- આવક અને દાન જાહેર ન કરવા બદલ
નોટબંધી બાદ પ્રજા સામે આઇટી દ્વારા જેટલા ઉત્સાહથી પગલાં ભરાયા તેવા બીજા રાજકીય પક્ષોની આવક સંદર્ભે પણ ભરવા જોઈએ
આવકવેરા વિભાગ દ્વારા રાજકીય પક્ષ 'આપ'ને આવક તેમજ દાન જાહેર ન કરવા બદલ રૃા. ૩૦ કરોડની નોટિસ ફટકારવામાં આવી છે તે સમાચાર વિતેલા સપ્તાહમાં ચર્ચાના ચગડોળે ચઢેલ છે. જો કે વેરાની
વસુલાત માટે આવકવેરા વિભાગ કાયદેસરની કાર્યવાહી કરે તે એક સ્તુત્ય અને આવકારદાયક પગલું ગણી શકાય. પણ, આ કિસ્સામાં જે રીતે, જે મુદ્દાઓને આધિન આપને નોટિસ ફટકારવામાં આવી છે તેવા આકરા પગલાં આવકવેરા વિભાગ દ્વારા દેશના અન્ય નાના-મોટા રાજકીય પક્ષો સામે કેમ ભરવામાં આવતા નથી ? આ તમામ પક્ષોને પણ અઢળક ડોનેશન મળે જ છે અને બેફામ ખર્ચા પણ કરાય છે તો શું આ બધા અન્ય રાજકીય પક્ષો દૂધે ધોયેલા છે ?
આ મુદ્દે આપણે હાલની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારની વાત કરીએ તો, ચૂંટણી પ્રચાર દરમિયાન સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ દ્વારા હાલ ગુજરાતમાં બેફામ ખર્ચા થઈ રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે આવતા નેતાઓની જાહેરસભા અને રેલીઓ પાછળ કરોડો રૃપિયાનું આંધણ કરવામાં આવે છે. આ બધી બાબતો જગજાહેર છે. આમ છતાંય આ મુદ્દે આવકવેરા વિભાગ સહિત સરકારી સ્તરે બધું જ યોગ્ય છે તેવો માહોલ ઊભો કરેલ છે.
આ તો ચૂંટણીની વાત કરી, ચૂંટણી વિના પણ જ્યારે કોઈ રાજકીય પક્ષ જ્યારે જાહેર કાર્યક્રમો યોજતા હોય ત્યારે પણ લખલૂંટ ખર્ચ કરતા હોય છે. વડાપ્રધાન કે પછી અન્ય કોઈ નેતા અડધા કલાક કે કલાક માટે આવતા હોય છે પરંતુ તેમના આ એક પ્રોગ્રામ પાછળ કરોડો રૃપિયાના મંડપ બંધાતા હોય છે.
તાજેતરમાં જાપાનના વડાપ્રધાન અમદાવાદ આવ્યા તે વેળા માત્ર ને માત્ર રોશની પાછળ ચારલાખથી વધુનો ખર્ચો કરવામાં આવ્યો હતો તેમ એક આરટીઆઈના જવાબમાં ખુદ સરકારી તંત્રએ જ ચોખવટ કરી છે.
જાહેર થયેલા આ આંકડા અને રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા તોતિંગ બેફામ ખર્ચાનો ક્યાંય મેળ ખાતો નથી. સરકાર દ્વારા ચૂંટણી લડતા ઉમેદવાર માટે મહત્તમ ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે પરંતુ, રાજકીય પક્ષ માટે આવી કોઈ મર્યાદા નક્કી કરાઈ નથી. મર્યાદા નક્કી કરાઈ હોવા છતાં મોટા રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા ચૂંટણી વેળા અઢળક ખર્ચા થતા જ હોય છે.
