રાજકીય ગપસપ : રાહુલ પ્રમુખ : તૈયાર સ્ક્રીપ્ટ

રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે બીનહરીફ તરીકે ચૂંટાયા તેમાં કોંગીજનો હરખાય તેમાં કોઇ નવી વાત નથી. બધું એક તૈયાર લખેલી સ્ક્રીપ્ટ પ્રમાણે હતું. 

ફોર્મ ભરવાની અને ફોર્મ પાછું ખેંચવાની પ્રોસેસ તો પક્ષમાં લોકશાહી છે એમ બતાવવા માટે હતી. બધા જાણતા હતા કે રાહુલ ગાંધીની સામે કોઇ ઊભું રહેવાનું નથી. એકાદ જણાએ કરેલો વિરોધ પણ માત્ર નામ ખાતરનો જ હતો. સ્ક્રીપ્ટ પ્રમાણે રાહુલ ગાંધી શપથ પણ લેશે. તેમની વાહ-વાહ પણ થશે.

અહીં આશ્ચર્ય તો એ વાતનું છે કે રાહુલ કોંગ્રેસના પ્રમુખ પદે આવવાથી જેટલા કોંગીજનો ખુશ છે એટલા ભાજપજનો ખુશ છે. દરેક જણ આ વાતનો ખુલાસો ઈચ્છતા હતા. ભાજપના એક નેતાએ કહ્યું અમારો પ્રતિસ્પર્ધી નબળો છે એનો અમને આનંદ છે. રાહુલ ગાંધી મક્કમ ગતિએ આગળ વધે છે. તેમને લગ્ન કરતાં સત્તાનો વધુ અભરખો છે; આવા માણસો ભારે પડતા હોય છે..

સોનિયા ગાંધી પણ સત્તા પર રહેશે
રાહુલના પ્રમુખ બન્યા પછી સોનિયા ગાંધી શું કરશે ? એ પ્રશ્નનો જવાબ પણ કોઇ પાસે નથી. લોકો એ નથી સમજતા કે સોનિયા ગાંધી પ્રમુખ હતા ત્યારે પણ સિક્કો તો રાહુલ ગાંધીનો જ ચાલતો હતો. આ સ્થિતિ મનમોહનસિંહ વડાપ્રધાન પદની બીજી ટર્મ માટે આવ્યા ત્યારથી શરૃ થઇ હતી

. આમ મનમોહનના પાંચ વર્ષ અને મોદીના ત્રણ વર્ષ મળીને કુલ ૮ વર્ષ સુધી રાહુલ કોંગ્રેસના બીન સત્તાવાર પ્રમુખ હતા. છેલ્લા ત્રણ વર્ષથી તો સોનિયા ગાંધી માત્ર નામના જ પ્રમુખ હતા. હવે રાહુલ ગાંધી પ્રમુખ બનશે તો પણ સલાહ તો સોનિયા ગાંધીની જ લેશે. આમ આ મા-બેટાના પ્રેમ સાથે સત્તાનો પ્રેમ રંગ લાવી રહ્યો છે. સોનિયા અને રાહુલ બંનેમાં કોઇ ફર્ક નથી. અંતે સત્તા તો ઘરમાં જ ખીલે બાંધીને રાખી છે ને !!

પ્રિયંકા ક્યાંય નજરે ના પડી..
રાહુલ ગાંધીના કોંગી પ્રમુખ પદે પસંદગી અને રાહુલ ગાંધીએ ઉપાડેલો ગુજરાતના ચૂંટણી જંગનો પડકાર એ બંને સમયે તેમની બહેન પ્રિયંકા ક્યાંય દેખાઇ નહોતી. ગાંધી પરિવારના ભક્તો જેને પ્રિયંકા બીટીયા જેવા હુલામણા નામથી બોલાવે છે તે લોકો ઈચ્છે છે કે પ્રિયંકાને કોંગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ બનાવાય !! ગુજરાતના ચૂંટણી પ્રચારમાં રાહુલ લગભગ એકલા પડી ગયા હતા.

આખો પ્રચાર તેમના માથે હતો. તેમના જેવો સારો ઑરેટર કોંગ્રેસમાં નથી એમ કહી શકાય. જોકે પ્રિયંકા વાઢરાને પ્રચારમાં ઉતાર્યા હોત તો મહિલા મતદારોના દિલ જીતી શકાયા હોત !! કોંગ્રેસે આ ભૂલ શા માટે કરી ? પ્રિયંકા સારો પ્રચાર કરી શકત અને કોંગ્રેસની ડૂબતી નૈયા બચાવી પણ શકત. કોઇ પત્રકારે પ્રિયંકાને પ્રચારમાં કેમ ના ઉતારી તે પૂછવાની હિંમત નહોતી કરી !

