સ્પષ્ટ ધ્યેય સાથે મતદાન કરો પ્રજા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે

- અડધા-અડધ ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન

- ચૂંટણી પંચની પ્રશંસનીય કામગીરી : અંતિમ તબક્કો શાંતિથી પૂરો થાય તેવી સૌને આશા

આખા દેશની નજર ગુજરાત વિધાનસભાના જંગ પર છે, માત્ર દેશની જ નહિ પણ પાકિસ્તાનની નજર પણ હવે ગુજરાત તરફ ખેંચાઈ છે. ગુજરાતના ચૂંટણી જંગના બીજા તબક્કાનું મતદાન આજે ગુરૃવારે (૧૪ ડિસેમ્બર) છે. ભારતની પ્રજા પાસે ગુરૃવારનો દિવસ શસ્ત્રપૂજનનો છે.

આ એક શસ્ત્ર દ્વારા તે મજબૂત પક્ષને ધરાશાયી કરી શકે છે અને નબળાને સત્તા સોંપી દે છે. ગુજરાતમાં સો ટકા મતદાનની અપેક્ષા રાખી શકાય છે. જેમ જેમ શિક્ષણનું સ્તર, ટી.વી. સહિતના સમાચાર માધ્યમોનો વ્યાપ વધ્યો છે તેમ તેમ મતદાનની માત્રા પણ વધી છે.

ગુજરાતમાં સામાન્ય રીતે ૪૫થી ૫૦ ટકા મતદાન થતું હતું. તેમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. હવે ૬૫- ૭૦ ટકા મતદાન સામાન્ય બનવા લાગ્યું છે. મતદાન માટે સમય નથી, આળસ આવે છે, આ ચૂંટાયેલા લોકો શું ધાડ મારવાના છે છે એવું વિચારનારાને વિકાસના ફળ ખાવાના કે મુક્ત લોકશાહીમાં મહાલવાનો કોઈ અધિકાર નથી.

મતદાનને ફરજિયાત બનાવવાની વાત પણ ઘણાંને ખૂંચે છે. લોકોને ક્યાંય ફરજિયાત કે પ્રતિબંધ જેવો શબ્દ નથી જોઈતો. જો કે નાગરિક તરીકેનો હક્ક લેવા તે બાંયો ચઢાવે છે.

ચૂંટણી પંચે પણ લોકોને મતદાન કેન્દ્રો સુધી ખેંચવા વિવિધ પ્રયાસો કર્યા છે. ગુજરાતમાં પ્રથમ તબક્કો ૬૫ ટકા જેટલા મતદાનની આસપાસ પૂરો થયો છે. ગુરૃવારનો બીજો તબક્કો ૭૫ ટકાને વટાવે એવી આશા નકારી શકાય એમ નથી.

આટલી તીવ્ર ખેંચાખેંચવાળી ચૂંટણી શાંતિથી પૂરી થવાનો આખો ટ્રેક સાવચેતી અને સલામતીના પગલા વચ્ચે તૈયાર કરાયો હતો. ગુજરાત પણ એગ્રેસીવ નેતાઓ વચ્ચે ઘેરાયેલું છે. નવોદિત નેતાઓ મનમાની કરતા હોવા છતાં ચૂંટણી પંચે સંયમ રાખીને પ્રેક્ટિકલ વહીવટની ક્ષમતા બતાવી છે. ચૂંટણી પંચે એક અધ્યક્ષ બનીને કામ કર્યું છે. રાજકીય પક્ષોની ફરિયાદો પાછળ રહેલી કિન્નાખોરી અને સંવેદના એ બંનેને પંચ સમજતું હતું.

નહીં ઉતાવળિયો નિર્ણય કે કોઈને સાંભળવા માટે કાન બંધ રાખવા એ નીતિના કારણે લોકો પણ ચૂંટણી પંચને સન્માનની નજરે જોવા લાગ્યા હતા.

