આજુ બાજુ જોવાનું તું બંધ કર, થોડું તારી અંદર પણ જોવાનું રાખ

- ૨૦૧૭ના અંતે વ્યક્તિએ પોતાનું સરવૈયું પણ બનાવવું જોઇએ

- વ્યક્તિગત સ્તરે વર્ષ દરમ્યાન બનેલી ઘટનાઓની યાદી સુધરવાની તક આપે છે

૨૦૧૭ના અંતમાં આખા વર્ષની મુખ્ય ઘટનાઓ આપણી નજર સામે લાવવામાં આવશે. આ ઘટનાઓ હજુ હાલમાં જ બની હોય તેમ લાગે છે જ્યારે કેટલીક ઘટનાઓ એક વર્ષના ઓછા ગાળામાં સ્મૃતિમાંથી ઊડી ગઇ હોય એમ લાગે છે.

દરેક ક્ષેત્રે બનેલી ૨૦૧૭ની મુખ્ય ઘટનાઓનો ચિતાર આપવાની પરંપરા દરેક સમાચાર માધ્યમોએ શરૃ કરી છે. ૨૦૧૭ની ઘટનાઓને ગુડબાયના ટાઇટલ હેઠળ આપવામાં ગુજરાત સમાચાર અગ્રેસર છે.

આવા સંભારણાને આપણે સૌએ પોતાની ગયા વર્ષની જીંદગીમાં બનેલી સુખદ-દુખદ અને શૌર્યભરી ઘટનાઓ સાથે યાદ કરવાની જરૃર છે.

દરેક વ્યક્તિ અને કુટુંબ પોતાના જીવન દરમ્યાન ૨૦૧૭માં બનેલી મુખ્ય ઘટનાઓની યાદી બનાવશે તો ખ્યાલ આવશે કે પોતાના કુટુંબમાં કોના લગ્ન થયા ? કોના મુખ્ય થયા; કોન ફોન એક વર્ષથી નથી આવ્યા ? આપણે કેટલાનાં સારાં કામ કર્યાં ? કેટલાના ટાંટીયા ખેંચ્યા ? છેલ્લે શું ખાવાથી બિમાર પડયા હતા ? આપણને નાણાં લેવાનું યાદ રહે છે પણ ચૂકવવાનું યાદ નથી રહેતું. આ સ્થિતિમાં ૨૦૧૭ના અંતમાં ચૂકવણી કરીને હિસાબ સરભર કરવાનું યાદ આવા સંભારણાની યાદી અપાવે છે.

કોઇએ સાચું જ કહ્યું છે કે
''આજુ બાજુ બહુ ના જો
થોડું 'અંદર' પણ જો..''

આપણે આખા દેશની ઘટનાઓ પર ટીકા-ટીપ્પણ કરીને કલાકો બગાડીએ છીએ પણ પોતાની જાત પર જોવા કોઇ તૈયાર નથી. 'મુખડા દેખ દર્પણ મેં' માટે કોઇ તૈયાર નથી. કુટુંબના અન્ય કોઇનો દિકરો કે દિકરી અન્ય જ્ઞાાતિમાં લગ્ન કરે તો તેની જોરદાર ટીકા-ટીપ્પણ કરવામાં આપણે પાવરધાં હોઇએ છીએ પણ આપણા પોતાના ઘરમાં કે કુટુંબમાંની આવી કોઇ ઘટના લીક ન થાય તે માટે બાંધી મુઠ્ઠી રાખીએ છીએ.

સમયની થાપટ એટલી સખત હોય છે કે આપણે જુનું ભૂલવા તૈયાર હોઇએ છીએ. સમયના વ્હેણમાં રોજ નવી ઘટના આવે છે અને જુનીને ખેંચી જાય છે. જોકે યાદી નહીં યાદ કરવાનું ઘણું યાદ કરાવી જાય છે. 

