- 6000 અમીર ભારતીયો ગયા વર્ષે વિદેશ જઈ વસ્યા
- ભારતમાં કુલ કરોડપતિઓની સંખ્યા 2,36,000 : ધનવાન થયા પછી વિદેશી નાગરિક બની જવાનો ટ્રેન્ડ વધતો જાય છે
દર વર્ષે ડિસેમ્બરમાં જાહેર થતાં એક અહેવાલમાં એ તરફ દિશાસૂચન કરાયું હતું કે ભારત એવા પાંચ દેશોમાં સમાવેશ પામે છે, જ્યાંથી વધુમાં વધુ ધનવાનો વિદેશમાં જઈને રહે છે.
૨૦૧૫ સુધીના ૨૧મી સદીના ૧૫ વર્ષમાં ૬૧,૦૦૦ કરોડપતિઓએ ભારત છોડીને વિદેશમાં વસવાનું પસંદ કર્યું હતું, પણ એ આંકડો અચાનક ૨૦૧૫ પછીના ત્રણેક વર્ષમાં વધી ગયો છે.
૨૦૧૬માં ન્યૂ વર્લ્ડ વેલ્થ નામની સંસ્થાએ કહ્યું હતું કે ભારતમાંથી ૪૦૦૦ કરોડપતિઓ વિદેશ જતા રહ્યા છે. એ યાદીમાં ભારત ચોથા ક્રમે હતું. પહેલા નંબરે ફ્રાન્સ હતું, જ્યાંથી ૧૦ હજાર ધનપતિઓએ વિદેશની વાટ પકડી હતી. એ પછી ચીનનો ક્રમ હતો, ૯૦૦૦ ધનવાનોએ ચીનને બદલે વિદેશમાં રહેવાને પ્રાથમિકતા આપી હતી. ૬૦૦૦ ધનવાનો સાથે ઈટાલી આ યાદીમાં ત્રીજા ક્રમે હતું.
પણ એક જ વર્ષમાં ભારતમાંથી વિદેશમાં જતા રહેતા ભારતીયોની સંખ્યામાં બે હજારનો વધારો થયો છે. ૨૦૧૬-૧૭માં ૬૦૦૦ ધનવાન નાગરિકોએ વિદેશમાં જવાનું પસંદ કર્યું છે. સૌથી વધુ પસંદીદા દેશો - અમેરિકા-ઓસ્ટ્રેલિયા અને બ્રિટન છે. બ્રિટનમાં જ છેલ્લાં ૧૪ વર્ષમાં ૧.૨૫ લાખ કરોડપતિઓ આવીને વસ્યા છે. માળખાગત સુવિધાઓ અને સુખાકારીની દૃષ્ટિએ આગળ પડતા દેશોમાં રહેવાનું વલણ વધ્યું છે.
ધનવાનો ભારતમાં નથી રહેતા એ પાછળ બીજા ય થોડા કારણો જવાબદાર છે. ધનવાન થયા પછી આખી જિંદગી પૈસાને સાચવીને કશું જ વળવાનું નથી, પણ એ પૈસા સાથે સારા દેશમાં રહેતા હોય તો જીવન જીવવા જેવું લાગે છે એવા વિચાર સાથે વિદેશમાં જવાનું વલણ વધ્યું છે. બીજું કારણ છે એક હદ પછી આવી જતી મર્યાદાઓ.
ભારતમાં બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ હજુ પાપા પગલી ભરી રહ્યું છે. નવી તર્કો સર્જાયા પછી ય પરંપરાગત બિઝનેસ સિસ્ટમ એક હદથી વધારે આગળ વધવા દેતી નથી એવી એક સામાન્ય માન્યતા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સવલતોની મર્યાદા પણ ખરી જ.
