તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેમાં જણાવાયા મુજબ હાલ નીચલી કોર્ટોમાં અઢી કરોડથી વધુ કેસ પેન્ડિંગ પડયા છે.
આમ થવાનું એક કારણ એ છે કે નીચલી કોર્ટોમાં પૂરતી સંખ્યામાં જજો નથી. ખુદ સુપ્રીમ કોર્ટે કરેલા સર્વે મુજબ હાલ નીચલી કોર્ટોમાં ૨૩ ટકા જેટલી જજોની જગ્યાઓ ખાલી પડેલી છે.
સુપ્રીમ કોર્ટે નક્કી કરેલા રિક્રૂટમેન્ટના પ્રોગ્રામ મુજબ થ્રી ટાયર રિક્રૂટમેન્ટ પ્રોસેસ 273 દિવસમાં પૂરી થઇ જવી જોઇએ. પરંતુ અગાઉની યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટના આ સૂચનની નોંધ લીધી નહોતી તેમ હાલની એનડીએ સરકારને પણ આ પ્રોસેસને અપનાવવામાં રસ નથી એવું લાગે છે.
વીસ રાજ્યોની અદાલતોની ગણતરીના આધારે કરાયેલા સર્વેમાં જણાવાયા મુજબ હાલ માત્ર અરુણાચલ પ્રદેશ, ઓરિસા અને પંજાબ સુપ્રીમ કોર્ટના સૂચનનો પ્રમાણે જુનિયર જજોની વરણી કરે છે. જમ્મુ કશ્મીર, મણીપુર અને દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના સૂચનોની ઐસી તૈસી કરીને જજોની વરણી કરવામાં આવે છે.
પત્નીના વિજયની ઊજવણી પતિને ભારે પડી
મેરઠની મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં સમાજવાદી પક્ષના નેતા શાહિદ અબ્બાસીની પત્ની નઝરીન વિજેતા નીવડતાં આખા પરિવારમાં ખુશીની લહેર દોડી ગઇ.
અબ્બાસીએ પત્નીના વિજયની ઊજવણી કરવા એક પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં બધા ભાવતી વાનગીઓની મોજ માણી રહ્યા હતા ત્યારે અચાનક ખુદ શાહિદ અબ્બાસીને ઊલટીઓ થવા લાગી હતી અને એમને તાબડતોબ હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવા પડયા.
ડૉક્ટરોએ કહ્યું કે અબ્બાસીને આપવામાં આવેલી મીઠાઇમાં ઝેર ભેળવેલું હતું. લો, કરો વાત. પાર્ટીનું આયોજન ખુદ શાહિદ અબ્બાસીએ કરેલું તો એમને ઝેર આપ્યું કોણે ? એ સવાલ સમાજવાદી પક્ષમાં ચર્ચાઇ રહ્યો હતો.
પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે સમાજવાદી પક્ષના મેરઠના એકમાત્ર ધારાસભ્ય રશીદ અન્સારીએ હૉસ્પિટલમાં અબ્બાસીની મુલાકાત લીધી અને એમને ખાતરી આપી હતી કે જેણે આ કામ કર્યું છે એને યોગ્ય સજા કરાવ્યા વિના અમે જંપીને બેસશું નહીં.
દ્રમુક કેમ્પમાં ફફડાટ વ્યાપી ગયો છે
કરુણાનિધિની લાડકી પુત્રી અને સાંસદ કનીમોઝી તથા ભૂતપૂર્વ ટેલિકોમ મિનિસ્ટર એ રાજાને સંડોવતા ટુ જી કૌભાંડનો અંતિમ ચુકાદો નજીક આવી રહ્યો છે તેમ તેમ દ્રમુક કેમ્પમાં ફફડાટ વધી રહ્યો છે.
કરુણાનિધિનાં લગભગ બધાં સંતાનો પોતાને કરુણાનિધિના એકમાત્ર વારસદાર સમજે છે. કનીમોઝી એના પિતાની ખૂબ લાડકી છે. એ ટુ જી કૌભાંડમાં આરોપી પુરવાર થાય તો એની પોલિટિકલ કારકિર્દીને ભારે નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. એ રાજા તો બહારના ગણાય.
