- દુનિયાનો સૌથી મોટો ઔદ્યોગિક અકસ્માત મધ્યપ્રદેશમાં થયો હતો
- 2015માં દસ ટન ઝેરી કચરો બાળવાનો પ્રયોગ થયો હતો, તેની પર્યાવરણ પર શું અસર થઈ તેનો અહેવાલ આજસુધી જાહેર નથી કરાયો
ભોપાલમાં આવેલા જયપ્રકાશ નગરમાં બીજી અને ત્રીજી ડિસેમ્બર ૧૯૮૪ના રોજ યુનિયન કાર્બાઇડ કંપનીના જંતુનાશકો બનાવવાના કારખાનામાં મિથાઇલ આઇસો સાઇનાઇડ નામનો ઝેરી ગેસ લિકેજ થવાથી ૧૬ હજારથી વધુ લોકોના મોત થયા હતા.
દુનિયાના સૌથી ભયાવહ્ ઔદ્યોગિક અકસ્માત ગણાતી ભોપાલ ગેસ દુર્ઘટનામાં સાડા પાંચ લાખથી પણ વધુ લોકોને ગંભીર ઇજા થઈ હતી, જેમાંના ચારેક હજાર લોકો તો કાયમ માટે ખોડખાંપણ ધરાવતા થઇ ગયા હતા. જોકે, ૩૩ વર્ષ પછીયે આ દુર્ઘટના દરમિયાન ઉત્પન્ન થયેલો ૩૪૬ ટન કચરો આજેય ભોપાલમાં જ પડયો છે, જેના કારણે આવો માનવસર્જિત અકસ્માત ફરી એકવાર થઈ શકે છે.
આ ઝેરી કચરાનો નાશ કેવી રીતે કરવો એનો નિર્ણય કેન્દ્ર અને મધ્ય પ્રદેશ સરકાર આજ સુધી કરી શકી નથી. સુપ્રીમ કોર્ટે નિર્દેશ પછી ૧૩ અને ૧૮ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ ઇન્દોર નજીક પીથમપુરમાં રામકે કંપનીના ઇન્સ્યુનેટરમાં દસ ટન ઝેરીલો કચરો બાળવામાં આવ્યો હતો.
આ કંપનીના ટ્રીટમેન્ટ સ્ટોરેજ ડિસ્પોઝલ ફેસિલિટીઝના પ્લાન્ટમાં ઝેરીલો કચરો બાળ્યા પછી પર્યાવરણ પર તેની શું અસર થઈ તેનો અહેવાલ આજ દિન સુધી જાહેર કરાયો નથી. આ અહેવાલ વન અને પર્યાવરણ મંત્રાલયને પણ સુપરત કરી દેવાયો છે. આ મુદ્દે ત્રીજી માર્ચ, ૨૦૧૬ પછી સુપ્રીમ કોર્ટમાં સુનવણી પણ થઈ હતી. એ પછીયે ઝેરી કચરો બાળ્યા પછી તેની શું અસર થઈ એ વાત બહાર આવી નથી.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે દસ ટન કચરો પીથમપુર સુધી લઈ જવો પણ મોટી મુશ્કેલી હતી. એ વખતે ખાસ પેકિંગ અને લિક પ્રૂફ બોક્સમાં મૂકીને એવા જ વાહનોમાં ઝેરીલા કચરાને પીથમપુર લઈ જવાયો હતો.
જીપીએસથી સજ્જ આ પ્રકારના વાહનો ચલાવવા માટે ડ્રાઈવરોને પણ ખાસ તાલીમ આપવામાં આવી હતી. આ તમામ વાહનો પર 'ખતરો' અને 'હેઝાર્ડ્સ' જેવા સાઇન બોર્ડ ફિટ કરવામાં આવ્યા હતા. આ વાહનો જતા હોય ત્યારે ઇમર્જન્સીની સ્થિતિમાં પહોંચી વળવા એક ખાસ ટીમ પણ તૈયાર હોય છે અને ડ્રાઇવર પાસે પણ એ સ્થિતિમાં કોને ફોન કરવો એની વ્યવસ્થા હોય છે.
