લાલુ ફરી એકવાર જેલમાં યુપીએને વધુ એક ફટકો

- લાલુની રાજકીય કારર્કિદી ચવાઈ ગઈ

- 900 કરોડનું ઘાસચારા કૌભાંડ : લાલુને જેલમાં જવાનું કોઠે પડી ગયું હોય એમ લાગે છે

2017ના અંતિમ ભાગમાં ભારતના રાજકારણમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ ચાલે છે. તમિળનાડુના ડીએમકેના સુપ્રીમો કરૃણાનીધીની પુત્રી કનીમોઝી અને પક્ષના નેતા એ. રાજાનો ટુ-જી કૌભાંડમાં છુટકારાથી આનંદનો માહોલ ઉભો થયો છે.

આ કૌભાંડના કારણે યુપીએ સરકારની બદનામી પણ થઇ હતી તેથી કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએમાં પણ ખુશાલીનો માહોલ હતો ત્યાં જ લાલુ પ્રસાદ વિરૃધ્ધ આવેલા ચુકાદાએ વિપક્ષના ટેન્ટમાં સન્નાટો પ્રસરાવી દીધો છે. લાલુ પ્રસાદને જેલમાં ધકેલાયા છે. ત્રીજી જાન્યુઆરીએ સજા સંભળાવાશે.

ગુજરાતમાં બાલ-બાલ બચ ગયે જેવી સ્થિતિ હેઠળ ભાજપ સરકાર મંગળવારે પાંચમી વાર શપથ લેશે જ્યારે વિપક્ષને લાલુ પ્રસાદ યાદવની જેલની સજારૃપે વધુ એક ફટકો પડયો છે. વિરોધ પક્ષ અર્થાત યુપીએ સાથે સંકળાયેલા પક્ષોમાં માત્ર બે જ પક્ષો મહત્વના બન્યા છે. તે પૈકી એક કોંગ્રેસ છે અને બીજો તૃણમુલ કોંગ્રેસ છે. લાલુ પ્રસાદ જેલમાં જતા વિપક્ષના મુખ્ય પક્ષ તરીકે કોંગ્રેસની પકડ વધી છે.

ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલાઓનું ભાવિ અનિશ્ચિત હોય છે. જ્યાં સુધી લહેર કરવા મળી ત્યાં સુધી ઠીક છે નહીંતર કાયદાકીય લડત લડયા કરવાની અને અંતે જેલમાં જવાનું. જેની પાસે પૈસા છે તે નીચલી કોર્ટ, હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ એમ કાયદાની છટકબારીઓ શોધીને લડયા કરે છે. 

લાલુ પ્રસાદ યાદવ એ રાજકારણ સૌથી ભ્રષ્ટ વ્યક્તિત્વ હતું. જાતિવાદના આધારે આ વ્યક્તિ મોટોમસ રાજકારણી બની ગયો હતો. લાલુ પ્રસાદ એવી ખાસિયત ધરાવે છે કે તે જેલમાં હોય કે જેલની બહાર હોય પણ ન્યુઝ મેકર બની જાય છે.

લાલુ પ્રસાદ યાદવનો ઉદય જય પ્રકાશ નારાયણના આશિર્વાદ સાથે થયો હતો. રાજકારણને તેમણે રાજાશાહી ઠાઠ ભોગવ્યો છે. રાજકીય ક્ષેત્રે તેમણે નવો દાવ ઉભો કર્યો હતો. બિહારનું રાજ પોતાના કુટુંબની આસપાસ કેન્દ્રિત રાખવામાં તે સફળ થયા હતા. લાલુ પ્રસાદ યાદવ એક બિન્દાસ્ત રાજકારણી હતા.

એમ લાગે છે કે તેમના વીના તેમના કુટુંબમાં અંધારું છે. તેમના બંને પુત્રો પ્રધાન રહી ચૂકયા છે પણ કોઇ ખાસ કૌવત બતાવી શક્યા નથી. તેમની પુત્રી મીસા અને જમાઇ સામે પણ તપાસનો ગાળીયો સખત થઇ રહ્યો છે.

