- 2018માં પાકિસ્તાન સાથેનો વર્તાવ
- 2017 દરમ્યાન પાકિસ્તાનને સુધરવાના ઘણા ચાન્સ આપ્યા છે, હવે નો-મોર
૨૦૧૭માં ભારતે પાકિસ્તાનને સુધારવાના અનેક પ્રયાસો કર્યા છે જેમાં સર્જિકલ સ્ટ્રાઇકનો પણ સમાવેશ થાય છે. વૈશ્વિક તખ્તા પર પાકિસ્તાનને બદનામ કરીને ભારતે ૨૦૧૭માં સફળતા મેળવી છે. જો કે, ૨૦૧૭ના અંત ભાગમાં કુલભૂષણ અને યુદ્ધ વિરામ ભંગ જેવા કિસ્સાથી ભારત છંછેડાયું છે.
લોકો એવા મતના છે કે ચીન અને અમેરિકા સમક્ષ રોદડાં રડતા પાકિસ્તાનને ૨૦૧૮ દરમ્યાન સીધું દોર કરવાનો સમય આવી ગયો છે. રાજકીય રીતે જોવા જઈએ તો ૨૦૧૮માં ૮ રાજ્યોમાં ચૂંટણી છે ત્યારબાદ ૨૦૧૯માં લોકસભાનો જંગ આવશે.
પાકિસ્તાનની વારંવારની અવળચંડાઈના મુદ્દે ભારતની પ્રજા કોઈ પ્રશ્ન ના ઉઠાવે એટલે કેન્દ્ર સરકાર સર્જિકલ સ્ટ્રાઇક વધારીને પાકિસ્તાનને ખોખરું કરશે એમ મનાય છે. ૨૦૧૮ની ચૂંટણીઓનો જંગ ભારતે જીતવો હશે તો '૫૬'ની છાતી પણ બતાવવી પડશે. ૨૦૧૮ પછી ૨૦૧૯નોજંગ તો કેન્દ્રમાં સરકાર નક્કી કરનારો હોઈ ભાજપે પાકિસ્તાનને ઠેકાણે રાખવું પડશે.
ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇક ત્રણ જવાનો સામે ત્રણના મોત માટે પૂરતી હોય એમ લાગતું હતું. સર્જિકલ સ્ટ્રાઇક ૧૦૦- ૨૦૦ ત્રાસવાદીઓ ફૂંકવા માટે અને પાકિસ્તાનની છાવણીમાં નાસભાગ થવી જોઈએ. ભારતની સર્જિકલ સ્ટ્રાઇક એવી હોવી જોઈએ કે જેની ગૂંજ વિશ્વમાં સંભળાય.
૨૦૧૭ના અંતે પાકિસ્તાને ભારત સાથે વધુ અવળચંડાઈ કરી છે તો સામે છેડે ભારતે પણ વધુ એકવાર સર્જિકલ સ્ટ્રાઇકની નાટકબાજી કરી છે. કુલભૂષણના કિસ્સામાં તેની માતા અને પત્નીને પાકિસ્તાને આવકાર આપ્યો હતો પણ તેમને કોઈ સવલત નહોતી આપી. આખી મુલાકાત મશ્કરી સમાન બની ગઈ હતી.
મુલાકાત અગાઉ પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરીને ભારતના ત્રણ જવાનોના ઢીમ ઢાળી દીધા હતા. જૈશે મોહંમદના ટોચના કમાન્ડર નૂર મોહમ્મદને એન્કાઉન્ટરમાં ઠાર મારીને ભારતે ૨૦૧૭ને ગુડબાય કર્યું હતું.