હજુયે ત્યાંના નાગરિકો આટલા જોખમી કચરો ધરાવતા વિસ્તારોની આસપાસ રહી રહ્યા છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો મગનું નામ મરી નથી પાડી રહી. ચૂંટણીઓમાં પણ આ મુદ્દો ક્યારેય ગાજતો નથી એ આશ્ચર્યની વાત છે.
આજેય પરમાણુ બોમ્બ જેવો આ ઝેરીલો કચરો યુનિયન કાર્બાઇડના એ જ ભયાવહ્ કારખાનામાં એક કવર્ડ શેડ કરીને રાખવામાં આવ્યો છે. આ શેડની દેખભાળ સ્થાનિક ગેસ રાહત અને પુનર્વસન વિભાગ પાસે છે. બધા જ લોકો શંકાસ્પદ રીતે મૌન છે. વિવાદ થાય ત્યારે મધ્ય પ્રદેશ સરકાર કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલયને ખો આપી દે છે.
આ કચરાને જર્મની મોકલવાનો પણ પ્રસ્તાવ રજૂ કરાયો હતો, પરંતુ જર્મન નાગરિકોએ સખત વિરોધ કરતા વાત આગળ જ ના વધી. આ પ્રકારના રાસાયણિક કચરાને બે હજાર ડિગ્રીથી વધુ તાપમાને સળવાગી દેવામાં આવે છે. એવી સુવિધાઓ જર્મની પાસે છે આ પ્રકારનો કચરો કચરો ભૂકંપ, પૂર જેવી કુદરતી દુર્ઘટનામાં વધુ જોખમી સાબિત થઈ શકે છે, પરંતુ હજુયે કેટલાક સવાલો અનુત્તરિત છે. જેમ કે, આ ઝેરીલો કચરાનો નિકાલ ક્યાં સુધી થઈ જશે? આ ઉપરાંત આ ઝેરીલા કચરાના કારણે બીજી વાર આવી દુર્ઘટના ના થાય એ માટે કેવો રોડ મેપ તૈયાર કરાયો છે?
આ સવાલો એટલા માટે પૂછવા જરૃરી છે કે, આજે ત્રણ દાયકા પછીયે ભોપાલમાં અનેક પરિવારોમાં ખોડખાંપણ ધરાવતા બાળકો જન્મી રહ્યા છે. અનેક સ્ત્રીઓ શ્વાસમાં ઝેરીલો ગેસ જવાના કારણે માતા બની શકી નથી. આ ઉપરાંત હજારો સ્ત્રીપુરુષોની પ્રજનન ક્ષમતા પણ આ ગેસે ખતમ કરી નાંખી છે. આ ગેસ લિકેજના કારણે અનેક આંધળા થઈ ગયા છે, જ્યારે અનેક લોકોના કિડની જેવા આંતરિક અંગો યોગ્ય રીતે કામ નથી કરતા.
આ દુર્ઘટના માટે યુનિયન કાર્બાઇડ કંપનીના ચેરમેન અને સીઈઓ વૉરેન માર્ટિન એન્ડરસનને કસ્ટડીમાં પણ લેવાયા હતા, પરંતુ એ પછી સુવ્યવસ્થિત ષડ્યંત્ર કરીને તેમને અમેરિકા ભાગવા દેવામાં આવ્યા હતા. એન્ડરસન ભાગી ગયા પછી સરકારી તંત્રે તેમને ભાગેડું જાહેર કરી દીધા હતા. આ ઘટના પણ ભોપાલ ગેસ પીડિતો માટે આઘાતજનક હતી.
આવા હજારો પીડિતો વારંવાર પોકાર કરી રહ્યા છે કે, ભોપાલ ગેસ દુર્ઘટનામાં અમે માર્યા ગયા હોત તો સારું થાત, કારણ કે ૩૩ વર્ષમાં સરકારી તંત્રે અમારી વારંવાર હત્યા કરી છે.

Comments
Post a Comment