- નવા વર્ષમાં હૅકર્સ સૌથી મોટો પડકાર
- 2018ના અંત સુધીમાં 5-G ટેકનોલોજી આવી શકે છે : ડિજિટલ પેમેન્ટ વધશે
૨૦૧૮ના વર્ષમાં પ્રવેશ આડે માંડ ત્રણ દિવસ બચ્યાં છે. ૨૦૧૮માં ટેકનોલોજી ક્ષેત્રે આમૂલ પરિવર્તન જોવા મળશે. ઈન્ટરનેટની સ્પીડથી માંડીને મોબાઇલ ટેકનોલોજી ક્ષેત્રે મોટું પરિવર્તન આવશે.
૨૦૧૮ના અંત સુધીમાં ઍપલ તેના આઈફોન, આઈપેડ, મેક એપ્લીકેશન ભેગા કરીને કંબાઇન નવી એપ્લીકેશન માટે પ્રયાસ કરી રહી છે. આ કંબાઇન નવી એપ્લીકેશનની જાહેરાત ઍપલ જુનમાં કરશે એમ મનાય છે. ઍપલ દર જુનમાં વર્લ્ડ વાઇડ ડેવલપોર્સ કોન્ફરન્સ યોજે છે.
પોતાની તમામ પ્રોડક્ટને એક એપ્લીકેશન હેઠળ લાવવાનો પ્રયાસ ભૂતકાળમાં માઇક્રોસોફટે કર્યો હતો. જોકે માઇક્રોસોફટના ડેવલોપર્સ આ પડકાર ઉપાડી શક્યા નહોતા. ઍપલ પાસે નવી ટેકનોલોજી બજારમાં મૂકવાનો ઉત્સાહ છે. જો આઈફોન, આઈપેડ અને મેક એપ્લીકેશન માટે એક જ ગૅજેટ્સ હોય તો ઉપયોગ કરનારને મોટો લાભ થઇ શકે છે.
વિશ્વના લોકો ટેકનોલોજી પાછળ પૈસા ખર્ચતા થયા છે. લોકોના ઘરોમાં ટેબલેટ જેવા એકાદ ગૅજેટ્સ તો કાટ ખાતા પડેલા જોવા મળે છે. નવું વર્જન આવે એટલે લોકો જુનાને પસ્તીમાં નાખી દે છે.
ઍપલ જે કંબાઇન એપ્લીકેશન બનાવવા માગે છે તે ટચસ્ક્રીન તેમજ માઉસ સાથે ઑપરેટ થતી હશે એમ મનાય છે. આઈફોન કે આઈપેડની ઑપરેટીંગ સિસ્ટમ પર તે કામ કરતી હશે અથવા તો તેમાં મેક હાર્ડવેર હશે.
જે લોકો 'મેક'નો ઉપયોગ કરે છે તેમના માટે આ કંબાઇન એપ્લીકેશન વધુ કામમાં આવશે. આ માટેનું કૉડનેમ ‘Marzipan' છે. ઍપલ ફોનમાં વપરાયેલ ઍ-ઈલેવન પ્રકારનું બાયોનીક પ્રોસેસરે ચમત્કારીક પરિણામો આપ્યા છે જેના કારણે તેની એપ્લીકેશન ડેસ્કટોપ પર કામ કરતી હોય એમ મોબાઇલ પર પણ કામ કરે છે.
5-G ના સંકેત
4-G ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો દિલ માગે મૉરની સ્થિતિમાં છે. દરેક ફાઇવ-જી ઈચ્છે છે. ફોર-જીની સ્પીડ દરેકને પસંદ પડી છે. દરેક મોબાઇલ કંપનીઓએ ફોર-જીને અપનાવી લીધું છે. ૨૦૧૮ દરમ્યાન ફાઇવ-જીનો પ્રવેશ શક્ય છે. જેવું ફોર-જી આવ્યું કે લોકો થ્રી-જી ભૂલી ગયા હતા. ટેલિકોમ કંપનીઓએ પણ વિવિધ સ્કીમો દ્વારા ફોર-જી અપનાવી લીધું હતું. હવે ફાઇવ-જી પરના સંશોધનો પર નજર છે. ફાઇવ-જી પરના પ્રયોગોને સફળતા પણ મળી રહી છે.
