- ગિરનાર પછી શત્રુંજ્યની પરિક્રમા
- નર્મદા પરિક્રમા દરમ્યાન અશ્વત્થામા મળતો હોવાની લોકવાયકા, પદયાત્રીઓ વધ્યા
ગિરનારની પરિક્રમા પુરી થઈ નથી કે શત્રુંજ્યની પરિક્રમા શરૃ થઈ છે. દિગ્વીજયસિંહ નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે. તે દેખાડા માટે નથી હોતી, તે આત્મજ્ઞાાન અને આત્મશુદ્ધિ માટે હોય છે.
પરિક્રમાના માર્ગો સત્તાવાળાઓ સુધારી રહી છે. વધુને વધુ લોકો પરિક્રમા કરી શકે એટલે સ્વૈચ્છિક સંસ્થાઓના લંગર, ભંગરા અને ચા-નાસ્તાની વ્યવસ્થાઓ ઠેર-ઠેર જોવા મળે છે. અમદાવાદથી શ્રીનાથજી-દ્વારકા અને ઠેઠ પંઢરપુર સુધીના પદયાત્રીઓનો એક વર્ગ છે. હાલમાં બાબા-રામદેવના પદયાત્રીઓ માર્ગો પર નજરે પડે છે.
પરિક્રમા એટલે માત્ર પર્વત કે નદીની ફરતે ફરવું એવું નથી. પગથિયાં ચઢવા, અંબાજી કે ડાકોર પદયાત્રા કરીને જનારા પણ પરિક્રમા એમ કહેવાય એમ દિવંગત પૂ. ડોંગરેજી મહારાજ કહેતા હતા.
ભગવાન સ્વામિનારાયણે પણ પરિક્રમા કરી હતી તો આદિ શંકરાચાર્યે પણ દેશભરની પરિક્રમા કરી પોતાના વિચારોના પ્રસાર માટે ચાર પીઠની સ્થાપના પણ કરી હતી.
એક સમય હતો કે જ્યારે નર્મદા પરિક્રમા થતી ત્યારે શ્રધ્ધાળુઓને ભાવભીની વિદાય અપાતી હતી. તે સુખ-રૃપ પાછો આવે તે માટે હવન થતા હતા. નર્મદા પરિક્રમાનો માર્ગ એટલો કઠીન હતો કે શ્રધ્ધાળુઓ ભાગ્યે જ પાછા ફરી શકતા હતા. લોકવાયકા એવી પણ છે કે નર્મદા પરિક્રમાના માર્ગ પર 'અશ્વસ્થામા'નો ભેટો થઈ જાય છે.
આ અશ્વસ્થામા એટલે કે જેણે દ્રૌપદીના સુતેલા પુત્રોને ઉંઘમાં જ પતાવી દીધા હતા. મહાભારતનો કાળ એટલે અંદાજે ૫૦૦૦ વર્ષ ઉપરનો ગાળો, તેમ છતાં લોકો માને છે કે અશ્વત્થામા જોવા મળશે. કમનસીબી તો એ છે કે પરિક્રમાના માર્ગ પર દુરથી દેખાતા કોઈ ઉંચાઈવાળા માણસને લોકો અશ્વત્થામા સમજીને વંદન કરે છે. આ માન્યતા આજે પણ ડીજીટલ યુગમાં પ્રવર્તે છે.
હવે નર્મદા પરિક્રમાનો માર્ગ બસમાં બેસીને કપાય છે. જેમને મીની પરિક્રમા કરવી હોય તે રાજપીપળા નજીક માંગરોળ ખાતે કરી શકે છે જે ચાર-પાંચ કલાકમાં પુરી થઈ જાય છે.
રંગઅવધૂત મહારાજના ભક્તોએ ભગવાન રંગઅવધૂત જ્યાં-જ્યાંથી પસાર થયા હતા તે માર્ગ પરની પરિક્રમા યોજી હતી. ઝાડ-જાંખરામાંથી નર્મદાના કિનારા પર આ યાત્રા યોજાઈ હતી.
પરિક્રમાના ચોક્કસ દિવસો હોય છે, દરેક સ્થળનું વિશેષ મહત્ત્વ હોય છે. અંબાજી જેમ ભાદરવી પૂનમ છે તો ડાકોરમાં ફાગણી પૂનમ છે. ગિરનારની પરિક્રમા તુલસી વિવાહના દિવસોમાં થાય છે તો શત્રુંજ્યની દેવદિવાળી થાય છે. મથુરામાં ગોવર્ધનની પરિક્રમા લીલી અને સૂકી એમ બે પ્રકારની હોય છે. જે એકવાર લીલી પરિક્રમા કરે છે તે ભગવાનની કૃપા મેળવે છે.
લોકલાગણી પરિક્રમાની દિશામાં છે. ડાકોરમાં દર પૂનમે હજારો પદયાત્રીઓ જાય છે. આ એક પ્રકારે તો રણછોડરાયજીની પરિક્રમા છે.
પરિક્રમા અને પદયાત્રાના માર્ગો પર એટલા બધા શ્રધ્ધાળુઓ પસાર થયા હોય છે કે માર્ગ ઉર્જાવાન બની ગયા હોય છે. વૈષ્નોદેવીની યાત્રા કે અમરનાથની યાત્રા કઠીન હોવા છતાં લોકો થનગનતા હોય છે.
છેલ્લા બે વર્ષથી પાવાગઢની પરિક્રમા શરૃ થઈ છે. પાવાગઢ ચઢવાનો નહીં પણ તેની ફરતે ફરવાનું !! આ પરિક્રમામાં પણ હજારો લોકો જોડાઈ રહ્યા છે.
જૈન સમુદાયનો છરીપાલક સંઘ પણ આવી પરિક્રમામાં ભાગ લેતા હોય છે. કોંગ્રેસના પ્રિન્સ રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવ્યા ત્યારે ચોટીલાના પગથિયાં ચઢીને દર્શન કરવા ગયા હતા. રાજકારણીઓમાં પરિક્રમા એ ચૂંટણીની પરિક્રમા છે માટે તેનો લાભ કોઈ રાજકારણીને મળતો નથી.
દરેક પરિક્રમા ચોક્કસ જયઘોષ સાથે થતી હોય છે. જેમકે જય અંબે, જય રણછોડ, બાબા-રી, જય માતાજી, જય ભોલે વગેરે... વગેરે...
દર વર્ષે હીલ સ્ટેશન પર રજા ગાળવાના બદલે પરિક્રમા કરવાનો કોન્સેપ્ટ અપનાવવા જેવો છે. તમે એને ટ્રેકીંગ પણ ગણી શકો છો. પરંતુ જો આત્મશુદ્ધિ અને શરીરશુદ્ધિ પદયાત્રાથી થતી હોય તો તે આવકારવી જોઈએ.
કોઈપણ પરિક્રમા એ પવિત્રતા સાથે વણાયેલી હોય છે. આપણે ત્યાં વડવાઓ કહે છે કે ભાગ્યશાળીઓને જ પરિક્રમાનો અવસર મળે છે. દર વર્ષે ગિરનારની પરિક્રમા કરતો એક વર્ગ છે, એમ ભાદરવી પૂનમે અંબાજી અને ફાગણે ડાકોર જતો વર્ગ છે. આ શ્રધ્ધાળુઓએ દર વર્ષે પરિક્રમા કરવાનું નક્કી કર્યું હોય છે.
પરિક્રમા જીવનમાં નવી ચેતના લાવે છે.

Comments
Post a Comment