- સોશિયલ મીડિયામાં આતંકી સંગઠનોની હાજરી વિશ્વ માટે ખતરો
- અલ કાયદા જેવું આતંકી સંગઠન ભારતમાં પગપેસારો કરવા જેહાદી સાહિત્યને ભારતની પ્રાંતીય ભાષાઓમાં અનુવાદ કરાવી રહ્યું છે
ચપ્પુની શોધ સફરજન કાપવા થઈ હતી પણ કોઈ તેનાથી ગળું કાપે તો ચપ્પાનો કે તેના શોધકનો શું વાંક? ગુનાખોર માનસ ધરાવતી વ્યક્તિ કોઈ સારી ચીજનો દુરુપયોગ કરે ત્યારે આવું ઉદાહરણ આપણે અનેકવાર સાંભળી ચૂક્યા છીએ.
આ જ વાત ટેક્નોલોજીને અક્ષરશ: લાગુ પડે છે. ટપાલયુગ પછી મોબાઈલ યુગ આવ્યો અને તેની પાછળ પાછળ મોબાઈલ ઈન્ટરનેટ આવ્યું. આ કોમ્યુનિકેશન ક્રાંતિના માણસ જાતને લાભ તો મળ્યા જ, પરંતુ ગુનાખોર માનસિકતા ધરાવતા લોકોથી માંડીને આતંકવાદી સંગઠનો આ જ ટેક્નોલોજીની મદદથી આખી દુનિયાને હંફાવી રહ્યા છે.
ટેક્નોલોજીના દુરુપયોગનું સૌથી તાજું અને સારું ઉદાહરણ કોઈ હોય તો તે છે, ઈસ્લામિક સ્ટેટ. ઈરાક અને સીરિયામાં અબુ બક્ર અલ બગદાદી નામના શખસે સર્જેલું આ આતંકવાદી સંગઠન ફક્ત ઈન્ટરનેટના જોરે આખી દુનિયામાં જેહાદ કરી રહ્યું છે. ઇસ્લામિક સ્ટેટની સફળતા પશ્ચિમી દેશો માટે ઊંડા અભ્યાસનો વિષય છે. આ સંગઠનના આકાઓ ફક્ત વિચારધારાનો ફેલાવો કરીને અમેરિકા અને યુરોપિયન દેશોમાં ભયાવહ્ આતંકવાદી હુમલા કરાવી ચૂક્યા છે. આ કામ હજુયે વણથંભ્યુ ચાલુ છે.
ઇસ્લામિક સ્ટેટની સફળતાનો મનોવૈજ્ઞાાનિક લાભ વિશ્વના બીજા આતંકવાદી સંગઠનોને પણ મળ્યો છે, જેમાં ભારત વિરુદ્ધ સતત આતંકવાદી પ્રવૃત્તિ કરતા લશ્કર એ તોઇબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો પણ સામેલ છે. ઇન્ટરનેટના કારણે સરળતાથી ઉપલબ્ધ થયેલા ફેસબુક, ટ્વિટર અને યુ ટયૂબ જેવા માધ્યમોની મદદથી ઇસ્લામિક સ્ટેટ ભારતમાં પણ આતંકવાદ સામાન્ય બનાવવાના સપનાં જોઈ રહ્યું છે. આ જ માધ્યમોની મદદથી ઇસ્લામિક સ્ટેટ દુનિયાભરના આતંકવાદી સંગઠનો સાથે જોડાણો કરી શક્યું છે, જેમાં દક્ષિણ એશિયામાં કાર્યરત ભારત વિરુદ્ધના આતંકી સંગઠનો પણ સામેલ છે.
ઇસ્લામિક સ્ટેટે તેમની વિરુદ્ધ જતા લોકોની બેરહેમીથી હત્યા કરીને બનાવેલા વીડિયો પણ સોશિયલ મીડિયાના આધારે જ ગણતરીની સેકન્ડોમાં દુનિયાભરમાં પહોંચી જાય છે. આ પ્રકારના વીડિયો થકી તેઓ ખૌફનો માહોલ ઊભો કરે છે અને અન્ય લોકોને પણ જેહાદના નામે હિંસા કરવાની પ્રેરણા આપે છે.
