રાજકીય ગપસપ : નીતીશકુમાર સમય... સમય.. બળવાન

ગુજરાત સરકારની શપથવિધિ સમયે ૧૮ રાજ્યોના મુખ્યપ્રધાન હાજર રહ્યા હતા. જોકે દરેકની નજર બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર પર હતી. આ એ નીતિશકુમાર છે જેમણે ગુજરાતે પૂર અસરગ્રસ્તોની સહાય માટે મોકલેલ ચેક પરત આપ્યો હતો.

ભાજપે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને જાહેર કર્યા ત્યારે એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો હતો. પોતાનો મોદી સાથે ભેટેલા ફોટાનો પણ ખુદ નીતિશે વિરોધ કર્યો હતો. ગયા મંગળવારે એજ નીતિશ ગાંધીનગરમાં હતા.

મુખ્યપ્રધાન વિજય રૃપાણીની સરકારના શપથ સમારોહમાં નીતિશકુમાર પણ અભિવાદન આપતા જોવા મળતા હતા. રાજકારણમાં કોઇ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન નથી હોતા!! જો કે નીતીશને પરાણે સ્મીત વેરતા જોઇને એમ લાગતું હતું કે સમય... સમય બળવાન હૈ.. નહીં નીતીશ બળવાન...

રાહુલ ગાંધી ફિલ્મ જોવા ગયા
દિલ્હીના રાજકીય વર્તુળો એમ કહે છે કે ગુજરાતમાં જ્યારે કોંગ્રેસ હારી તે દિવસે કોંગ્રેસના પ્રિન્સ રાહુલ ગાંધી સાયન્સ ફીક્સન ફિલ્મ ''સ્ટાર વોર્સ' જોવા ગયા હતા. આ બાબતે ઉહાપોહ થયો ત્યારે પીઢ રાજકારણીઓ વચ્ચે પડયા હતા અને કહ્યું કે ધ્યાન ડાયવર્ટ કરવા કંઇક કરવું પડે છે.

ઉદાહરણ આપીને એકે જણાવ્યું હતું કે ભારતીય જનસંઘ ૧૯૫૮માં દિલ્હી મેટ્રોપોલીટન કાઉન્સિલ હારી ત્યારે અટલ બિહારી વાજપેઇ અને અડવાણી બંને માલાસિંહાને ચમકાવતી ફિલ્મ 'ફીર સુબહ હોગી' ફિલ્મ જોવા ગયા હતા. આ ફિલ્મ જોઇને વાજપેયીએ એક કવિતા પણ લખી હતી, જેનું ટાઇટલ હતું... ''આઓ ફીર સે દિયા જલાયે'' હાર પચાવવી અઘરી છે એટલે જ ધ્યાન ડાયવર્ટ કરવું પડે છે.

વિરૃષ્કા લગ્નનો વિવાદ

ભારતના રાજકારણીઓને દૂધમાં પોરાં શોધવાની આદત પડી ગઇ છે. વિરાટ કોહલી અને અનુષ્કાએ ઇટલીમાં લગ્ન કર્યા તેની મધ્યપ્રદેશ ભાજપના વિધાનસભ્ય પન્નાલાલે ભડકી ગયા હતા. તેમણે કહ્યું કે આ બંને ભારતીય છે તો પછી વિદેશમાં લગ્ન શા માટે? કોઇએ જવાબ ના આપ્યો એટલે તેમણે વધુ એક મુદ્દો ઉભો કર્યો કે ભગવાન રામ અને સીતાદેવીએ પણ ભારતમાં લગ્ન કર્યા હતા.

જોકે વિરાટની લગ્નનું માર્કેટીંગ કરનારાઓએ કહ્યું કે વિરાટ દિલ્હીમાં રીસેપ્શન રાખવાના છે. વિરાટની કંકોત્રી પણ જોવાલાયક હતી. કંકોત્રી સાથે તુલસીનો નાનો છોડ પણ અપાયો હતો. આ બંનેનું કમ્બાઇનનેમ 'વિરૃષ્કાં' તેમના ફેમીલી મેમ્બરોએ પાડયું હતું.

