ગુજરાતની ચૂંટણીઓએ સમગ્ર ભારતનું ધ્યાન ખેંચ્યું છે. ભાજપના પ્રમુખ અમિત શાહે ઉત્તર પ્રદેશને વ્યૂહાત્મક રીતે જીતી બતાવ્યું હતું પણ ગુજરાત તેમની પદુડી કાઢી રહ્યું છે.
અમિત શાહ ઉત્તરપ્રદેશમાં એટલા માટે ફાવ્યા હતા કે ત્યાં તેમનાં કોઈ સગા-સંબંધીઓ કે મિત્રો નહોતા. એટલે તે આકરા નિર્ણયો લઈ શકતા હતા. પરંતુ ગુજરાતના રાજકારણમાં તો તે ઉછરેલા છે.
તેમને મદદ કરનારા પણ ઘણાં છે અને તેમનાં ટાંટીયા ખેંચનારા પણ ઘણાં છે. અહીં નથી તે આકરા નિર્ણય લઈ શકતા કે નથી પોતાના ખાસ માણસોને બચાવી શકતા. અમિત શાહ માટે ગુજરાત પડકાર સમાન એટલા માટે છે કે ગુજરાત ભાજપનો ગઢ છે અને દેશના અન્ય રાજ્યો માટે પણ મોડલ સ્ટેટ છે. અમિત શાહ માટે અગ્નિપરીક્ષાનો સમય છે.
અમિત શાહના બદલે મોદીને ટાર્ગેટ બનાવ્યા
અમિત શાહ ભાજપના પ્રમુખ છે જ્યારે સોનિયા ગાંધી કોંગ્રેસના પ્રમુખ છે. ગુજરાતની ફાઈટ હકીકતે તો સોનિયા V/s અમિત શાહ હોવી જોઈએ તેના બદલે રાહુલ V/s મોદી બની ગઈ છે. રાહુલ હજુ પ્રમુખપદે વરાયા નથી પણ તેમની મમ્મીની જવાબદારીઓ તેમણે સંભાળી લીધી છે.
કોંગ્રેસના પ્રિન્સ રાહુલે અમિત શાહને ટાર્ગેટ બનાવવાના બદલે વડાપ્રધાન મોદીને ટાર્ગેટ બનાવ્યો છે. તેમણે તેમના લેવલના લોકોને ટાર્ગેટ બનાવવા જોઈએ એટલે કોંગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ છે તો ભાજપના વાઈસ પ્રેસિડેન્ટની સક્ષમ કહી શકાય !! રાહુલે મોદીને ટાર્ગેટ બનાવીને મોટી ભૂલ કરી છે !! તેમણે પાયાના કાર્યકર-નેતાઓને ટાર્ગેટ બનાવવાની જરૃર હતી.
૨૦૧૯માં મોદી V/s રાહુલ
રાહુલ ગાંધીએ સતત વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરતાં મોદી પણ મેદાનમાં આવ્યા હતા. કોંગ્રેસની ચાલ એવી હતી કે રાહુલ સામે મોદીની ફાઈટ થાય તો ૨૦૧૯ના લોકસભા જંગમાં કોંગ્રેસ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ થઈ શકે.
રાહુલે ગુજરાતમાં સતત મોદીની ટીકા કરતાં ્મોદી પણ જંગમાં ઉતર્યા હતા. આમ ગુજરાતનો જંગ મોદી V/s રાહુલનો બનાવવામાં કોંગ્રેસને સફળતા મળી હતી. હવે ગુજરાતમાં કોંગ્રેસ હારે કે જીતે પણ ૨૦૧૯નો લોકસભાનો જંગ મોદી V/s રાહુલના જંગ તરીકે લડાશે. હકીકતે તો આ જંગ અમિત V/s રાહુલ ગાંધીનો છે પરંતુ કોંગ્રેસે મોદીને ટ્રેપમાં ફસાવી દીધા હતા.
