ચૂંટણી ઢંઢેરાનો ઠઠારો

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

વિઝન ઑફ ડૉક્યુમેન્ટમાં કોઇ વિઝનને વળગી રહેતું નથી, દરેક સત્તાને વળગી રહે છે

કરૃણાનીધીએ ટીવી આપ્યા હતા તો અખિલેશે લેપટોપ આપ્યા હતા 

એવા લોકો જોઇએ કે જે મત વિસ્તારમાં વૃક્ષો ઉગાડવાનું પ્રોમિસ આપે અને સ્વચ્છતાનું વચન આપે..

ગુજરાતની ચૂંટણીઓમાં ટિકીટોની વહેંચણી પૂરી થઇ ગઇ છે. હવે ચૂંટણી ઢંઢેરાની મોસમ આવશે. હકીકતે તે ઢંઢેરો નહીં પણ ચૂંટણી વચનો કહી શકાય. ભારતની પ્રજા એટલું તો જાણી ગઇ છે કે ચૂંટણી વચનો આપીને આપણને ઉલ્લુ બનાવવામાં આવે છે જ્યારે રાજકીય પક્ષો પણ માને છે કે ચૂંટણી વચનો આપીને આપણે પ્રજાને લોલીપોપ બતાવીને જીતી શકીશું !!

ચૂંટણી ઢંઢેરો બહાર પાડવો એક વ્યવહાર બની ગયો હોય એમ લાગે છે. દરેક રાજકીય પક્ષ પોતાના નેતાઓ સાથે હાથમાં ઢંઢેરાની બુકલેટ લઇને તેના ફોટા પડાવશે. જોકે પડદા પાછળ અંધારું એ વાતનું હશે કે ઢંઢેરા પ્રમાણેના કોઇ કામ થશે નહીં પણ તેનો ઠઠારો એવો થશે કે જાણે બહુ મોટું પરિવર્તન આવશે.

ચૂંટણી ઢંઢેરાની આ પ્રથા હકીકતે તો પક્ષ આગામી પાંચ વર્ષમાં શું કરવા માગે છે તેના પ્લાન સમાન હોય છે. લોકસભાના જંગમાં આખા દેશ માટે એક હેતુ, એક વચન, એક ધ્યેય વગેરે હોઇ શકે પણ રાજ્ય વિધાનસભામાં તો દરેક જિલ્લા પ્રમાણે અલગ ઢંઢેરો હોવો જોઇએ.

તમે ક્યારેય કોઇ વિધાનસભાના ઉમેદવારને એમ બોલતા જોયો કે મારા મત વિસતારમાં મટનની દુકાનો, કસાઇખાના, દારૃની ભઠ્ઠી ચાલવા નહીં દઉં !! મારા મત વિસ્તારમાં આગામી પાંચ વર્ષમાં હું ૫૦૦૦ વૃક્ષો વાવીશ અને તેની સાર-સંભાળ રાખીશ.

આ લોકોને પોપટ જેમ બોલતા શીખવાડાયું છે કે પક્ષના આદેશ પ્રમાણે કામ કરીએ છીએ. આવા લોકોને દર ચૂંટણીમાં ટીકીટ મેળવવા કરગરવું પડે છે કેમ કે તેમનું પોતાનું તેમની પાસે કશું નથી હોતું.

લોકોને રોટી-કપડાં-મકાનની જરૃર છે એ વાત બકવાસ સમાન છે પરંતુ પ્રદૂષણ મુક્ત વિસ્તાર, કૂતરાના ખસીકરણવાળો વિસ્તાર, રખડતી ગાયો વિનાનો વિસ્તાર, ખાડા વિનાના રસ્તા, બંધ લાઇટો વિનાનો વિસ્તાર વગેરે પણ મહત્વના મુદ્દા છે. દિલ્હીમાં કેજરીવાલની સરકારે શરૃ કરેલા મહોલ્લા ક્લીનીક કે તમિળનાડુના દિવંગત મુખ્ય પ્રધાન જયલલિથાએ ઊભી કરેલી રૃા. પાંચમાં પેટ ભરીને નાસ્તો આપતી કેન્ટીન ખોલવાનું કોઇને સૂઝતું નથી.