ઇવીએમના ઢોલથી કોંગીને ચિંતા
ગુજરાતની ચૂંટણીના પરિણામો જોઇને રાહુલ ગાંધીએ કોઇ કડક પ્રત્યાઘાત નથી આપ્યા પણ તેમના સાથીઓએ ફરી ઇવીએમનું ઢોલક વગાડયું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે હાર્યા છતાં અમારી જીત છે પરંતુ હાર્યા એટલે હાર્યા!! જો કે તેમના મળતીયાઓ હાર સ્વીકારવા તૈયાર નથી.

ગુજરાતમાં મુખ્ય પ્રધાનના હાથમાં લેવાઇ ગયા, નવી ટીમ પણ આવી ગઇ છતાં ઇવીએમ અંગે ગણગણાટ ચાલુ રહેતા ભાજપના નેતાએ કહ્યું કે ઇવીએમ અંગે તો આમને પણ શંકા લાગે છે. ગુજરાતમાં કોંગ્રેસ ૮૦ બેઠકો સુધી પહોંચી કેવી રીતે? જરૃર ઇવીએમમાં લોચા છે. આ પ્રત્યાઘાત સાંભળતા જ કોંગ્રેસે ઇવીએમનો વિરોધ બંધ કરી દીધો છે. રાજકારણમાં લોકો પ્રતિસ્પર્ધીની જીત સહન કરી શકતા નથી.

મણિશંકર ઐય્યર એટલે ખલનાયક
મણિશંકર ઐયર એ કોંગ્રેસમાં નફરત ભરેલું નામ છે. આ માણસે ગુજરાતમાં કોંગ્રેસના હવામાં ઉડતા પતંગને ફસાવી દીધો હતો. મણિશંકર ઐય્યરને કોંગ્રેસે કોઇ ઠપકો નથી આપ્યો. ઐયર કહે છે કે મેં વાપરેલા શબ્દનો આવો 'નીચ' જેવો અર્થ થતો હશે એની મને ખબર નહોતી. 

પક્ષને નુકશાન થયું હોય તો હું માફી માગુ છું. જો કે તેમણે પક્ષને મોટું નુકશાન કર્યું છે. કોંગ્રેસની ટોચની નેતાગીરી ઠરેલ છે પણ યુવા નેતાઓ તોડફોડવાળા છે. તાજેતરમાં એક જણે કહ્યું છે કે ઐયર તો મોદીના એજન્ટ છે. દોષનો ટોપલો બીજાના માથે ઓઢાડવામાં નિષ્ણાત કોંગીજનો પોતાના સીનિયરને બદનામ કરવામાં પણ કોઇ કચાશ નથી રાખતા...

અટલજીની સેવામાં વિજય ગોયેલ
૯૩ વર્ષના અટલ બિહારી વાજપેઇની બર્થડે ઉજવાઇ ત્યારે ભાજપ અને કોંગ્રેસના સભ્યોની સવલતો સાચવવાની કામગીરી દિલ્હીના વિજય ગોએલ પર હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને તેમના પત્ની ગુરૃશરન કૌર સાથે પણ તેમના સંબંધો સારા છે. અટલ બિહારી વાજપેઇને મળવા દરેક પક્ષના લોકો આવે છે.

વાજપેઇ અને લોકો વચ્ચેની લીંક સમાન વિજય ગોયેલ સાબિત થયા છે. વડાપ્રધાન મોદી પણ તેમની કામગીરીથી ખુશ છે. વિજય ગોએલે રાજકારણના બદલે પૂર્ણ સમય વાજપેઇની સેવામાં આપ્યો હોય એમ લાગે છે. વાજપેઇ પાસે ભારતના એકાદ વફાદારની જરૃર હતી જે ઉણપ વિજય ગોએલે પુરી કરી છે.

Comments