કેજરીવાલ સામે વધુ એક મુસીબત
આમ આદમી પાર્ટીને ૩૦ કરોડની નોટીસના અહેવાલો દર્શાવે છે કે આ પાર્ટી પાસે ભંડોળનો કેટલો પૈસો હશે ? અણ્ણા હજારેના તખ્તા પાછળ તૈયાર થયેલો આ રાજકીયપક્ષ એવી સીફતપૂર્વક દિલ્હીમાં ઘૂસી ગયો કે કોઈને ગંધ પણ ના આવી.
ખુદ અણ્ણા હજારેને પછી ખબર પડી કે તેમની સાથે ઉપવાસ પર બેઠેલાઓ કરોડોની કમાણી કરવાનાં પત્તાં ચીપી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ મેળવેલી દાનની રકમનો હિસાબ ના મળતાં ઈન્કમટેક્ષે નોટિસ ફટકારી છે. આમ આદમી પાર્ટી સામે અચાનક જ નવી મુસિબત આવી પડી છે. પાર્ટીએ ૧૩ કરોડ રૃપિયાનો હિસાબ નથી બતાવ્યો. આ બધું તો ઠીક પણ તાજી જન્મેલી પાર્ટી કરોડોમાં આળોટે છે તે પણ નોંધવું જોઈએ.
યાદવ પુત્રની દાદાગીરી
બિહારના મુખ્ય પ્રધાન પદે કે ઉપપ્મુખ્યપ્રધાન પદે લાલુ પ્રસાદ કે તેમના પુત્રો ભલે ના હોય પણ તેમની દાદાગીરી હટતી નથી. એક સમયે નાયબ મુખ્ય પ્રધાનપદ રહી ચૂકેલા તેજપ્રતાપ યાદવ એટલા માટે ઉશ્કેરાયેલા છે કે તેમના પિતાને મળતી ઝેડ-પ્લેસ સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે. તેમના પિતા લાલુપ્રસાદ યાદવ બિહારમાં તાજ વિનાના સુપ્રીમો છે.
તેજસ્વી યાદવ તો પ્રથમવાર નાયબ મુખ્યપ્રધાન બન્યા અને અચાનક જ રાજકીય વાવાઝોડામાં ફેંકાઈ ગયા હતા. તેમણે વિચાર્યું જ નહોતું કે નીતિશકુમારને તે 'કાકા'... 'કાકા' કહેતો હતો તે કાકાએ જ તેજપ્રતાપ પરથી સત્તાની ચાદર ખેંચી લીધી હતી. બિહારમાં લાલુપ્રસાદ કરતાં પણ વધુ ટેન્શનમાં તેમનો પુત્ર તેજપ્રતાપ છે... સત્તા જતી રહે પછી તેમનું 'તેજ' હણાઈ ગયું છે...
અરૃણ જેટલી પર કામનું ભારણ
મોદી સરકારમાં સૌથી વધુ ભારણ કોઈ પ્રધાન પર હોય તો તે અરૃણ જેટલી છે. ગુજરાતમાં અવારનવાર ચૂંટણી માટે લટાર મારવાની અને પછી બજેટની તૈયારી કરવાની !!
બજેટ માટેની તૈયારી ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાથી શરૃ થઈ જશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષના અમલીકરણમાં થયેલા લોચા અને સર્વર ખોટકાઈ જવા જેવા ટેકનીકલ કારણો હોવા છતાં જેટલી પર માછલાં ધોવાયા છે.
જીએસટીથી વેપારી ત્રસ્ત છે અને કોંગ્રેસને મફતમાં એક મુદ્દો મળી ગયો હતો. કોંગ્રેસ જે બે મુદ્દે ભાજપને ભીંસમાં લે છે તેમાં એક નોટબંધી છે અને બીજો જીએસટી છે. આ બંને મુદ્દા અરૃણ જેટલીનો આઈડિયા છે.
મોદી સરકારમાં નંબર-ટુ તરીકે ઓળખાતા અરૃણ જેટલી એ વ્યક્તિ છે કે જેમણે ગુજરાતના મુધ્યપ્રધાન તરીકે ત્રીજીવાર ચૂંટાયેલા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ સુધી પહોંચવાનો આઈડિયા આપ્યો હતો.

Comments
Post a Comment