ભારતમાં કમાતા-ધમાતા રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં છેલ્લાં કેટલાય સમયથી મંદીનો માહોલ સર્જાયો છે. શિક્ષણની પણ એટલી જ મર્યાદાઓ છે. કરોડપતિ નાગરિકો પહેલો વિચાર એ કરે છે કે દેશમાં તેમના સંતાનોના શિક્ષણનું ભવિષ્ય જેટલું ઉજ્જવળ નથી એટલું વિદેશમાં છે.
વળી, અમેરિકા-બ્રિટન-ન્યુઝિલેન્ડ-ઓસ્ટ્રેલિયા જેવા દેશો વિશેષ કેટેગરીમાં વિઝા આપે છે. સામાન્ય નાગરિકોને પીઆર મેળવવા માટે કે વિઝા મેળવવા માટે જે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે તે થકાવી દે તેવી લાંબી છે, પરંતુ વિશિષ્ટ કેટેગરીના વિઝામાં કેટલીક છૂટછાટ મળતી હોય છે.
આ છૂટછાટનો લાભ વિજ્ઞાાની, એન્જિનિયર, ડોક્ટર, કલાકાર વગેરેને મળતો હોય છે અને એમાં ય આવા ધનવાનોનો પણ સમાવેશ થાય છે.
વિદેશી ધનપતિઓને પોતાના દેશમાં પનાહ આપનારા દેશો એ વાત બરાબર સમજે છે કે એ ધનવાનો પોતાના નાણાથી દેશમાં રોકાણ કરશે. નવો બિઝનેસ કરશે અને એનાથી નવી નોકરીઓનું સર્જન થશે. પાંચ કરોડનો આસામી હોય અને તે વિદેશમાં જઈને બે કરોડ પણ રોકશે તો એવરેજ પાંચ નોકરીઓનું સર્જન થાય છે. સરવાળે જે તે દેશની ઈકોનોમીને મજબૂતાઈ મળે છે.
ભારતમાંથી ઉત્તરોત્તર કરોડપતિ થયા પછી નાગરિકો વિદેશગમન કરે છે, છતાં આપણી વ્યવસ્થામાં કોઈ ફરક વર્તાયો નથી. એ તરફ આપણી સિસ્ટમ, આપણી સરકારો ઉદાસીન છે. નાગરિક બધું છોડીને વિદેશ જતો રહે છે અને પછી રહી રહીને ભારતીય મૂળના નાગરિકોને દેશમાં રોકાણ કરવાનું આમંત્રણ પાઠવવાની નીતિ પણ બને છે.
પરંતુ તેનો પછી કોઈ અર્થ રહેતો નથી. જ્યાં સુધી આપણે ત્યાં એવું સુવિધાજનક વાતાવરણ નહીં સર્જાય ત્યાં સુધી વિદેશગમન કરતા ભારતીયોની સંખ્યા વધતી રહેશે. આંકડો ૬ હજારે પહોંચ્યો છે અને એકાદ-બે વર્ષમાં વાર્ષિક ૧૦ હજાર ધનવાન ભારતીયો વિદેશમાં જતા હશે.
એનો એક જ ઉપાય છે : જે રીતે વિદેશમાં તેમને લાલ જાજમ બિછાવીને આવકારવામાં આવે છે, એ જ રીતે ભારતે પણ પોતાના ધનવાનોની કદર કરવી પડશે. એક તરફ અમીર-ગરીબ વચ્ચેની ખાઈ વધી રહી છે.
બીજી તરફ ગરીબોના જીવનધોરણમાં હકારાત્મક પરિવર્તન લઈ આવી શકાતું નથી અને ત્રીજી તરફ ભારતમાંથી અમીર થયા પછી એ નાગરિકો વિદેશની વાટ પકડે છે. આ જ સ્થિતિ રહી તો તો ચોમેરથી ફટકો પડશે. ગરીબ-અમીર વચ્ચેની ખાઈમાં સંતુલનનો એવો સેતુ રચવો જરૃરી છે કે જેનાથી બંને તરફના હિતો જળવાઈ રહે!

Comments
Post a Comment