આમ છતાંય, આ મુદ્દાને લઈને આવકવેરા વિભાગ અથવા તો અન્ય કોઈ પણ સ્તરે સરકારી પગલા ભરાયા હોય તેવું જાણવા મળતું નથી. ચૂંટણીના કારણે આચારસંહિતા અમલી બને છે આમ છતાંય તેનો પણ સરેઆમ ભંગ થાય છે. આ અંગે ફરિયાદો નોંધાય છે પણ પછી તે ફરિયાદ સંદર્ભે કેવા અને ક્યા પગલાં ભરાયા તે વિશે ક્યારેય જાણવા મળ્યું નથી.
એક મહત્ત્વની વાત પર નજર કરીએ તો હાલની મોદી સરકારના નાણામંત્રી અરૃણ જેટલીએ ભૂતકાળમાં પોલિટિકલ બોન્ડની રજૂઆત કરી હતી. આ સંદર્ભે માહિતી મેળવવા જ્યારે આરટીઆઈ કરવામાં આવી ત્યારે ખુદ સરકારી સંસ્થાઓ જ આ મુદ્દાથી અજાણ છે તેમ કહી આ અંગે કોઈ જ માહિતી ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું. આમ, આ મુદ્દે એટલે કે રાજકીય પક્ષો દ્વારા થતા ખર્ચા જાહેર થાય તે મુદ્દે ખુદ સરકાર જ તૈયાર નથી.
જે તે રાજકીય પક્ષ સરકાર રચે તે બાદ તેઓને મળેલા દાનનું ઋણ ચૂકવવું પડતું હોય છે અને આ કારણથી જ સરકારને સ્થાપિત હિતોની તરફેણમાં નિર્ણયો લેવા પડે છે. તમામ પક્ષોને મળતા રાજકીય ભંડોળ તેમજ તેમના દ્વારા થતા ખર્ચામાં પારદર્શિતાનો સદંતર અભાવ હોય છે.
બીજા શબ્દોમાં કહીએ તો આ મુદ્દો પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે. આમ છતાં ય આ મુદ્દે આગળ આવીને ચોક્કસ કાયદો ઘડવા એક પણ રાજકીય પક્ષ તૈયાર નથી.એ તો ઠીક, પરંતુ આ રાજકીય પક્ષો અથવા તો નેતાઓ માહિતી અધિકારના કાયદા હેઠળ કોઈ માહિતી આપવા પણ તૈયાર નથી.
આવકવેરા વિભાગ દ્વારા વેરાની વસુલાત માટે આપ પક્ષને રૃા. ૩૦ કરોડની ફટકારાયેલ નોટિસ સંદર્ભે હવે ચોક્કસ પગલા ભરવા જોઈએ. તેમાં સહેજ પણ પૂર્વગ્રહયુક્ત કે પછી કિન્નાખોરી દાખવ્યા વિના કામગીરી હાથ ધરવી જોઈએ.
આ ઉપરાંત આપની જેમ જ ભાજપ, કોંગ્રેસ કે પછી અન્ય તમામ પક્ષ માટે પણ આ પ્રકારનું વલણ અપનાવી કડક પગલાં ભરવા જોઈએ. તો જ આ વિભાગની કામગીરીની સરાહના થશે. રાજકીય પક્ષોને મળતા ભંડોળ અથવા તો દાન અને તેમના દ્વારા કરાતા ખર્ચાની રજેરજ માહિતી જાહેર કરવા સંદર્ભે પણ ચોક્કસ કાયદો જાહેર કરવો જોઈએ.
નોટબંધી બાદ પ્રજા દ્વારા બેંકમાં કરાયેલ વ્યવહાર સંદર્ભે આવકવેરા વિભાગ દ્વારા જેટલા રસથી અને ઊમંગભેર પ્રજા સમક્ષ કાર્યવાહી કરવામાં આવી હતી. તેવી જ રીતે તમામ રાજકીય પક્ષો સામે પણ પગલા ભરવા એ પણ એટલું જ જરૃરી છે. આ મુદ્દો પણ ભ્રષ્ટાચારનો જ છે અને તેના પર પણ અંકુશ લાદવો જ જોઈએ... આવકવેરા વિભાગ આ હિંમતવાન પગલું ભરી શકશે ખરૃં ?

Comments
Post a Comment