માણસની બેદરકારીના લીધે ઉછરેલો રાક્ષસ નામે પ્રદૂષણ

- દિલ્હીમાં ગૂંગળામણની સ્થિતિ

- હવા; વસતિ; જમીનનું પ્રદૂષણ અટકાવવું જરૃરી : માણસે પોતે કરેલી ભૂલ

પ્રદૂષણ નામનો રાક્ષસ સૌનું ગળું દબાવી રહ્યો છે. દિલ્હી પ્રદૂષણની પકડમાં છે. જેમ તાજમહેલ, અક્ષરધામ કે સંસદ જોવા લોકો દિલ્હીનો પ્રવાસ કરે છે એમ પ્રદૂષના વાદળો જોવા પણ દિલ્હી જવું જોઇએ. પ્રદૂષણની સમસ્યા વિશ્વભરમાં છે.

આપણે ત્યાં કમનસીબી એ છે કે પ્રદૂષણ નિવારવા સરકાર પ્રયાસ કરે છે જ્યારે યુરોપના દેશોમાં લોકો પોતે જ પ્રદૂષણ અટકાવવાના પગલાં લે છે.

આગ લાગે ત્યારે કૂવો ખોદવાની આપણી નીતિ પ્રદૂષણના મુદ્દે પણ ચાલે છે. પર્યાવરણવાદીઓ બાપડા-બિચ્ચારા બનીને ફરે છે.

પ્રદૂષણ નામનો રાક્ષસ તેના ગંદા હાથ લંબાવી રહ્યો છે. પ્રદૂષણની સદ્નસીબી એ છે તે રાજકીય મુદ્દો નથી બનતો. કોઇ રાજકીય પક્ષ એવો જોયો કે તેનો ઉમેદવાર એમ કહે કે મારા વિસ્તારને હું પ્રદૂષણ મુક્ત બનાવીશ, પાંચ વર્ષના શાસનમાં વિસ્તારને લીલોછમ બનાવીશ, બાળકો માટે ગાર્ડન બનાવીશ, વિસ્તારમાં ફટાકડા નહીં ફૂટવા દઉં વગેરે.. વગેરે..

દરેક રોટી-રોજગારી-મકાનથી આગળ નથી વધતા.

પર્યાવરણની રક્ષા અંગેની વાતો ઘણી થાય છે. કોઇ એક બિલ્ડર ઝાડ કાપીને જગ્યા કરે છે તો સામે ૧૦૦ વૃક્ષ વાવવાની બાંહેધરી આપે છે. પરંતુ વૃક્ષ વાવવા અને ઉછેરવા બંને વચ્ચે આસમાન-જમીનનો ફર્ક છે.

આવી બાંહેધરી આપ્યા પછી વૃક્ષો ઉગે અને છાંયો આપે પછી જ તે બિલ્ડીંગ કે રોડ બાંધી શકે તેવા કાયદા બનાવવાનું સરકારને ક્યારેય સૂઝતું નથી. ચોમેર વૃક્ષ કપાય છે. રાજકારણીઓ આંદોલનમાં રસ્તા રોકવા વૃક્ષ કાપે છે. તેમને બોલનાર-ટોકનાર કોઇ નથી.

દિલ્હીની સરકારનો ખુલાસો એવો છે કે નજીકના ગામોમાં બળાતા ઘાસના ઠૂંઠાનો ધૂમાડો દિલ્હી તરફ આવે છે. ધૂમાડો જ્યારે દિલ્હીની પ્રદૂષિત હવા સાથે ભળે છે ત્યારે જોખમ સર્જે છે.

પ્રદૂષણની સ્થિતિ ઊભી કરતા પાંચ મુદ્દા છે. જેમાં (૧) પ્રદૂષિત હવા અને ક્લાઇમેટ ચેન્જ (૨) જંગલોનો નાશ (૩) પૃથ્વી પરથી લુપ્ત થતી પ્રાણીઓની જાત (૪) રાસાયણિક ખાતરોના કારણે જમીનોનો નાશ અને છેલ્લે વસ્તી વધારો આવે છે.

