- રસગુલ્લાની મીઠાશમાં રાજકારણની એવી કડવાશ ઘોળાઈ ગઈ હતી કે છેલ્લાં અઢી વર્ષથી પશ્વિમ બંગાળ અને ઓડિશા વચ્ચે એ મામલે ભાવનાત્મક યુદ્ધ છેડાઈ ગયું હતું
લોકોની ભાવનાઓ સાથે રમત કરીને, છેડછાડ કરીને, આળપંપાળ કરીને રાજકારણ ખેલવાનો ગંદો શિરસ્તો આપણે ત્યાં વર્ષોથી પ્રવર્તે છે. ધાર્મિક કે સામાજિક બાબતોમાં વણાયેલા મુદ્દાઓને તકસાધુ રાજકારણીઓ એવો રાજકીય રંગ આપી દેતા હોય છે કે જેના કારણે બે કોમ વચ્ચે, બે જ્ઞાાતિઓ વચ્ચે કે પછી બે રાજ્યોના નાગરિકો વચ્ચે રીતસર દુશ્મનાવટના બીજ રોપાઈ જતા હોય છે. પશ્વિમ બંગાળ અને ઓડિશાના નાગરિકો વચ્ચે કડવાશ ઘોળતો એવો જ રાજકીય રંગ રસગુલ્લાની બાબતે અપાયો.
વિવાદના બીજ ઓડિશાની બીજુ જનતાદળની સરકારે રોપ્યાં હતાં. આજથી લગભગ બે-અઢી વર્ષ પહેલાં ઓડિશાની સરકારે પાહાલમાં બનતા રસગુલ્લા માટે જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન (જીઆઈ) મેળવવાની અરજી કરી હતી. ભુવનેેશ્વર અને કટકની વચ્ચે આવેલું પાહાલ તેના રસદાર રસગુલ્લા માટે આખા ઓડિશામાં જાણીતું છે.
ઓડિશાના આ વિસ્તારમાં જ આશરે ૧૦૦ કરોડનો વાર્ષિક રસગુલ્લાનો બિઝનેસ થતો હોવાનો દાવો સરકારે કર્યો હતો. સ્થાનિક લોકો કે રસગુલ્લા બનાવનારાઓએ ક્યારેય સરકાર સમક્ષ એવી માગણી કરી કે તેમને જીઆઈના ટેગની જરૃર છે, પણ સરકારે ૨૦૧૪માં વિધાનસભાની ચૂંટણી પહેલાં આ સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો હતો.
![]() |
| Geographical Indication Tags India |
પાહાલ અને આસપાસના વિસ્તારોની મતબેંક બીજા કોઈ પક્ષ તરફ સરકી ન જાય એ માટે ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ઓડિશાની બીજુ જનતાદળની સરકારે પાહાલના વિખ્યાત રસગુલ્લા મુદ્દે દાણો ચાંપ્યો હતો. સરકારે પહેલી વખત એવો પ્રયાસ કર્યો એટલે લોકોને આશા જાગી હતી.
ઓડિશા સરકારની આ ચેષ્ટાની જાણ થઈ એટલે રસગુલ્લા માટે વિશ્વવિખ્યાત એવું પશ્વિમ બંગાળ પણ હરકતમાં આવ્યું. રસગુલ્લાના મુદ્દે પશ્વિમ બંગાળ સરકારના નેતાઓ પણ મેદાનમાં આવ્યા.
એમાં વળી બંને રાજ્યોના ઈતિહાસકારો પણ મેદાનમાં આવ્યા એટલે જંગ વધુ ઉગ્ર બન્યો. ઈતિહાસકારોને ટાંકીને નેતાઓ બયાનો આપતા હતા અને બંને રાજ્યોના લોકો એ બયાનોના આધારે રસગુલ્લા ઉપર પોત-પોતાનો અધિકાર છે એવું દૃઢપણે માનવા લાગ્યાં.
કોઈ પણ બાબતને ધાર્મિક માન્યતા સાથે જોડી દેવામાં ઉસ્તાદ આપણાં રાજકારણીઓએ આ બાબતે ય અદ્લ એવું જ કર્યું. પૂરીના જગ વિખ્યાત જગન્નાથ મંદિરમાં સદીઓથી ભગવાન જગન્નાથજીને રસગુલ્લાનો પ્રસાદ ધરાવાય છે.