કેટલાંક પોતાના પક્ષને વળગી રહે છે તો કેટલાંક પાસે સ્વતંત્ર વિચારવાની શક્તિ ભાગ્યે જ હોય છે. આખી ચૂંટણીમાં કોઇ એકની વિરોધી વાત કે અફવાના કારણે સાચો ઉમેદવાર દંડાય છે. વ્યક્તિગત રીતે ઉમેદવારની ચકાસણી થઇ શકે એમ નથી હોતું એટલે મતદારો ઘરમાં કે બજારમાંથી ટ્રેન્ડ જાણી લે છે. ઘેર-ઘેર જઇને થતો ચૂંટણીનો પ્રચાર એ માત્ર બે મિનિટનો ખેલ હોય છે. તેમાં બે હાથ જોડવા સિવાય આગળ કોઇ વાત થતી નથી. પાંચ વર્ષ પછી તો ક્યારેય પ્રજાના દુ:ખમાં ભાગીદાર નથી હોતા.

ગુજરાતમાં ભાજપે ૨૪ વર્ષ શાસન કર્યું છતાં પણ લોકો નારાજ હોય તો તેના નેતાઓએ અરીસામાં મોં જોવું જોઇએ. પાણી ના મળે, રસ્તા ના મળે, ગંદકી ઠેર ઠેર હોય, લોકોમાં અસંતોષ વધ્યા કરે એ કેવું ? જો ૨૪ વર્ષ સુચારુ શાસન કર્યું હોય તો પ્રજા પાસે મત મેળવવા જવું જ ના પડે !! લોકો પ્રેમથી સામે ચાલીને ચૂંટી કાઢે !! 

આ વાંચીને કોંગ્રેસે હરખાવા જેવું નથી કેમ કે વિપક્ષની ભૂમિકા ભજવવામાં તે નિષ્ફળ ગયા છે. એ જ વાત દેશના સૌથી જુના પક્ષ કોંગ્રેસને પણ લાગુ પડે છે કે તેણે જીતવા માટે તેના વિચાર સાથે મેળ ના ખાતો હોય એવા લોકોનો ટેકો લેવો પડે છે.

ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ એપિસોડ હોય છે. જેમ કે ઉમેદવારની પસંદગી, નામોની જાહેરાત, ટિકીટ ના મળે તો વિરોધ, ઉમેદવારી પત્રો પાછા ખેંચાય ત્યાં સુધી વિરોધ, પછી મનામણાં ચાલે, પછી ઢંઢેરા બહાર પડે, પછી પ્રચાર ઝુંબેશ ચાલે, પછી મતદાન અને છેલ્લે પરિણામોની ઉત્સુકતા !! આ બધામાં સૌથી આસાન ચૂંટણી ઢંઢેરો છે જેમાં નહીં કોઇ ડીમાન્ડ કે નહીં કોઇ વિરોધ !!

મતદારો પણ પોંગા પંડિત જેવા છે. પ્રચાર માટે આવતા ઉમેદવારો સાથે હસી-હસીને વાતો કર્યા કરે છે. કોર્પોરેટરો કદાચ થોડા કામમાં આવે પણ વિધાનસભ્યો તો ભાગ્યે જ કામમાં આવે છે. જ્યારે સાંસદ તો ક્યાંય કામમાં નથી આવતા છતાં પ્રજા તેમને જોઇને ગદ્ગદ્ થઇ જાય છે. આવી મેન્ટાલીટીથી ભારતના ૭૦ ટકા લોકો પીડાય છે.

ચૂંટણી ઢંઢેરો બકવાસ છે કે લોકોને ઉપયોગી છે તે અંગેનું કોઇ ટીવીવાળાને કે અન્ય એજન્સી ડીબેટ કરે તો તે લોકોને એક બીનજરૃરી મુદ્દાનો ખ્યાલ આવી શકે છે.