દેશના ત્રણ ટોચના રાજકીય ફેમીલી પૈકી ગાંધી પરિવાર સ્થિર છે પણ બિહારનું યાદવ કુટુંબ અને ઉત્તર પ્રદેશનો મુલાયમસિંહ યાદવનો પરિવાર બંને સત્તા વિહોણા છે તે તો ઠીક પણ તેમના પુત્રોના કારણે બદનામ થાય છે. ગાંધી પરિવારમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપીને તેનામાં વિશ્વાસ વ્યક્ત કરાયો છે જ્યારે બહુ અભિમાની એવા મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવ વચ્ચેના ઝઘડામાં ઉત્તર પ્રદેશ ગુમાવવાનો વારો આવ્યો હતો.

લાલુ પ્રસાદ યાદવના પુત્રના ભ્રષ્ટાચારના કારણે બિહારમાં નીતીશ કુમારે છેડો ફાડીને રાતોરાત ભાજપ સાથે બિહારમાં સરકાર રચી હતી. આમ લાલુ પ્રસાદ યાદવ અને મુલાયમ સિંહ યાદવ અનુક્રમે બિહાર તેમજ ઉત્તર પ્રદેશમાં સત્તા વિહોણા બની ગયા હતા. કોંગ્રેસની કમનસીબી એ હતી કે બિહારમાં તેણે લાલુ પ્રસાદ યાદવને સાથ આપ્યો હતો, જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ તેમનું સમાજવાદી પક્ષ સાથે ગઠબંધન હતું.

લાલુ પ્રસાદ યાદવને જેલવાસ કોઠે પડી ગયો હોય એમ લાગે છે. જેમ કોઇ અસામાજીક તત્વ વારંવાર જેલમાં જતો હોય છે અને જેલમાંથી બહાર આવ્યા પછી વધુ દાદાગીરી કરે એમ લાલુ પ્રસાદનું પણ હતું. તે છેલ્લીવાર જેલમાંથી છુટયા પછી રાજકારણમાં ધમાકેદાર રીતે પાછા ફર્યા હતા તે તો ઠીક પણ જનતા દળ (યુ)ના નીતીશ કુમાર સાથે હાથ મીલાવીને બિહારમાં  સરકાર પણ રચી હતી.

લાલુ પ્રસાદ યાદવ રેલવે પ્રધાન હતા ત્યારે તેમણે રેલવેની ખોટ પુરી કરી હોવાનો દાવો કરીને પોતાના મેનેજમેન્ટ અંગે આઇઆઇએમમાં લેકચર પણ આપ્યું હતું.

૯૦૦ કરોડનું ચારા કૌભાંડ લાલુ પ્રસાદની રાજકીય કારકિર્દીને ચાવી ગયું છે. કેન્દ્રની એનડીએ સરકાર સામે શિંગડા ભરાવી શકે એવી ક્ષમતા ધરાવતા લાલુ પ્રસાદ યાદવ ૨૦૧૯ના લોકસભાના જંગ દરમ્યાન જેલમાં હશે. તેમનો આ જેલવાસ યુપીએને સાલશે અને એનડીએ તેનો લાભ ઉઠાવશે. બિહારમાંની લોકસભાની બેઠકો પર પણ લાલુ પ્રસાદના રાષ્ટ્રીય જનતા દળનું પ્રભુત્વ ઘટશે. લાલુને જેલ એ એનડીએ માટે હાશકારા સમાન બની રહેશે તે નક્કી છે.

જો કે લાલુ પ્રસાદ યાદવનું કુટુંબ ફીનીક્સ પંખી જેવું છે. તે પડયા પછી પણ ફરી ઉઠે છે. લાલુ પ્રસાદે ધો. ૨ પાસ પોતાની પત્ની રાબડી દેવીને મુખ્ય પ્રધાન બનાવીને પડદા પાછળ જેલમાં બેઠા બેઠા રાજ કરવાની સ્થિતિને ભારતના લોકો ભૂલ્યા નથી.

કહે છે કે બિલાડીને નવ જીંદગી હોય છે, લાલુ પ્રસાદ ૧૦મી વાર જેલમાં પહોંચ્યા છે...

Comments