ભગવાન જગન્નાથ રૃઠેલાં લક્ષ્મીજીને મનાવવા માટે રસગુલ્લા આપે છે એવી દંતકથા ઓડિશાએ વહેતી કરી એ સાથે જ બંગાળે પોતાની દલીલો રજૂ કરી. બંગાળનો દાવો હતો કે આપણે ત્યાં ભગવાનને ફાટેલા દૂધની એક પણ વાનગી ધરાવાતી નથી. રસગુલ્લા બને એ પહેલાં દૂધને ફાડી નાખવામાં આવે છે. એ ભગવાનના પ્રસાદ તરીકે માન્ય ન ગણાય.
તથ્યો પ્રમાણે ખરેખર તો રસગુલ્લાનો ઈતિહાસ પશ્વિમ બંગાળની તરફેણમાં જતો હતો. ૧૮૬૪માં નવીનચંદ્ર નામના યુવાન મીઠાઈના વેપારીએ પહેલી વખત રસગુલ્લાની ડીશ તૈયાર કરી હતી. નવીનચંદ્રના પુત્ર કૃષ્ણચંદ્ર દાસે એ રસગુલ્લાને લોકપ્રિયતાના શિખરો સર કરાવ્યા હતા.
ઓક્સફર્ડ ફૂડના સંપાદનમાં એલેન ડેવિડસને રસગુલ્લાને પશ્વિમ બંગાળની રેસિપી ગણાવી છે. ઐતિહાસિક અને સામાજિક રીતે ય રસગુલ્લા પશ્વિમ બંગાળ સાથે વધુ તાલમેલ ધરાવે છે.
પછી પશ્વિમ બંગાળ અને ઓડિશા પાડોશી રાજ્યો હોવાના નાતે એ રેસિપી ઓડિશા સુધી ય પહોંચી. એમાં ય ઓડિશાના પાહોલે તો છેલ્લાં દશકામાં રસગુલ્લાની બાબતે કાઠું કાઢ્યું હતું.
પણ, મતબેંકનું ગણિત કામે લગાડીને રાજકારણીઓએ બંને રાજ્યોના નાગરિકોને લડાવી માર્યા હતા. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના મંત્રીઓ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના મંત્રીઓ વચ્ચે છેલ્લાં દોઢ વર્ષથી રસગુલ્લા મુદ્દે રીતસર ચડસાચડસીનો માહોલ જામ્યો હતો.
ઓડિશા સરકાર તરફથી આ મામલો નાણામંત્રી શશીભૂષણે સંભાળ્યો છે. શશીભૂષણે રસગુલ્લાને ઓડિશાની ડિશ ગણાવવા માટે સતત નિવેદનો આપ્યા છે. રીતસર તેમણે ઝુંબેશ ચલાવી છે અને જરૃર પડયે ખુદ મુખ્યમંત્રી નવીન પટનાયક પણ મેદાનમાં ઉતરવા તૈયાર હતા.
સામે પશ્વિમ બંગાળ સરકારે ફૂટ પ્રોસેસિંગ મંત્રી અબ્દુલ રઝાકને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે સતત એવું કહ્યે રાખ્યું હતું કે પશ્વિમ બંગાળ રસગુલ્લાનું જન્મ સ્થળ છે. ઓડિશાને ખોટી ક્રેડિટ ખાટવા નહીં દેવાય. જરૃર પડશે તો કોર્ટમાં ય ઓડિશાના દાવાને પડકારવા માટે પશ્વિમ બંગાળ તૈયાર છે.
૨૦૧૫માં ઓડિશાના સાયન્સ અને ટેકનોલોજી મંત્રી પ્રદીપકુમાર પાનીગ્રહીએ એવું નિવેદન આપીને ઓડિશાનો દાવો રજૂ કર્યો હતો કે રસગુલ્લા ઓડિશા સાથે છેલ્લાં ૬૦૦ વર્ષથી જોડાયેલા છે અને ઓડિશાના ઈતિહાસકારો તેનો પુરાવો પણ આપી શકે તેમ છે. બીજુ જનતા દળના નેતા મહેશ્વર મોહંતીએ દોઢ વર્ષ પહેલાં નિવેદનમાં કહ્યું હતું કે ઓડિશા સરકાર ટૂંક સમયમાં આઈજીનું ટેગ મેળવીને રસગુલ્લાને પોતાના નામે કરી દેશે.
