ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ગાંધી પરિવારના વફાદારોની યાદીમાં આવતા મણિશંકર ઐયર પણ ગુજરાતમાં કોંગ્રેસની હારનું એક કારણ બન્યા છે. વિકેટ પડવાની રાહ જોઇને થાકેલા ફિલ્ડરો પાસે અચાનક જ કોઇ પ્રાઇઝ સમાન વિકેટ આવી જાય એમ ભાજપ પાસે મણિશંકર ઐયરે બોલેલો 'નીચ' નામનો શબ્દ આવી ગયો હતો.
આવા કોઇ હલકા શબ્દની રાહ જોવાતી હોય એમ ભાજપે આસાન કેચ પકડીને પોતાની તરફ મતદારોને ખેંચવા લાગ્યા હતા. મને નીચ કહ્યો - નીચ કહ્યો, આ મારું નહીં પણ આખા ગુજરાતનું અપમાન છે એમ કહીને વડાપ્રધાન મોદીએ ચૂંટણી ગજવી મૂકી હતી.
લોકોની સંવેદના કેમ જીતવી એ મોદી ખૂબ સારી રીતે જાણતા હતા. મણિશંકર ઐયરના નિવેદન અંગે સ્તબ્ધ કોંગ્રેસ બે દિવસ મૌન રહી તે દરમ્યાન વડાપ્રધાને મતદારો માટે ખેતી કરી લીધી હતી.
ગુજરાતના કોંગી નેતા અને રાહુલ
રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ છે. ગુજરાતના જંગમાં ભલે ભાજપ જીત્યું છે પણ ૮૦ બેઠકો મેળવીને કોંગ્રેસે પણ પડકાર ફેંક્યો છે. હવે ગુજરાત વિધાનસભામાં મજબુત વિપક્ષ જોવા મળશે.
જોકે વિપક્ષ કોંગ્રેસની કમનસીબી એ છે કે તેના બહુ બોલકા એવા શક્તિસિંહ, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ હાર્યા છે. એટલે કોંગ્રેસે હવે ફાયર બ્રાન્ડ નેતાઓ શોધવા પડશે. હાજરજવાબી પ્રવકતાઓ અને નેતાઓને ચાન્સ મળશે. જોકે શક્તિસિંહ, અર્જુન મોઢવાડીયા ગુજરાતના લોકોની નાડને જાણે છે અને સમગ્ર ગુજરાત તેમને ઓળખે છે.
કોંગ્રેસનું નસીબ પાવરફુલ છે પણ ગુજરાતમાં અનુભવી નેતાઓની અછત ઊભી થશે. કહે છે કે રાહુલની નજીક જવા નેતાઓના ધમપછાડા શરૃ થયાં છે પરંતુ ગુજરાતના ઘડાનું પાણી પીનાર રાહુલ ગાંધી હવે પાક્કા રાજકારણી બની ગયા છે. એટલે કામ કરનારાઓને ચાન્સ મળશે...
યુવાનો અને રાહુલને બનતું નથી..
રાહુલ ગાંધીને યુવાન મિત્રો સાથે બહુ સેટીંગ થતું નથી. તેમણે જ્યાં-જ્યાં યુવાનોનો સાથ લીધો છે ત્યાં-ત્યાં કોંગ્રેસે સૅટબૅક અનુભવ્યો છે. ઉદાહરણ તરીકે જમ્મુ-કાશ્મીરમાં તેમના મિત્ર ઓમર અબ્દુલ્લા છે; તેમની સાથે ચૂંટણી લડવાનું કોંગ્રેસને ભારે પડયું હતું.
એવું જ ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ સાથે થયું હતું. અખિલેશના સમાજવાદી પક્ષ સાથે રાહુલે જોડાણ કર્યું હતું પણ આ જોડાણ હાર્યું હતું. ગુજરાતમાં પણ રાહુલે હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ એમ ત્રણ યુવાનોનો સાથ લઇને વિધાનસભાના જંગમાં ઝુકાવ્યું હતું. પરંતુ ગુજરાતમાં પણ વિજય માટે કોંગ્રેસનો પનો ટૂંકો પડયો હતો. ટૂંકમાં રાહુલે હવે 'એકલો જાને રે' વાળો થીમ અપનાવવાની જરૃર છે.?
મહારાષ્ટ્રમાં જોડાણ તૂટું-તૂટું..