ભારત વસ્તી વધારાના કારણે ઊભી થયેલી ગીચ સ્થિતિથી પીડાય છે. જેમ મોદી સરકારે સ્વચ્છતા અભિયાન શરૃ કર્યું છે એમ પર્યાવરણ બચાવની ઝુંબેશ શરૃ કરવી જોઇએ.

સ્વૈચ્છિક સંસ્થાઓ તેમને મળતી સહાય પર કૂદે છે. પ્રોજેક્ટનો અમલ એટલે તેમના માટે ફોટો સેશન હોય છે. છોડવા વાવનારાનો ફોટો આવે છે પછી તેને માવજત કરીને મોટા વૃક્ષ બનાવવાની કોઇને પડી નથી હોતી.

જંગલોનો નાશ તો ઠીક છે પણ આપણી આસપાસની વનરાજીનું નિકંદન નીકળી ગયું છે. કેટલાક પોતાના ઘર પાસેના ઝાડ એટલા માટે કપાવે છે કે તેનાથી ગંદકી થાય છે. આવા ઝાડ કપાવનારને એ ખબર નથી કે તેની આગામી પેઢીનો તો નાશ કરી રહ્યા છે.

આજકાલ પ્રિમેચ્યોર્ડ બેબીના જન્મનું પ્રમાણ વધ્યું છે જેને ગ્લોબલ વૉર્મીંગ સાથે જોડવામાં આવે છે. ગ્લોબલ વૉર્મીંગ અને પર્યાવરણ એ મા-માસી જેવા છે.

વૃક્ષો કાપનાર અને ત્રાસવાદી બંનેને એક જ કેટેગરીમાં નહીં રખાય તો માનવજીવન ગુંગળાઇને મરશે તે હકીકત છે. આગામી પેઢી માટે પણ વિચારવું પડશે. આ પેઢી પૂછશે કે તમે આટલા વૃક્ષો શા માટે કપાવવા દીધા ? શા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને જમીનોનો રસ-કસ મારી નાખ્યો ? શા માટે પ્રાણીઓની જાત લુપ્ત થવા દીધી ?

આપણી જુની પેઢીએ પર્યાવરણની રક્ષા માટે કરેલા ધાંધીયાને આપણે આગળ વધાર્યા એટલું જ નહીં પણ વૃક્ષો કાપવા સવલત કરી આપી હતી.

પર્યાવરણનું રક્ષણ તબક્કાવાર થઇ શકે છે. આપણે પૃથ્વીને ઘણું નુકસાન પહોંચાડયું છે. ગીધ અદ્રશ્ય થયા, ચકલીઓ ગુમ થઇ ગઇ, કાગડા શોધવા જવું પડે છે, અનેક જીવો લુપ્ત થઇ ગયા છે તે બધા પાછળ માનવજાત જવાબદાર છે. ફટાકડા પર પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ પ્રદૂષણ છે, નહીં કે હિંદુ તહેવારો પર આક્રમણ !!

જ્યાં સુધી લોકો પર્યાવરણનું મહત્વ નહીં સમજે ત્યાં સુધી પ્રદૂષિત હવાના વાયરા વાયા કરશે.

માનવજાત એમ માની બેઠી છે કે પૃથ્વી પર પોતાના એકલાનો અધિકાર છે પણ ભગવાનના ક્રિએશનમાં અન્ય અબોલ જીવો પણ છે. આ અબોલ જીવો જેવાં કે વૃક્ષો, પશુ-પક્ષી વગેરેના કારણે માનવજીવન હર્યું-ભર્યું છે. માનવ જીવનને ઓક્સીજન આપતી ચીજોની ટયુબને ખુદ માનવ જ કાપી રહ્યો છે.

Comments