રૉબર્ટને પણ દૂર રાખ્યા..
ગુજરાતના કોંગ્રેસ પ્રચારમાં રાહુલ ગાંધીએ પ્રિયંકાને ના ઉતારી એમ બનેવી રૉબર્ટ વાઢરાને પણ દૂર રાખ્યા હતા. ઉત્તર પ્રદેશ વિધાનસભાના જંગમાં તો રૉબર્ટ વાઢરા બુલેટ પર પ્રચાર કરતા હતા પણ ગુજરાતમાં તો તે ક્યાંય નજરે નહોતા પડયા !! રૉબર્ટ વાઢરા અંગે તો ભાજપે પણ કોઇ મુદ્દો નહોતો બનાવ્યો. રૉબર્ટ વાઢરા એ કોંગ્રેસનું સન્માનીય પાત્ર છે.

તેમનો ઉપયોગ કદાચ પડદા પાછળ થયો હોય એમ લાગે છે. એક પાટીદાર નેતાએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ અને રૉબર્ટ વાઢરા વચ્ચે મુલાકાત થઇ હતી ત્યારે તેમનું નામ ઉછળ્યું હતું. ચૂંટણીની શરૃઆતથી રૉબર્ટના નામનો ઉલ્લેખ ક્યાંય નહોતો. અચાનક એક ફણગો ફૂટયો અને પડદા પાછળની તેમની હિલચાલ લોકોની નજરમાં આવી ગઇ હતી.?

મમતા બેનરજી રાહુલથી ખુશ
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી ગુજરાતના ચૂંટણી જંગમાં કોંગ્રેસના વધતા પ્રભાવથી ખુશ છે. મમતાએ પોતાની ખુશી જાહેરમાં પ્રગટ કરી છે. તે કહે છે કે કોંગ્રેસ ગુજરાતમાં હારે કે જીતે તે મહત્વનું નથી પણ રાહુલના પ્રચારના કારણે ભાજપે બેકફૂટ પર જવું પડયું છે.

આ બેકફૂટ એ ભાજપની હાર છે. મમતા બેનરજી કહે છે કે બેકફૂટ એટલે વિધાનસભ્યોને રીપીટ કરવા !! ભાજપ પાસે આ મુદ્દાનો કોઇ જવાબ નથી એટલે જ આ અહેવાલો બહુ ચગ્યા નહોતા. કોઇપણ પીઢ રાજકારણી માને કે નો-રીપીટ થીયરીની ડંફાસો મારનાર ભાજપને રીપીટ થીયરી અપનાવવી પડી એ જ બેકફૂટ પર રમવા સમાન છે. જેનો શ્રેય રાહુલ ગાંધીને મમતા આપી રહ્યા છે..

વિપક્ષો ક્ષીણ થઇ રહ્યા છે..
વિરોધ પક્ષોમાં બહુ તાકાત રહી નથી. રાહુલ ગુજરાત જીતવામાં વ્યસ્ત હતા ત્યારે લાલુ પ્રસાદ યાદવ તેમનાં પત્ની અને પુત્રો કોર્ટના ધક્કા ખાતા હતા,. ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવ અને તેમના સંતાનો પણ સ્થાનિક ચૂંટણીઓના પરિણામોથી સ્તબ્ધ છે.

બહુજન સમાજવાદી પાર્ટીના માયાવતી ખુશ એટલા માટે છે કે મુલાયમનો સમાજવાદી પક્ષ ફેંકાઇ ગયો છે અને પોતાનો પક્ષ નંબર-ટુ તરીકે સપાટી પર આવ્યો છે. ગત્ વિધાનસભાના જંગમાં માયાવતીનો પક્ષ સાવ ફેંકાઇ ગયો હતો. ફરી પાછી તેને તક મળી છે. આ સિવાય આમ આદમી પાર્ટી કંઇ ખાસ ઉપજ બતાવી શકી નથી. આમ વિપક્ષ ક્ષીણ થઇ રહ્યો છે. જોકે કોંગ્રેસે ગુજરાતને ટાર્ગેટ બનાવીને પક્ષને રીચાર્જ કર્યો છે તે ભૂલવું ના જોઇએ..

Comments