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચેનું જોડાણ તૂટું-તૂટું છે. ઉધ્ધવ ઠાકરે વારંવાર ફડણવીસ સરકારની ટીકા કરે છે. શિવસેના ભાજપને જોડાણ તોડવા ઉશ્કેરે છે સામે છેડે ભાજપને પણ શિવસેનાની બહુ પડી નથી એમ લાગે છે.
કહે છે કે શિવસેના જોડાણ તોડે તો પણ ભાજપની સરકારને આંચ નહીં આવે. આ સરકાર એવા જોડાણથી રચાઇ છે કે જે છેલ્લા બે વર્ષથી તૂટું-તૂટું થઇ રહી છે.
મહારાષ્ટ્રની સરકાર માંડ એક મહિનો ચાલશે એવું રાજકીય-સમિક્ષકો છેલ્લા બાર મહિનાથી કહી રહ્યા છે. આ જોડાણમાં એવું કેમિકલ વપરાયું છે કે જે સાથ છોડતું નથી. ખરેખર તો, ઍડહેસીવ બનાવતી ઍડેલ્ડાઇટ જેવી પ્રોડક્ટે મહારાષ્ટ્રના રાજકીય જોડાણનો ઉપયોગ તેની જાહેરાતમાં કરી હમ સાથ-સાથ હૈ તેવું જીંગલ બનાવવું જોઇએ..
ગુજરાતમાં ચૂંટણી ટેન્શન
ગુજરાતની ચૂંટણીઓએ ભાગ્યે જ બોલતા મનમોહનસિંહને બોલતા કર્યા છે તો મણિશંકર ઐયર જેવાને આડેધડ બબડતા કર્યા છે. ગુજરાતની ચૂંટણીઓએ શાંત પ્રજાને ગેરમાર્ગે દોરનારને હંફાવ્યા છે તો જાતિવાદનું સમિકરણ રચનારાને પણ ભોંઠા પાડયા છે.
ગુજરાતની ચૂંટણીના ડંકાનો અવાજ ઠેઠ પાકિસ્તાન સુધી પહોંચ્યો હતો. પાકિસ્તાન પણ ઈચ્છતું હતું કે ગુજરાતમાં ભાજપ હારે !! ગુજરાતની ચૂંટણીઓ ભાજપના વફાદાર એવા પાટીદારોને બે ફાડમાં વહેંચી નાખ્યા હતા.
પ્રથમવાર એવું થયું કે શહેરનો પાટીદાર ભાજપ સાથે રહ્યો અને ગામડાના પાટીદારો કોંગ્રેસ સાથે રહ્યા હતા. ગુજરાતની ચૂંટણીઓએ પ્રજાને પણ સંયમમાં રહેતા શીખવ્યું છે અને સાચું-ખોટું જાણવાની સમજને મજબુત બનાવી છે. આ ચૂંટણીની સૌથી મોટી વિશેષતા એ હતી કે ઘણાંને ધોળે દહાડે સત્તાનાં સપનાં જોતા કરી દીધા હતા..
ગુજરાતની ચૂંટણીમાં 'M ફેકટરનો ડંકો
ગુજરાતની ચૂંટણીમાં 'M’ ફેકટર સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યા હતા. જેની સીધી અસર ચૂંટણીઓ પર થઇ હતી. જેમકે મણિશંકરે વાપરેલો 'નીચ' જેવો હલકો શબ્દ !! તે મણિશંકરનો 'M’, અલ્પેશ ઠાકોરે મશરૃમ કાંડની મનઘઢંત વાતો કરી હતી.
આ મશરૃમના 'M'ને સૌએ હસી કાઢ્યો હતો. રાહુલ ગાંધીને જ્યારે કોંગ્રેસના પ્રમુખ બનાવાયા ત્યારે કોઇએ આ પસંદગીને મોગલ રાજ ઘરાના સાથે કરી હતી.
જેમાં કુટુંબવાદ હતો. મોગલ એટલે 'M’. કોર્ટમાં સુનાવણી દરમ્યાન કપિલ સિબ્બલે રામમંદિર માટે મુદત લંબાવવા કહ્યું તે મંદિરનો 'M' પણ છે. આ બધા જ 'M’ને હંફાવી શક્યા નહોતા. લાગે છે કે મોદીએ આ બધા 'સ્દને ભેગા કરીને વિજય મેળવવાની નીસરણી બનાવી હતી.

Comments
Post a Comment