હૈદરાબાદ બન્યું ઈવાન્કાબાદ ઈવાન્કા પર ભારત મોહી પડયું

- અમેરિકા ભારતની સાથે એમ કહેતાં તાળીઓથી હોલ ગુંજી ઉઠયો

- ડાયના પછી ઈવાન્કાનું રેડ કાર્પેટ સ્વાગત : લિજ્જત અને દૂધ મંડળીઓની પ્રશંસા

એક સમયે ડાયના માટે હૈદ્રાબાદમાં લાલજાજમ બીછાવાઈ હતી. ડાયનાના આકર્ષક વ્યક્તિત્વ તરફ લોકો આકર્ષાયા હતા. આજે ડાયનાની જગ્યા ઈવાન્કાએ લીધી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાન્કા તેના પોતાના બળે આગળ વધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી હોવાના નાતે મને સન્માન ના મળવું જોઈએ પરંતુ વ્યક્તિગત રીતે એક સફળ બિઝનેસ વુમન તરીકે સન્માન મળવું જોઈએ. ભારતે પણ વિશ્વની મહાસત્તાની પુત્રીને ભરપેટ આવકાર્યા હતા અને હૈદ્રાબાદી બીરીયાનીથી માંડીને ૧૦૦ વાનગીઓનો ટેસ્ટ પણ કરાવ્યો હતો.

હૈદ્રાબાદમાં યોજાયેલી ગ્લોબલ એન્ટર પ્રિનિયોરશીપ ૨૦૧૭માં મુખ્ય મહેમાન તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ખાસ ઉપસ્થિત રહી હતી. આ મુલાકાત ઘણાં સમયથી ફિક્સ હતી. ઈવાન્કાના આવવાથી સમગ્ર સમારંભને ચાર ચાંદ લાગી ગયા હતા. વડાપ્રધાન મોદીએ પણ ભારતમાં સ્ત્રી સ્વાતંત્ર્ય અને મહિલાઓના સંગઠન વડે ચાલતી 'લિજ્જત' જેવી સંસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. તેલંગાણાના મુખ્ય પ્રધાને પણ પોતાના રાજ્યની ડીજીટલ સિધ્ધિઓ વર્ણવી હતી.

હૈદ્રાબાદ હકીકતે ઈવાન્કાબાદ બની ગયું હતું. ચોમેર હોર્ડીંગ્સ અને વેલકમના પોસ્ટરો હતા. ડાયના આવી તે કરતાં પણ વધુ ઝાકમઝોળ દેખાતી હતી. ડાયનાનો કોઈ રાજકીય ટચ નહોતો પણ ઈવાન્કાનો ટચ રાજકીય કહી શકાય. ઈવાન્કાના પિતા ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પુત્રીના અનેકવાર વખાણ કરી ચૂક્યા છે.

આપણા ઘેર આવતા મોંઘેરા મહેમાન વખતે ઘરના પડદાથી માંડીને ચાદરો બદલાઈ જાય છે. દરેક ઘરમાં હાજર રહે છે એમ ભારતમાં ઈવાન્કા મોંઘેરા મહેમાન તરીકે હતી.

ઈવાન્કાએ ભારતની પ્રશંસા કરતા કહ્યું હતું કે ભારતમાં મને ઉજળી તકો નજરે પડે છે. મહિલાઓ અહીં અનેક પોસ્ટ પર નજરે પડે છે. ભારતમાં ત્રણ કેન્દ્રીય પ્રધાનો સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન અને માહિતી ખાતાના પ્રધાન સ્મૃતિ ઈરાની સફળ મહિલાઓની યાદીમાં આવે છે.

ભારતે વિકાસ કરવો હશે તો મહિલાઓને પ્રાધાન્ય આપવું પડશે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ઈન્દીરા નૂઈથી માંડીને ચંદા કોચર સુધીના ટોપ પર છે પણ ગામડામાં દૂધ મંડળી ચલાવતી બહેનોએ પણ ચમત્કાર કર્યો છે. ઘેર-ઘેર દૂધના કારણે ઘરદીઠ આવકમાં વધારો થયો છે.