૨૦૧૭ દરમ્યાન આવેલા ફોર-જીએ મોબાઇલનો ઉપયોગ વધાર્યો હતો. જેના કારણે ડીજીટલ સિસ્ટમનો ઉપયોગ વધાર્યો હતો. એક તરફ નોટબંધી બાદ શરૃ થયેલી ડીજીટલ પેમેન્ટ સિસ્ટમ અને સાથે સાથે ફોર-જીની સ્પીડે લોકોને પે-ટીએમ અને ભીમ જેવા ડીજીટલ વૉલેટનો ઉપયોગ કરતા કરી દીધા હતા.
૨૦૧૮ દરમ્યાન ફાઇવ-જી આવવાની શક્યતા છે. ૨૦૧૮ના અંતમાં તે બજારમાં આવશે. લોકો ઈન્ટરનેટ સ્પીડનો આનંદ ઉઠાવી શકશે. સ્ટ્રીમીંગ અને ડાઉનલોડીંગ જેવી સમસ્યાઓમાં મોટાપાયે ઘટાડો થઇ શકે છે.
૨૦૧૮ દરમ્યાન ભારત સરકાર પણ ડીજીટલ પેમેન્ટ સિસ્ટમને વેગવંતી બનાવવા વિવિધ પગલાં લે એવી શક્યતા છે. ડીજીટલ વૉલેટ દ્વારા વેપારી વર્ગ પર મોટા પેમેન્ટ કરી શકે એવી સિસ્ટમ વિકસાવવા ફાઇવ-જી સ્પીડની જરૃર પડશે. સરકાર પોતે પણ પોતાના પેમેન્ટ 'ભી' એપ્લીકેશન દ્વારા કરવા કરવા માગે છે.
ફાઇવ-જી ચમત્કાર સર્જી શકે છે. તેનાથી મોબાઇલનો વપરાશ અને મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ પણ વધશે. મોબાઇલ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા નીત-નવી સ્કીમો પણ લાવશે. આમ ૨૦૧૮નું વર્ષ ફાઇવ-જીની સ્પીડ પર બેસીને લોકોમાં રોમાંચ ઊભો કરી શકે છે.
હૅકર્સ : એક પડકાર
સરકાર માટે સૌથી મોટો પડકાર 'હૅકર્સ'નો છે. ઓનલાઇન છેતરપીંડી સામાન્ય બનતી જાય છે. હૅકર્સ ઈ-મેલ દ્વારા કે કોમ્પ્યુટર વાયરસ દ્વારા ત્રાટકે છે. હૅકર્સ દ્વારા થતી છેતરપીંડી અટકાવવા વારંવાર જાગૃતિ ઊભી કરાય છે. ઍન્ટી વાયરસ સિસ્ટમ લોકો વાપરે છે પરંતુ ઈ-મેલથી થતી છેતરપીંડી વ્યક્તિગત જાગૃતિ દ્વારા જ અટકાવી શકાય છે. 'હૅકર્સ' લોકોની મફત અને સસ્તામાં પૈસો કમાવવાની દાનતથી પરિચિત હોય છે.
અચાનક મળતી સંપત્તિ, ઈનામની રકમો; શહેરમાં એજન્ટ નિમવા; તગડા પગારની નોકરીઓ વગેરે છેતરપીંડી માટેના પ્લેટફોર્મ બની ગયા છે. સરકારે પણ જાગૃતિ અભિયાન ચલાવ્યા હોવા છતાં છેતરપીંડી કરનારા વધુ ને વધુ વિસ્તરી રહ્યા છે.

Comments
Post a Comment