લીલીવાડી જેવા રાજકારણમાંથી નિવૃત્તિ : સોનિયા ગાંધીની પ્રશંસા

- રાજકારણમાં કોઇ સત્તા છોડતું નથી

- સોનિયા ગાંધીએ તેમના સાસુ ઈન્દિરાજીનો ગોળીથી વિંધાયેલો દેહ અને બ્લાસ્ટમાં ફૂંકાયેલા પતિને જોયા છે

ભારતમાં કોઇ રાજકારણી નિવૃતિની વાત કરે ત્યારે આશ્ચર્ય થાય એ સ્વભાવિક છે. મોટા ભાગના ખુરશીને વળગીને બેસી રહે છે. જોકે સોનિયા ગાંધીએ તાજેતરમાં કહ્યું કે તે નિવૃત થઇ રહ્યા છે ત્યારે આશ્ચર્ય થયું હતું. તેમને ખસેડનાર કોઇ નહોતું છતાં તેમણે પુત્ર માટે જગ્યા ખાલી કરી તે તો ઠીક પણ રાજકારણમાંથી નિવૃતિની વાત કરી હતી.

ભારતના રાજકારણમાં કોઇ નિવૃત થવા તૈયાર નથી; તેમાંય ટોપમાં બેઠેલાઓ તો ક્યારેય નિવૃતિ અંગે વિચારતા નથી. સોનિયા ગાંધી તો દેશના સૌથી જુના પક્ષના પ્રમુખ હતા અને દેશના ટોચના ગાંધી પરિવારના 'વહુ' હતા. સોનિયા ગાંધીએ તેમના પુત્રને સ્વતંત્ર કામ કરવા દેવા માટે નિવૃતિ લીધી હશે એમ મનાય છે.

સોનિયા ગાંધી રાજકારણમાંથી ખરેખર નિવૃતિ લઇ લે તો કોંગ્રેસને મોટી ખોટ પડે એમ છે. જેમ કે રાયબરેલી અને અમેઠી બેઠકો એ ગાંધી પરિવારની કાયમી બેઠકો છે. આ બેઠકો સોનિયા અને રાહુલ ગાંધી માટે ફીક્સ અને જીત અપાવતી બેઠકો છે. આ બેઠકો પરથી પ્રિયંકા વાઢરા લડશે એમ કોંગ્રેસના નજીકના વર્તુળો જણાવે છે.

સોનિયા ગાંધીની નિવૃતિની પાછળનું એક કારણ તેમનું આરોગ્ય હોઇ શકે છે. એક અહેવાલ અનુસાર તેમને 'સ્ટ્રોક' આવી ચૂક્યો છે અને તેની સારવાર અમેરિકામાં ચાલે છે. આ સારવાર માટે તે અનેક વાર અમેરિકા જઇ આવ્યા છે. ગાંધી પરિવારના અંગત અહેવાલો તેમની નજીકના વર્તુળો મારફતે બહાર આવે છે.

ચારે બાજુ સુમેળ અને સમૃધ્ધિભર્યું વાતાવરણ હોય ત્યારે નિવૃતિ જાહેર કરવી એ જીગર માગી લેતો નિર્ણય છે. નિવૃતિ પછી શું એ પ્રશ્ન પણ સૌને સતાવતો હોય છે. સોનિયા ગાંધી કદાચ રાજકીય સલાહકાર બની જાય અને રાહુલને ગાઇડ કરી શકે છે. જોકે આ તબક્કે સોનિયા ગાંધીએ સ્પષ્ટ ના પાડી છે.

કોંગ્રેસના સૌથી નજીકના વફાદારો પણ સોનિયા ગાંધીના નિર્ણયથી અચંબામાં પડી ગયા છે.

સોનિયા ગાંધીની તબિયત અંગેના અહેવાલો અંગે તર્ક-વિતર્ક એટલા માટે ચાલે છે કે કોંગ્રેસે સોનિયા ગાંધી અંગે કોઇ સત્તાવાર બુલેટીન બહાર નથી પાડયું. તેમ છતાં તે દેખાવે સ્વસ્થ છે એટલે ઉંમર સાથે સંકળાયેલા કોઇ રોગ હોઇ શકે એમ મનાય છે !!