કુલભૂષણ જાધવની વોર ડિપ્લોમેટિક છે. પાકિસ્તાન કુલભૂષણની પત્ની અને માતાથી એટલું સાવચેતીભર્યું વલણ રાખતું હતું જાણે કે તે જાસૂસ હોય ! કુલભૂષણની પત્નીના ચંપલ પણ પાછા ના આપ્યા તે પણ ફ્રન્ટપેજ ન્યુઝ બની ગયા હતા. હાઇફાઇ સંરક્ષણ ટેક્નોલોજી વચ્ચે પણ પાકિસ્તાન બે મહિલાઓથી ફફડયા કરે એ આખા વિશ્વએ જોયું પત્ની અને માને એવી રીતે મળવા દેવાયા કે જાણે પાકિસ્તાન કોઈ મોટો ઉપકાર કરી રહ્યું હોય.
ભારતના ડિપ્લોમેટ્સે પાકિસ્તાનને વૈશ્વિક તખ્તા પર ભૂતકાળમાં અનેકવાર બદનામ કર્યું છે. કુલભૂષણની માતા અને પત્નીના અપમાનનો એપિસોડ પણ ભારત વૈશ્વિક તખ્તા પર ચગાવશે. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં વિદેશ પ્રધાને આપેલા તેજાબી પ્રવચનથી પાકિસ્તાન સ્તબ્ધ છે આ સર્જિકલ સ્ટ્રાઇક નહિ પણ વર્બલ સ્ટ્રાઇક હતી. પાકિસ્તાનને સુષ્મા સ્વરાજે ટાર્ગેટ કર્યું હતું. પાકિસ્તાન ત્રાસવાદનું ઉછેર કેન્દ્ર છે અને ભારતમાં ત્રાસવાદ ફેલાવવામાં પાકિસ્તાનનો હાથ છે.
સુષ્મા સ્વરાજે એક એક વાક્ય તોલી તોલીને બોલ્યું હતું. પાકિસ્તાન તરફી આવો શાબ્દિક હુમલો પ્રથમવાર ભારત તરફથી કરાયો હતો.
પાકિસ્તાને ચીન સાથે હાથ મિલાવ્યા છે પણ અમેરિકા સાથે સંબંધો તૂટી રહ્યા છે અમેરિકાએ હાફિજ સઇદના કેસમાં પાકિસ્તાનને ચેતવ્યું હતું હાફીઝે પોતાનો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી ત્યારે પણ અમેરિકાએ પાકિસ્તાનના શાસકોને ખખડાવ્યા હતા. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા છે એટલા જ ચીન સાથેના સંબંધો સુધર્યા છે.
પાકિસ્તાન પાસે કોઈ સલાહકારો નથી. પાકિસ્તાનમાં આંતરિક સ્થિતિ ડામાડોળ છે. હાફીઝ સઈદને નિર્દોષ છોડયા પછી પાકિસ્તાન વિશ્વની નજરમાં શંકાશીલ દેશ તરીકે જોવાય છે.
વર્બલ સ્ટ્રાઇકના હથિયાર સુષ્મા પાસે છે પણ સરહદે સર્જિકલ સ્ટ્રાઇકનું બટન સંરક્ષણ પ્રધાન સીતારામન પાસે છે.
પ્રજા ઇચ્છે છે કે ૨૦૧૭માં ભાજપે વર્બલ એટેક અને બે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે તેમ છતાં પાકિસ્તાનમાં કોઈ સુધારો દેખાતો નથી. ભારતની પ્રજા એવા મતની છે કે ૨૦૧૮માં ભારત સર્જિકલ સ્ટ્રાઇકના ધુમાડા ઇસ્લામાબાદમાં પણ દેખાવા જોઈએ.
પાકિસ્તાન સામેની વર્બલ સ્ટ્રાઇકમાં ભારત જીતે છે પણ સર્જિકલ સ્ટ્રાઇકમાં નબળું પડે છે. એ ૨૦૧૭નો ટ્રેન્ડ છે આશા રાખીએ ૨૦૧૮માં ભારત વર્બલ તેમજ સર્જિકલ સ્ટ્રાઇક એમ બંનેમાં સમાન સ્કોર કરે.

Comments
Post a Comment