જયજયકાર અને જયઘોષની જગ્યાએ સાયલન્સ ઝોનનો કારસો

- અમરનાથ મંદિર અંગે ટ્રીબ્યુનલની પીછેહઠ

- જય બાબા, જય રણછોડ, જય અંબેના નારા શ્રધ્ધાળુઓ માટે 'રીચાર્જ'ના મંત્રો

ગયા બુધવારે ટ્રીબ્યુનલે અમરનાથની જગ્યાને સાયલન્સ ઝોન બનાવવા કહ્યું અને બીજા જ દિવસે ફેરવી તોળ્યું હતું. લોકોનો વિરોધ જોઈને ટ્રીબ્યુનલે પીછેહઠ કરવી પડી હતી.

અમરનાથ યાત્રા સિવાયના દિવસોએ તો અમરનાથમાં સાયલન્સ ઝોનની સ્થિતિ હોય છે. અમરનાથના દ્વાર ખુલે ત્યારે ગુફામાં પ્રથમ લશ્કરના જવાનો પ્રવેશે છે. તે બર્ફીલા મહાદેવના દર્શન કરે પછી જ અન્ય વિધિ શરૃ થાય છે.

ધાર્મિક સ્થળો પર ભગવાનને પ્રિય એવા નારા-સ્તુતિ વગેરે જે તે સ્થળના ઘરેણા સમાન છે. આવા નારાજ સ્થળને ધાર્મિક શ્રધ્ધાથી છલકાવી દે છે. અમદાવાદથી ડાકોરનો ૮૦ કિ.મી.નો માર્ગ કાપીને જતા પદયાત્રીઓ જય રણછોડના નારાથી આખો માર્ગ છલકાવી દે છે. 

મંદિરમાં પ્રવેશ સમયે દરેકના મોંમાંથી જય રણછોડના નારા સિવાય કંઇ જોવા મળતું નથી. જો કોઇ ટ્રીબ્યુનલ એમ કહે કે રણછોડજીના મંદિરમાં કોઇ નામનું સતત રટણ ના કરવું અને મંદિરને સાયલન્સ ઝોન જાહેર કરવું તો કેવો હોબાળો મચે તે વિચારો !

આવું જ દર ભાદરવી પૂનમે અંબાજી પગે ચાલીને જતા લાખો પદયાત્રીઓ માટે કહી શકાય. જય અંબે કે જય રણછોડના નારા એ પદયાત્રીઓને વધુ એનર્જી પુરી પાડે છે. આવી વાતોને ટ્રીબ્યુનલને કોણ કહે ? આવા નારાથી માર્ગ કયાં કપાઇ જાય તેની ખબર નથી પડતી !! ગ્રીન ટ્રીબ્યુનલવાળા મંદિરમાંના ભગવાનને પ્રિય નારા બંધ કરાવવાનું ના વિચારે તે તેમના જ લાભમાં છે.

હિન્દુ શ્રધ્ધાળુઓ સાથે વારંવાર કોર્ટની રાહે ચંચુપાત થતી રહે છે. મહત્વનું એ છે કે ગ્રીન ટ્રીબ્યુનલ જેવી સંસ્થાઓ થોડી 'સળી' કરીને ખસી જાય છે. પ્રથમ તે લોકોનો પ્રતિભાવ અને રાજકીય પ્રતિભાવ ચકાસે છે ત્યારબાદ કાયદેસરનો કાયદો ઘડવા મેદાનમાં ઉતરે છે.

કોઈ મંદિરમાં આરતી સમયે કે પ્રવેશ સમયે અવાજ નહીં કરવાનો આદેશ આપવામાં આવે તો ભક્તો આરતી કરવા ના આવે. ઢોલ-નગારાં અને ભગવાનની સ્તુતિ સાથે શરૃ થતી આરતી ભલે માંડ પાંચ-સાત મિનિટની હોય પણ તે ભક્તના શરીરમાં નવી ઉર્જાનો સંચાર કરે છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પોતાના આદેશ અંગે ફેરવી તોળ્યું એ આવકાર્ય છે નહીંતર મામલો કોર્ટમાં જાત અને મામલો વધુ ગુંચવાત. આ ટ્રીબ્યુનલે એવો આદેશ આપ્યો હતો કે અમરનાથના મંદિરમાં અને તેના પરિસરને સાયલન્સ ઝોન તરીકે રાખવો. 