ભારતના ચૂંટણી પંચે વિશ્વમાં પ્રશંસા મેળવી છે. વિશ્વના દેશો ભારતના ચૂંટણી પંચને સલાહ સૂચન માટે બોલાવે છે. ચૂંટણી પંચમાં ટી.એન. શેષાનનો યુગ પણ સૌએ જોયો છે. રાજકીય પક્ષો કશું નથી કરતા એમ રોજ બબડવાની જરૃર નથી. આ એજ રાજકીય પક્ષો છે કે જેમણે ચૂંટણી પંચને સ્વતંત્ર બનાવ્યું છે. રાજકીય ચંચૂપાતની બાદબાકી કરી નાખી છે.

ટી.એન. શેષાનના સમય કાળમાં આવેલા ફેરફારો સૌએ આવકાર્યા હતા. આજકાલ દેશભરમાં ૬૫- ૭૦ ટકા મતદાન સામાન્ય વાત બનવા લાગી છે જે આવકાર્ય છે.

આપણા દેશે તો એવી ચૂંટણીઓ જોઈ છે કે જેમાં મતપેટીઓ ઉઠાવી જવાય, મતદાન કેન્દ્રો પર ગુંડાઓ કબજો જમાવે અને પ્રજાને મત આપતા રોકે ! ગુજરાતે પણ મતમથકો પર દાદાગીરી અને ગુંડાગીરી જોયા છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં મતપેટીઓ ઉઠાવી જતાં ગુંડાઓ અને હિંસાચારની ઘટનાઓ લોકોએ ટી.વી. પર લાઇવ જોઈ છે.

હવે આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. ઇ.વી.એમ.ના આવ્યા બાદ તેમજ ચૂંટણી પંચે લાદેલા કડક કાયદાઓ બાદ ચૂંટણીઓ શાંત અને સૌમ્ય રીતે પૂરી થાય છે.

મતદાન એ આપણો અધિકાર છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે ગુજરાતના લોકો બહુ સારી રીતે સમજે છે. બસ સ્ટેન્ડ પર મોડી આવવી કે રોડ પરના ખાડા જોઈને વિધાનસભાનો પ્રતિનિધિ નક્કી કરવાની ભૂલ ના કરવી જોઈએ કે લોલીપોપ જોઈને પણ ભરમાવવું ન જોઈએ.

નાનું છોકરું પ્રવાસે જતું હોય ત્યારે પેરેન્ટસ તેને બસની બહાર હાથ ના કાઢતો, નાસ્તાનો ડબ્બો વાપરજે, બહારથી બહુ ખાઈશ નહિ જેવી અનેક સલાહો આપી છોકરાને મૂંઝવી મારે છે પણ ગુજરાતનો મતદાર કોઈની સલાહ નહિ માને ગુજરાતનું ભલું કરનારને પોંખશે.

ગુજરાતની ચૂંટણીઓ દર્શાવે છે કે આપણા રાજ્યનું દેશ- વિદેશમાં કેટલું મહત્ત્વ છે. ગુજરાતનો વહીવટ પોતાની પાસે રાખવા ભાજપ પ્રયાસ કરે છે તો કોંગ્રેસ એ વહીવટને આંચકી લેવા મથે છે પાસે રાખનાર કરતા આંચકી લેનારને વધુ જોરદાર પ્રયાસ કરવો પડે છે. 

વિવિધ ટીકાના જોરે શાંત- સૌમ્ય રાહુલ ગાંધી ગુજરાત જીતવા મેદાનમાં ઉતર્યા છે તો સામા છેડે વડાપ્રધાને ખુદ મેદાનમાં ઉતરવું પડયું છે. આ સ્થિતિ દર્શાવે છે કે ગુજરાતનું રાજકીય મહત્ત્વ વિશેષ છે.

જ્યારે ગુજરાતનું મહત્ત્વ ઠેઠ પાકિસ્તાન સુધી હોય ત્યારે ગુજરાતના મતદારોએ મંદિર- મસ્જિદની વાતો છોડીને મતદાન મથકની લાઇનમાં ઉભા રહેવું જોઈએ અહીં માત્ર ઉમેદવારોની અગ્નિ પરીક્ષા નથી પણ મતદારોની પણ કસોટી છે. પોતાના વિસ્તારનો પ્રતિનિધિ કેવો હોય તે પસંદ કરવાની તક માંડ પાંચ વર્ષે આવતી હોય છે.

આવો, આજે મતદાન કરીએ, લોકશાહીને સમૃદ્ધ બનાવીએ.

Comments