સ્પોર્ટસ ક્ષેત્રે મહિલાઓએ ડંકો વગાડયો છે એમ કોર્પોરેટ ક્ષેત્રે પણ છે પરંતુ ગામડાની કે મધ્યમવર્ગની મહિલાઓને આગળ વધવાનો ચાન્સ આસાનીથી નથી મળતો.

લંબુ ઈવાન્કાની સાથે ઠીંગણા- ઓછી હાઈટવાળા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની તસ્વીરો પણ જોવા લાયક હતી. સુષ્મા સ્વરાજે ઈવાન્કાને આવકારી હતી અને બંને એકબીજાના હાથ પકડીને સ્ટેજ સુધી ગયા હતા.

સમારંભમાં રોબોટ મિત્ર આકર્ષણનું કેન્દ્ર હતું. આ રોબોટ ઘણી ભાષા બોલી શકે છે અને સમજી શકે છે. ઈવાન્કાએ વડાપ્રધાન મોદીના સંઘર્ષની પણ પ્રશંસા કરી હતી. વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકાસ કરતી ઈકોનોમી ભારતની છે. જ્યારે ઈવાન્કાએ એમ કહ્યું કે અમેરિકા ભારતની સાથે છે ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠયો હતો.

ઈવાન્કા પોતે કહે છે કે મારું ડેવલોપમેન્ટ સ્વતંત્ર છે. સ્કુલના દિવસોથી જ તે મોડલિંગ કરતી હતી. નામાંકિત બ્રાન્ડ માટે તેણે મોડલિંગ કર્યું છે. રેમ્પ વોક માટે પણ તે જાણીતી છે. મિસ-ટીન યુએસએની તે હોસ્ટ હતી અને સેવન્ટીન (૧૯૭૭) નામના મેગેઝીનના ટાઈટલ પર તેનો ફુલ સાઈઝ ફોટો હતો. કેટલાક મેગેઝીનના કવર પર તેની હોટ તસ્વીરો પણ છપાઈ છે.

ઈવાન્કાએ જેરેડ કુશનેર નામના ન્યુઝ પેપર બેરોન સાથે તેણે લગ્ન કર્યા છે. ઈવાન્કાની અને તેના પતિની સંયુક્ત સંપત્તિ ૫૦ અબજ રૃપિયા જેટલી છે. ઈવાન્કા હાલમાં વ્હાઈટ હાઉસની સલાહકાર છે. વિમેન હૂ વર્ક, રિરાઈટીંગ ધ રૃલ્સ ફોર સક્સેસ અને ટ્રમ્પકાર્ડ નામના પુસ્તકો લખ્યા છે.

ઈવાન્કાની સિધ્ધી દર્શાવે છે કે તે સફળ બિઝનેસ વુમન છે. અમેરિકામાં ૧.૧૦ કરોડ મહિલાઓ પોતાનો બિઝનેસ ચલાવે છે. આ વાતનો અહીં ઉલ્લેખકરવાનું તાત્પર્ય એ છે કે તાજેતરની ગુજરાતમાંની ચૂંટણીઓ દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ એમ બંનેએ નિહીવત્ સંખ્યામાં મહિલાઓને ટીકીટ ફાળવાઈ છે.

ભારતમાં મહિલાઓ ઘર ચલાવે છે પણ ઘરના નિર્ણયોમાં તેમનો ફાળો અને ઉપજ હોય છે.

ભારતે ઈવાન્કાનું સ્વાગત જોર-શોર ભરી ઉષ્મા સાથે કર્યું છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની સૌથી વધુ નજીક તેમની પુત્રી ઈવાન્કા છે. તે અમેરિકા જઈને તેના ડેડી (ટ્રમ્પ)ને કહેશે કે ભારતમાં મારા માટે રેડ કાર્પેટ બીછાવાઈ હતી.

ખરેખર... આગતા-સ્વાગતામાં ભારત નંબર વન છે.

Comments