પરંતુ કનીમોઝીની કારકિર્દીને કલંક લાગી જવા ઉપરાંત કરુણાનિધિના પરિવારમાં એનું જરા પણ વર્ચસ્વ રહે નહીં એ હકીકત સમગ્ર પરિવાર બરાબર સમજે છે. આ કૌભાંડની તપાસ માટે રચાયેલી ખાસ કોર્ટના જસ્ટિસ ઓ પી સૈનીએ જાહેર કર્યું હતું કે ટુ જી કૌભાંડનો આખરી ચુકાદો હું એકવીસમી ડિસેંબરે આપીશ.
આમ તો આ કૌભાંડમાં બે સનદી અમલદારો સહિત કુલ ૧૪ શકમંદો આરોપીના પિંજરામાં ઊભા હતા. બધાએ નોટ ગિલ્ટીનું રટણ કયુંર્ હતું. દરેક કૌભાંડમાં આવું થાય છે.શકમંદો તરીકે રજૂ થતા પોલિટિશિયનો કે સનદી અમલદારો નોટ ગિલ્ટીની રજૂઆત કરતાં રહે છે.
હવે રાહુલ ગાંધી 'પંડિત' બની ગયા
રાહુલ ગાંધીએ પક્ષ પ્રમુખપદ માટે ઉમેદવારી કરી એ દિવસે એમના ભક્તોની સંખ્યામાં ઊછાળો આવી ગયો હતો. રાહુલની ગૂડ બુકમાં નામ નોંધાવવા ઉત્સુક કેટલાક કોંગ્રેસીઓએ તો રાહુલ ગાંધી પક્ષ પ્રમુખ બને એ પહેલાંજ 'પક્ષપ્રમુખ રાહુલ ગાંધીને અભિનંદન' એવાં હોર્ડિંગ્સ કોંગ્રેસ હેડક્વાર્ટર્સ પર મૂક્યા હતા.
એમાં એક અતિ ઉત્સાહી કોંગ્રેસીએ તો એથી પણ આગળ વધીને પંડિત રાહુલ ગાંધી એવો શબ્દ પ્રયોગ કર્યો હતો. બધાં જાણે છે કે પંડિત એટલે કશ્મીરમાંથી હાંકી કઢાયેલા લાખો પંડિત પરિવારોમાંના એક.
આ હોર્ડિંગ જોઇને પક્ષના મોવડીઓના ભવાં તણાયાં હતાં. એક મોવડીએ કહ્યું કે આ તો કોઇનો અંગત અભિપ્રાય છે. બીજાએ ડહાપણ વાપરીને એ હોર્ડિંગ સમયસર ઊતરાવી લીધું જેથી ગેરસમજ વધે નહીં.
વન્દે માતરમ નહીં જોઇએ
ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં પ્રાદેશિક વહીવટી તંત્રની ચૂંટણીઓ થઇ. મેરઠમાં મ્યુનિસિપાલિટીની સાથોસાથ મેયરની ચૂંટણી થઇ. શ્રીમતી સુનીતા વર્મા નવા મેયર બન્યાં. એ માયાવતીના બસપાના વફાદાર કાર્યકર છે. એમણે હોદ્દો ગ્રહણ કરતાંની સાથેજ એક આદેશ બહાર પાડયો. મ્યુનિસિપાલિટીની સ્કૂલોમાં વન્દે માતરમ ગાવાનું હવેથી ફરજિયાત નહીં રહે.
મ્યુનિસિપાલિટીની બેઠકમાં હવે વિરોધ પક્ષ બનેલા સભ્યોએ હો હા મચાવી દીધી. પરંતુ સુનીતા વર્મા પોલાદી મહિલા નીવડયાં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે મ્યુનિસિપાલિટી બોર્ડના બંધારણમાં ચોખ્ખું લખેલું છે કે રાષ્ટ્રગીત ફરજિયાત રહેશે. વંદે માતરમ રાષ્ટ્રગીત નથી. રાષ્ટ્રગીત જન ગણ મન છે. જેને ગાવું હોય તે જન ગણ મન ગાઇ શકે છે,
વંદે માતરમ નહીં ચાલે.

Comments
Post a Comment