રાયપુર ખાતેના અધિવેશનમાં સોનિયા ગાંધીએ તેમના પુત્ર રાહુલને કહ્યું હતું કે રાજકારણમાં સત્તા તો ઝેર સમાન છે. તારે તેનાથી દૂર રહેવું જોઇએ. આ વાત ખુદ રાહુલ ગાંધીએ જ બીજા દિવસે સૌને કરી હતી.

ગાંધી પરિવારના વફાદારો સોનિયા ગાંધીની ફરતે રહ્યા હતા. ગાંધી પરિવારની કીચન કેબીનેટ પાસેથી સોનિયા ઘણું શીખ્યા હતા. રાજકારણીના કાવાદાવા તે અનુભવ પરથી શીખ્યા હતા. સોનિયા ગાંધીએ નિવૃતિ લીધી છે પણ જો લોક લાગણી તેમને ફરી મેદાનમાં લાવવા મથે તો તે આવે પણ ખરા !! એમ પણ એક સીનિયર કોંગીજને કહ્યું હતું. 

સોનિયા ગાંધીએ નિવૃતિનું કોઇ કારણ જણાવ્યું નથી પણ રાહુલ ગાંધી પ્રમુખ બન્યા તેની પૂર્વ સંધ્યાએ જ તેમણે પોતાની ઈચ્છાની જાહેરાત કરી દીધી હતી. સોનિયા ગાંધીના ફેમિલીમાં હાલમાં તો રાહુલ ગાંધી જ છે. શક્ય છે કે માતાએ પુત્રને સમયસર પરણાવવા પ્રયાસો કર્યા હશે પરંતુ કોઇને  કોઇ કારણોસર આગળ વધાયું નહીં હોય.

પ્રિયંકા અને રૉબર્ટ વાઢરા બંને તેમના સંતાનો સાથે રહે છે. પ્રિયંકાનો સ્વભાવ હેત ભરેલો છે. બધા જ કોંગીજનો તેમને પ્રિયંકા બીટીયા કહીને બોલાવે છે.

ઈન્દિરા ગાંધીની હત્યા થઇ ત્યારે રાહુલ અને પ્રિયંકા ખૂબ નાના હતા. તેમના પિતા રાજીવ ગાંધીની હત્યા થઇ ત્યારે પણ બંને તેમની મમ્મી સોનિયા ગાંધીની સાથે બેઠા હતા. સોનિયા ગાંધીએ પોતાના સાસુનો ગોળીએ વિંધાયેલો દેહ અને વિસ્ફોટથી ફૂંકાયેલા પતિનો મૃતદેહ જોયો છે. આવી ઘટના કોઇને પણ ડરાવી મૂકે છે. સોનિયા ગાંધીએ તેમના બંને સંતાનોને પતિની ગેરહાજરીમાં મોટા કર્યા અને રાજકીય તખ્તા માટે તૈયાર કર્યા હતા.

રાહુલ ગાંધીની ગળથૂથીમાં રાજકારણ છે. જ્યારે સોનિયા ગાંધી તો એક ભારતીય પાઇલોટ રાજીવ ગાંધીને પરણીને ભારત આવ્યા હતા. તેમણે સપને પણ નહોતું વિચાર્યું કે તે જેની સાથે લગ્ન કરે છે તે ભારતના વડાપ્રધાન બનવાના છે.

સોનિયા ગાંધી રાજકારણના પાક્કા અનુભવી બન્યા હતા. તેમની નિવૃતિના કારણો પૈકીનું એક તેમની નાદુરસ્ત તબીયત હોઇ શકે છે. જોકે રાજકીય મેદાન છોડવાનો નિર્ણય જ સોનિયા ગાંધીને કઠણ હૃદયના હોવાનો સંકેત આપે છે.

Comments