મેનેજરો સાચવતા હતા. આવું તો ઘણું બન્યું કે જેથી બેંકો અને તેમના મળતીયાઓની સાંઠગાંઠ લોકોની નજરમાં આવી ગઇ હતી.

નોટબંધીના કારણે ટેન્શનમાં ને ટેન્શનમાં ૧૦૦ જેટલા લોકો મોતને ભેટયા હતા. તેમના કુટુંબને ત્યાં પૈસાના બદલે મોત આવ્યું હતું.

મોદી સરકારને આવો ભયાનક આઇડિયા શા માટે સૂઝ્યો ? સત્તાવાર ખુલાસો કહે છે કે સરકાર છૂપાયેલું કાળું નાણું બહાર લાવવા માગતી હતી. જોકે એક દલીલ એવી પણ છે કે પાકિસ્તાનના ૧૧ પ્રેસોએ ભારતની ચલણી નોટોની ડુપ્લીકેટ છાપી હતી. 

આ લોકો ડુપ્લીકેટ નોટો છાપીને તૈયાર બેઠા હતા, જેની ખબર ગુપ્તચર ખાતાએ સરકારને આપી હતી. પાકિસ્તાન ત્રાટકે તે પહેલાં જ મોદી સરકાર ત્રાટકી હતી. સરકારના આ પગલાંથી પાકિસ્તાને છાપેલી ડુપ્લીકેટ નોટોની પસ્તી થઇ ગઇ હતી.

અહીં આશ્ચર્ય એ છે કે મધ્યમ વર્ગે લાઇનમાં ઊભા-ઊભા પણ સરકારને ટેકો આપીને કહ્યું હતું કે બ્લેકમની બહાર આવતા હોય તો અમે સરકારની સાથે છીએ. નોટબંધી પછી ઉત્તર પ્રદેશની વિધાનસભાનો ચૂંટણી જંગ આવ્યો હતો. ત્યારે ચૂંટણી પ્રચારનો મુદ્દો નોટબંધી હતો. 

જોકે પ્રજાએ નોટબંધીના મુદ્દાને ગણકાર્યો નહોતો અને ભાજપને ભવ્ય જીત મળી હતી. ઉત્તર પ્રદેશના જંગ પરથી પણ કોંગ્રેસ કશું શીખી નથી. ગુજરાત વિધાનસભાના જંગમાં પણ તેમણે નોટબંધીનું ગાણું ચાલુ રાખ્યું છે.

નોટબંધીના કારણે ઊભી થયેલી રોકડની તીવ્ર અછતના કારણે લોકો ડીજીટલ પેમેન્ટ, ડીજીટલ પૉકેટ તરફ વળ્યા હતા. મોબાઇલ વૅલેટમાં પેટીએમ, ભીમ, મોબી ક્વીક જેવી એપ્લીકેશનો લોકો ડાઉનલોડ કરતા થઇ ગયા હતા અને ફોનના પેમેન્ટ તો ઠીક પણ ગલ્લા પર ચાના પેમેન્ટમાં પણ તેનો ઉપયોગ કરતા થઇ ગયા હતા.

તેમ છતાં જેને આપણે કેશ ઈઝ કિંગ કહીએ છીએ તેવી સ્થિતિ છૂટક બજારોમાં વધુ થતી હતી. બસની ટિકીટ, ટ્રેનની ટિકીટ (બુકીંગ સિવાય), છૂટક ખર્ચા વગેરેમાં રોકડની જરૃર પડતી હતી.

નોટબંધીએ અચાનક ના લદાય તો બેનંબરીયા ફાવી જાય એમ હતું. આ લોકો પોતાના ખાતામાં કે અન્ય ખાતામાં પૈસા જમા કરાવી દેત !! મોદી સરકાર ઘણાં બેનંબરીયાની દુશ્મન બની ગઇ છે. વર્તમાન મંદીની પાછળ નોટબંધી જવાબદાર છે એમ કહેવાય છે.

નોટબંધીના કારણે લોકો પોતાની રોજીંદી ઘરેડમાં અટવાયા હતા. ઘણાં ડીજીટલ પેમેન્ટ તરફ વળી ગયા હતા. જેમ મોબાઇલ વૅલેટ છે એમ પેમેન્ટ બેંક જેમ કે એનઈપીટી, આરટીજીએસ, આઈએમ પીએસ વગેરેનો ઉપયોગ શરૃ થયો હતો.

ભારતમાં જેમ ભીમ, પેટીએમ વગેરે ચાલે છે એમ હોંગકોંગમાં ઑકટોપસ છે તો સાઉથ કોરિયા, સિંગાપુર, અમેરિકામાં ટેપ એન્ડ પે ચાલે છે.

લોકો ક્રેડીટ કાર્ડના બદલે ડેબીટ કાર્ડ વધુ વાપરતા થયા હતા. હાલમાં ભારતમાં ક્રેડીટ કાર્ડની સંખ્યા ૩૦ મીલીયન છે તો ડેબીટ કાર્ડની સંખ્યા ૭૦૦ મીલીયનની છે. (એક મીલીયન = ૧૦ લાખ). વૈકિલ્પક વ્યવસ્થા હોવા છતાં મોટા ભાગનો વર્ગ તે વાપરવાથી દૂર રહે છે. દરેકને ખિસ્સામાં - ઘરમાં રોકડ રાખવાની ટેવ પડી ગઇ છે.

વિરોધ પક્ષો માટે નોટબંધી અંગે વિરોધ કરવાના નક્કર કારણો નથી. લોકો તે સમયે હાલાકી ભોગવતા હતા પણ હવે ભૂલી ગયા છે. તેને ખોતરવાનો કોઇ અર્થ નથી.

ભાજપની સદ્નસીબી એ છે કે વર્ષો સુધી વિપક્ષમાં બેસીને તે વિપક્ષની બધી ચાલ સમજી લે છે. બિહારમાં લાલુ પ્રસાદ યાદવે ૮ નવેમ્બરને જે રીતે બ્લેક-ડે ઉજવવાની વાત કરી તેના એક કલાકમાં જ ભાજપે બ્લેકમની વિરોધી ડે ઉજવવાનું જાહેર કર્યું હતું.

આવતી કાલે વિપક્ષ અને સત્તાધારી પક્ષ સામસામા આક્ષેપો કર્યા કરશે ત્યારે નોટબંધીમાં સૌથી વધુ અસરગ્રસ્ત એવો મધ્યમવર્ગ માથું ખંજવાળતો વિચારતો હશે કે આ મારા હાળા, નોટબંધીનો વિરોધ નથી કરતા પણ સત્તા મેળવવા ફાંફે ચઢ્યા છે.

Comments