કૃષ્ણચંદ્ર દાસના ડિરેક્ટર ધીમન દાસે ૨૦૧૫માં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી આ મુદ્દે પૂરા સક્રિય છે અને તેમણે લાગતા વળગતા અધિકારીઓને આ અંગે તૈયારી કરવાનું કહી રાખ્યું છે. મમતા બેનર્જી ખુદ આ મામલે એટલા જ સક્રિય રહ્યા હતા. એમના માટે ય આ મુદ્દો બહુ મહત્વનો હતો. જો રસગુલ્લાની બાબતે પશ્વિમ બંગાળની પીછેહઠ થાય તો એ રાજકીય રીતે પણ મમતાદીદીને પરવડે તેમ ન હતું.
એ પછી આખરે પશ્વિમ બંગાળે આઈજી ટેગ માટે ભારતના કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મંત્રાલય સમક્ષ રજૂઆત કરી હતી. બંગાળ સરકારે પોતાના દાવામાં નવીનચંદ્રએ રસગુલ્લાની પ્રથમ ડિશ બનાવી હતી એવા મતલબની તમામ વિગતો ટાંકી હતી. બીજી તરફ ઓડિશાના દાવામાં દમ નથી અને ઓડિશાએ આ વાનગીને પોતાના નામે કરવામાં ઈતિહાસ સાથે કેવા ચેડાં કર્યા છે એની વિગતો પણ પશ્વિમ બંગાળ સરકારે ટાંકી હતી.
રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે છેડાઈ ગયેલા જંગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની સામેલગીરી પણ વધી. ઓડિશાએ રીતસર 'રસગુલ્લાદિબસ'ના હેશટેગ સાથે સોશિયલ મીડિયા કેમ્પેઈન ચલાવ્યું હતું. 'રસગુલ્લાદિવસ' યાને રસગુલ્લા દિવસની ઉજવણી પણ ઓડિશા સરકારે ૨૦૧૫માં કરી નાખી હતી.
જવાબમાં પશ્વિમ બંગાળે પણ 'બંગાલીરસગુલ્લા'ના હેશટેગ સાથે મહિનાઓ સુધી સોશિયલ મીડિયા કેમ્પેઈન ચલાવ્યું હતું. બંને પક્ષે ભાવનાત્મક યુદ્ધમાં સેલિબ્રેટીઝ પણ જોડાતા ગયા. પહેલી નજરે ખબર પણ ન પડે એમ બંને રાજ્યોના સેલિબ્રિટીઝે પોતાની મનગમતી મીઠાઈ રસગુલ્લા છે એમ કહીને પરોક્ષ રીતે જંગલમાં ઝુકાવ્યું હતું. બેંગાલી ટાઈગર તરીકે ક્રિકેટજગતમાં જાણીતા પૂર્વ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રસગુલ્લાની તરફેણમાં નિવેદન આપ્યું હતું.
આખરે ભારતના કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મંત્રાલયની ચૈન્નાઈ જીઆઈ ઓફિસે પશ્વિમ બંગાળને રસગુલ્લા માટે સત્તાવારી રીતે જીઆઈ ટેગ આપ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ નિર્ણયને આવકારતી ટ્વિટ કરતા લખ્યું હતું : 'પશ્વિમ બંગાળ માટે ખૂબ જ મીઠાં સમાચાર આવ્યા છે. હું બહુ ખુશ છું કે બંગાળના રસગુલ્લાને આખરે જીઆઈ ટેગ મળી ગયું છે'.
એક રીતે જોઈએ તો હવે રસગુલ્લાનો વિવાદ શમી ગયો ગણાય. પશ્વિમ બંગાળના દાવાની જીત થઈ છે, પણ હજુ આ વિવાદનો અંત આવશે કે કેમ એ મોટો સવાલ છે. પશ્વિમ બંગાળને રસગુલ્લાનું જીઆઈ ટેગ મળ્યાની જાહેરાત થઈ પછી ઓડિશા સરકારે એક નિવેદનમાં કહ્યું હતું : 'આ જીઆઈ ટેગ બંગાળમાં બનતા રસગુલ્લા માટે છે. રસગુલ્લા કોના એ મુદ્દો તો હજુ એમનો એમ રહ્યો છે!'
બંગાળ તેના સફેદ રસગુલ્લા માટે જાણીતું છે. તો ઓડિશા તેના ભૂરા રસગુલ્લા માટે વખણાય છે. જોવાનું એ રહે છે કે હવે બંને રાજ્યોના નાગરિકો વચ્ચેના ભાવનાત્મક યુદ્ધમાં પૂર્ણવિરામ મૂકાય છે કે પછી ભૂરા અને સફેદ રસગુલ્લાના નામે નવો જંગ છેડાય ત્યાં સુધી અલ્પવિરામ મૂકાયું છે!


Comments
Post a Comment