જે લોકો અમરનાથની યાત્રાએ ગયા છે તેમને ખબર  છે કે યાત્રાના બોટમથી ટોપ સુધીના આખા માર્ગ પર જય બાબા, જય ભોલેના નારા આખી રાત ગૂંજતા હોય છે. અમરનાથ યાત્રા દોઢ-બે મહિના માટેની હોય છે. ત્યાર બાદ મંદિર બંધ થઈ જાય છે.

દર વર્ષે અમરનાથ જતો એક વર્ગ છે. એમ દર વર્ષે અમરનાથના માર્ગો પર સેવા આપતો એક વર્ગ છે. અમરનાથ મંદિર અને તેની આજુબાજુના વિસ્તારોને સાયલન્સ ઝોન બનાવવામાં આવે તો શ્રધ્ધાળુઓના જય બાબાના જય ઘોષનો આનંદ લૂંટાઈ જાય એમ છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો સાયલન્સ ઝોનનો નિર્ણય 'લલ્લુ' પ્રકારનો છે. કાશ્મીરના એક હિન્દુ સંગઠને તો તેને તાલિબાની ટચવાળો ઓર્ડર કહ્યો છે.

ડાકોર રણછોડરાય ભગવાનના મંદિરમાં અને અમદાવાદના સારંગપુર રણછોડરાયજીના મંદિરમાં મોટેથી સ્તુતિ અને આરતીનું સામુહિક પઠન થાય છે. આ સમયે હાજર રહેનારા સૌ એક સાથે સૂર પુરાવતા હોય છે. આવી આરતીનો જયઘોષ લોકોના મનને પ્રફુલ્લીત બનાવે છે.

દરેક ધાર્મિક સ્થળના વિશેષ જય જય કાર હોય છે. આ જયજયકાર એ ચાર્જર સમાન કામ કરે છે. સુધારણા અંગે પગલાં લેનારાઓ સૌ પ્રથમ મંદિરને ટાર્ગેટ બનાવે છે કેમ કે તેમને ત્યાં પગલાં લેવાનું આસાન લાગે છે. જોકે અમરનાથના મુદ્દે થયેલા જોરદાર વિરોધે ટ્રીબ્યુનલને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.

અમરનાથ ધામમાં સાયલન્સ ઝોનનો વિચાર ટ્રીબ્યુનલને કેવી રીતે આવ્યો તે પણ મહત્વનો પ્રશ્ન છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે શ્રધ્ધાળુઓનો પ્રતિભાવ સાંભળવાની તસ્દી નથી લીધી. ધાર્મિક વિચારસરણી સાથે છેડછાડ કરવાની ટેવ ટ્રીબ્યુનલ અને આર્ટીસ્ટોને પડી ગઈ છે. ટ્રીબ્યુનલ સુધારણના પગલાં લઈ શકે પણ પરંપરાગત પ્રથાઓ સાથે છેડછાડ ના કરી શકે !!

આરતી સમયે મંદિરના પ્રવેશ સમયે ભગવાનનો જય જય કાર કરવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. દિવંગત કથાકાર પૂ. ડોંગરેજી મહારાજ પણ ભગવાનને મારો લાલો -મારો લાલો કહીને સંબોધતા હતા તે પણ જય જય કારને વિશેષ મહત્વ આપતા હતા.

ધાર્મિક સ્થળોને સાયલન્સ ઝોન તરીકે જાહેર કરવાના નિર્ણયો લેતા પહેલાં શ્રધ્ધાળુઓને પૂછવું જોઈએ નહીંતર બાબા અમરનાથના કિસ્સામાં જે કાચું કપાયું એવું કાચું કપાશે...

Comments