આતંકવાદી સંગઠન અલ કાયદા પણ ભારતમાં જેહાદીઓની ભરતી કરવા સોશિયલ મીડિયામાં મુસ્લિમોને અન્યાય થયાનો કુપ્રચાર કરી રહ્યું છે. આ માટે અલ કાયદાએ જેહાદી સાહિત્યનો હિન્દીમાં અનુવાદ શરૃ કરાવ્યાના પણ અહેવાલો હતા. આ પ્રકારના કન્ટેન્ટને જેહાદીઓ જોરશોરથી ઈન્ટરનેટ પર ફેલાવીને યુવાનોનું માઇન્ડ વૉશ કરે છે.
અલ કાયદા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણામાં જેહાદી પ્રવૃત્તિ વધારવા ઈચ્છી રહ્યું છે, જેથી તેમણે બંગાળી અને તમિળમાં પણ જેહાદી સાહિત્યનો અનુવાદ કરાવવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ અલ જવાહિરીના ભાષણો પણ બંગાળી જેવી ભાષાઓમાં અનુવાદિત થઈને સોશિયલ મીડિયામાં વહેતા કરી દેવાયા છે.
અલ કાયદાનો હેતુ ભારતમાં વધુને વધુ શિક્ષિત જેહાદીઓની ભરતી કરવાનો છે. આ પ્રકારના કુપ્રચારમાં આતંકવાદીઓ સૌથી મોટો ફાયદો યુ ટયૂબ જેવી ફ્રી વીડિયો સર્વિસનો ઉઠાવે છે. આ બાબતને યુ ટયૂબે ગંભીરતાથી લઈને કટ્ટરવાદનો પ્રચાર કરતા કન્ટેન્ટને કાબૂમાં રાખવા દસ હજાર લોકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. અત્યારે ૩૭ દેશોમાં પહોંચી ગયેલા યુ ટયૂબને રોજની ૮૦ કરોડ હીટ્સ મળે છે. આ આંકડા પરથી અંદાજ લગાવી શકાય છે કે, કુપ્રચાર માટે અપલોડ અને શેર કરાતા કન્ટેન્ટથી આતંકી સંગઠનોને કેવો ફાયદો મળતો હશે!
યુ ટયૂબે કબૂલ્યું છે કે, દુનિયાના અનેક દેશોમાં કેટલાક લોકો અમારી ફ્રી સ્ટ્રીમિંગ સર્વિસનો દુરુપયોગ થઈ રહ્યો છે. હાલમાં જ યુ ટયૂબે એક ગાઇડ લાઇન બનાવીને ૫૦ ચેનલ અને પાંચ લાખથી વધુ વીડિયો ડીલિટ કરી દીધા હતા. યુ ટયૂબે આવું કન્ટેન્ટ શોધવા મશીન લર્નિંગ ટેક્નોલોજી અને ઓટોમેટેડ ટૂલ્સ પણ વિકસાવ્યા છે.
આ પ્રકારના કન્ટેન્ટના કારણે ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા સામે પણ સવાલો ઉઠયા છે. બ્રિટીશ વડાંપ્રધાન થેરેસા મેએ પણ સંખ્યાબંધ આતંકવાદી હુમલા પછી સોશિયલ મીડિયા પરથી કટ્ટરપંથીઓને પ્રોત્સાહન આપતું કન્ટેન્ટ હટાવવાની માંગ કરી હતી. આ દરમિયાન થેરેસા મેએ કહ્યું હતું કે, આ પ્રકારનું કન્ટેન્ટ દૂર કરવા ટેક કંપનીઓએ સારી એવી ટેક્નોલોજી વિકસાવી છે, પરંતુ આ દિશામાં ખૂબ ઝડપથી આગળ વધવાની જરૃર છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કેરળ જેવા રાજ્યોમાં અનેક યુવાનોને ઇસ્લામિક સ્ટેટમાં જોડાયા પછી ઝડપી લીધા છે. અગાઉ પણ અનેક યુવાનો ઇન્ટરનેટ પર થતાં કુપ્રચારથી દોરવાઇને સીરિયા અને ઇરાક જેવા દેશોમાં પહોંચી ગયા હતા. અમેરિકા અને બ્રિટન જેવા દેશોના યુવાનો પણ આ રીતે ભ્રમિત થવામાંથી બાકાત નથી. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો કાશ્મીર મુદ્દે સતત ભારત વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે, પરંતુ હજુયે ભારતે અન્ય દેશો જેવી ઇન્ટરનેટ સર્વેઇલન્સ સિસ્ટમ ઊભી કરી નથી.

Comments
Post a Comment