આપણે રોજીંદી ડાયરી બનાવવાની પ્રથા વીસરી ગયા છીએ એટલે કુટુંબને સાથે બેસાડીને યાદી તૈયાર કરવી જોઇએ. આખા વર્ષની સુખદ-દુખદ ઘટનાઓ પૈકી સુખદ ઘટનાઓ વધુ હશે તો તમને આનંદ પણ થશે. કેટલીક સુખદ યાદો વાગોળવામાંથી સંતોષ મળે છે. આ તો; દિકરીના લગનની સીડી જોવાના આનંદ જેવી વાત છે.

તત્વજ્ઞાાનીઓ જુની વાતો ભૂલી જવાનું સમજાવે છે; પરંતુ આવી ઘટનાઓ યાદ કરીને રોમાંચ અનુભવવાનું ચૂકવું ના જોઇએ. જો કે બીજા એક તત્વજ્ઞાાનીએ લખ્યું છે કે

''નવા વર્ષથી બહુ ઉત્તેજનામાં
આવવાની જરૃર નથી કેમ કે
વર્ષ કેલેન્ડરમાં બદલાય છે
જોબ, પત્ની મિત્રો, ટાર્ગેટ
વગેરે તો એના એજ રહેવાના છે..''

૨૦૧૭ની ઘટનાઓ પર નજર કરશો તો તમે પોતે કરેલી ભૂલો દેખાશે; ઈર્ષા દેખાશે; તમે જાણે અજાણે આગળ વધવા સાથી કર્મચારીના ખેંચેલા ટાંટીયાની ઘટનાઓ પણ નજર સામે આવશે.

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે બનેલી ઘટનાઓ તો આપણી નજર સામેથી પસાર થઇ જાય છે; તેમાં સુધારાનો કોઇ અવકાશ નથી પણ આપણી જીંદગીમાં ગયા વર્ષમાં બનેલી ઘટનાઓમાં સુધારા - વધારા - સોરી કહેવાનો મોટો અવકાશ છે.

જીવનમાં કેટલાંક લોકો અચાનક મળતા હોય છે જે લાભ કે ખોટ આપીને જતા પણ રહે છે. આપણે આવી ઘટના ભૂલી પણ જતા હોઇએ છીએ પણ વર્ષના અંતે યાદોની યાદી બધું માનસ સપાટી પર લાવી દે છે.

આજે ગુજરાત સમાચારમાં અપાયેલી ગુડબાયની વિશેષ પૂર્તિ જોતાં-જોતાં આપણી જીંદગીમાં ૨૦૧૭માં બનેલી ઘટનાઓની યાદી બનાવશો તો આશ્ચર્ય થશે. જો કુટુંબ સાથે બેસીને આવી યાદી બનાવશો તો તેમાં કભી ખુશી - કભી ગમ જેવી સ્થિતિ જોવા મળશે.

આવી યાદીમાં પિયર સાથેના; સાસરા પક્ષ સાથેના સંબંધો; ઘરમાં ખરીદેલા ડીજીટલ ઉપકરણો, ઘરમાં કોની માગણીઓ પુરી થઇ; કોની બાકી રહી; આડોશ-પાડોશ સાથે સંબંધો; પોતાના વિસ્તારના લોકો કે સહ કર્મચારીઓ સાથેના સંબંધો વગેરે મુદ્દા યાદીમાં સમાવાશે તો ખ્યાલ આવશે કે ૨૦૧૭ના અંતે આપણે ક્યાં ઊભા છે !!

આપણે આર્થિક હિસાબોના વર્ષ પર જેટલું ધ્યાન આપીએ છીએ એટલું ધ્યાન કુટુંબ કે સગા-સંબંધીઓ સાથેના ડીલીંગને મહત્વ નથી આપતા. સાચો સગો પાડોશી છે એવું જાણવા છતાં ૨૦૧૭માં પાડોશીના ઘેર કેટલીવાર ગયા તે વર્ષની યાદીમાં જોશો તો ચોંકી ઊઠશો.

સોશ્યલ નેટવર્ક પર પણ ૨૦૧૭ દરમ્યાન આપણે કેટલા એક્ટીવ રહ્યા તે પણ ખાસ નજરમાં રાખવું જોઇએ. આ એક નવતર પ્રયોગ છે, જે દરેકે પોતાના કુટુંબ સાથે બેસીને અમલમાં મૂકવો જોઇએ.

Comments