દસ વર્ષ અગાઉ તમિળનાડુમાં કરૃણાનીધીના ડીએમકે પક્ષે દરેકને કલર ટીવી સેટ આપવાનું વચન આપ્યું હતું. જીતી ગયા પછી તેમણે ઘેર ઘેર ટીવી આપ્યા હતા. જેનું ઘર ખુલ્લું હોય તેને જ ટીવી મળેલું હોઇ મોટા મોટા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોમાં કામ કરતા મજૂરો કામ છોડીને તેમનું ઘર ખોલીને બેસી ગયા હતા !

ચૂંટણી ઢંઢેરા અંગે કોઇ પક્ષ ગંભીર નથી કેમકે પ્રજા તેમને આ અંગે પ્રશ્ન પૂછતી નથી. પ્રજા એવી એશ-આરામી છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ પાસેથી કામ નથી લેતી.

એવી જ રીતે અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં લેપટોપ મફત આપ્યું હતું. વચન પ્રમાણે કર્યું હતું. લાખો લેપટોપ વહેંચ્યા હતા. એવી જ રીતે ૬૦ વર્ષ ઉપરનાને રૃા. ૭૦૦ દર મહિને આપવાની વાત પણ કરી હતી. અખિલેશે જીત્યા પછી પોતાના વચનો પાળ્યા હતા અને રાજ્યની તિજોરી સાવ ખાલી થઇ ગઇ હતી.
ચૂંટણી ઢંઢેરો એ દેખાડો છે. દરેક વિધાનસભ્યે પોતાના વિસ્તારના વિકાસ માટે અલગ ઢંઢેરો બહાર પાડવો જોઇએ. ઢંઢેરો બહાર પાડવો એ ચપટીનો ખેલ છે કેમ કે તે પ્રમાણે પાલન નથી કરવાનું.

જો અમે જીતીશું તો ગરીબોના કલ્યાણ માટે કામ કરીશું એમ ઢંઢેરામાં લખ્યું હોય છે એનો અર્થ એ હોય કે ચૂંટણીમાં નહીં જીતીએ તો આવું કામ તે પક્ષ નહીં કરે !! કેટલાંક કામો તો હાર-જીત સાથે સંકળાયેલા હોય છે.

ઢંઢેરો જીત સાથે સંકળાયેલો છે. જો જીત ના મળે તો તે રદ્દી-પસ્તી બની જાય છે. દરેક ચૂંટણી જીતવા કમર કસે છે પણ મતદારોના દિલ કોઇ એક જ જીતી શકે છે.

ચૂંટણી પ્રલોભનો ઢંઢેરા દ્વારા અપાય છે તે તો ઠીક પણ પડદા પાછળ પણ ઢંઢેરા સિવાયની લેવડ-દેવડ ચાલતી હોય છે. મતદાનની આગલી રાતે ચાલતા આ ધંધામાં હજુ સુધી કોઇ ઓટ આવી નથી.

ખરેખર, ચૂંટણી ઢંઢેરા સામે વાંધો છે. આ એક એવા મુદ્દાનો ચોપડો હોય છે કે જે ગાઇ-વગાડીને પ્રજા સમક્ષ મૂકાય છે; જેમાંના કોઇ કામ થતા નથી. જેમને કામ કરવા છે એમને ઢંઢેરો પીટવાની જરૃર નથી હોતી.

રાજકીય પક્ષોએ ક્યાં તો ઢંઢેરા પ્રમાણે કામ કરવું જોઇએ અથવા તો ઢંઢેરાના આ ઢોલને પડતું મૂકવું જોઇએ. છેલ્લા ૭ દાયકાથી ચાલી આવતી ચૂંટણી પ્રથામાં પ્રોમિસો આપવામાં રાજકીય પક્ષો નિષ્ણાત છે પણ તેનો અમલ કરવામાં પાંગળા પુરવાર થયા છે.

ચૂંટણી ઢંઢેરાને આપણે વિઝન ઑફ ડૉક્યુમેન્ટસ કહી શકીએ પરંતુ જો આ રાજકીય પક્ષો વિઝનને વળગી રહ્યા હોત તો ૭ દાયકા પછી દેશ દરેક ક્ષેત્રે ખોડંગાતો ના હોત !!

Comments