યુરોપમાં ભારતીયો દૂધમાં સાકરની જેમ ભળી રહ્યા છે

- યુરોપિયનો પછી બ્રિટનમાં સૌથી વધુ માઇગ્રન્ટ ભારતીયો

- આતંકવાદના કારણે પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓએ તો અમેરિકા અને યુરોપમાં પોતાની રાષ્ટ્રીયતા પણ છુપાવી રાખવી પડે છે

વૈશ્વિક સ્તરે ભારતનો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક પ્રભાવ સતત વધી રહ્યો છે. આતંકવાદ, કાશ્મીર અને દોકલામ જેવા મુદ્દે ભારતને વૈશ્વિક સમર્થન મળ્યું એ માટે આ પ્રભાવ જ જવાબદાર છે. દુનિયાના ખૂણે ખૂણે ભારતીયો ફેલાયેલા છે અને આ પ્રક્રિયા હજુયે ચાલુ છે, જેના કારણે વિદેશીઓ પણ ભારતને વધુ સારી રીતે જાણી શક્યા છે. અમેરિકન રાજકારણમાં ભારતીયોની સંખ્યા વધી રહી છે એવી જ રીતે, યુરોપિયન દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓના કારણે સાંસ્કૃતિક આદાનપ્રદાનની ગતિ વધી છે.

યુરોપિયન દેશોના વિદ્યાર્થીઓ માટે બ્રિટન જઇને અભ્યાસ કરવો ભારતીયો માટે વધુ સરળ છે. એટલે સ્વાભાવિક રીતે જ બ્રિટનમાં દર વર્ષે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓમાં યુરોપિયનો સૌથી વધુ હોય છે, પરંતુ એ પછી સંખ્યાની દૃષ્ટિએ પહેલો નંબર ભારતીયોનો આવે છે.

યુકેની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના આંકડા પ્રમાણે, જુલાઈ ૨૦૧૬થી જૂન ૨૦૧૭ વચ્ચે ૩.૦૫ લાખ ભારતીયો બ્રિટન આવ્યા હતા. અત્યારે બ્રિટનમાં પોલેન્ડ, રોમાનિયા અને આયર્લેન્ડ જેવા દેશોના લોકો સૌથી વધારે છે અને એ પછી ભારતીયોનો નંબર આવે છે. આમ, ભારતીયો બ્રિટનમાં સેટલ થઈને યુરોપના બીજા નાગરિકોના સંપર્કમાં પણ આવે છે અને યુરોપિયન સંસ્કૃતિમાં એકસર થાય છે.

ભારતમાંથી બ્રિટન ગયેલા ૩.૦૫ લાખ લોકોમાં ૧૫,૦૩૯ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ આંકડો અમેરિકન વિદ્યાર્થીઓથી થોડોક જ ઓછો છે, પરંતુ બ્રિટનમાં છેલ્લાં એક વર્ષમાં અભ્યાસ કરવા આવેલા ચીની વિદ્યાર્થીઓની સંખ્યા ૮૮ હજારથી વધુ છે.

જોકે, ભારતીયો બીજા દેશોની સાંસ્કૃતિક પરંપરાઓમાં સહેલાઇથી ભળી જાય છે, જ્યારે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો સાંસ્કૃતિક રીતે બ્રિટીશરો સાથે ઝડપથી હળીમળી શકતા નથી. ભારતીય વિદ્યાર્થીઓ બીજા દેશમાં દૂધમાં સાકરની જેમ ભળી જાય છે. ચીન કે પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવા દેશોને આવો લાભ મળતો નથી.

આઘાતજનક વાત તો એ છે કે, આતંકવાદના કારણે પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓએ તો અમેરિકા અને યુરોપમાં પોતાની રાષ્ટ્રીયતા પણ છુપાવી રાખવી પડે છે. આવા અનેક વિદ્યાર્થીઓ પોતાની ઓળખ ભારતીય તરીકે આપે છે, જેને ભારતની જીત જ ગણી શકાય. વૈશ્વિક રાજકારણની અસર આ રીતે કોઈ પણ દેશના સામાન્ય નાગરિકો પર પડે છે.

છેલ્લાં ઘણાં સમયથી બ્રિટનમાં ચાઈનીઝ નાગરિકો વિરુદ્ધ હિંસા કરવાની ઘટનાઓમાં વધારો થયો છે. યુરોપના બીજા દેશોમાં પણ ચીનના પ્રવાસીઓ પર હુમલો થવો એ બહુ સામાન્ય બાબત છે. યુરોપિયનોને એવો પૂર્વગ્રહ છે કે, ચીનના લોકોનું વર્તન અત્યંત ઘૃણાસ્પદ હોય છે. એક દાખલો જોઈએ. થોડા સમય પહેલાં જર્મનીમાં ચીનના બે નાગરિકોની ધરપકડ થઈ.

આ બંનેનો વાંક એ હતો કે, તેઓ જર્મનીમાં જ્યાં જતા ત્યાં નાઝી સેલ્યુટ મારતા. એ બંને નમૂનાને ખબર જ નહોતી કે, જર્મનીમાં હિટલરની યાદ અપાવવી એ કેટલું સંવેદનશીલ છે. આ વાત ભારતીયો સારી રીતે જાણે છે કારણ કે, યુરોપ સાથે ભારતનું સારું એવું આદાનપ્રદાન થયું છે. યુરોપમાં ચીનના નાગરિકો અને વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવા છતાં ચીનની ભાષા-સંસ્કૃતિની યુરોપમાં બહુ ઓછી ભેળસેળ થઈ છે.

ગયા એક વર્ષમાં એકલા બ્રિટનમાં સ્કિલ વિઝા મેળવનારા ભારતીયોની સંખ્યામાં ૫૭ ટકા અને વિઝિટર વિઝા મેળવનારા ભારતીયોની સંખ્યામાં ૧૧ ટકાનો વધારો નોંધાયો છે. ટકાવારીની દૃષ્ટિએ ભારત આગળ છે, પરંતુ આંકડાની રીતે ચીન હજુયે આગળ છે. બ્રિટનમાં કુલ માઇગ્રન્ટ્સમાં ભારત અને ચીનના નાગરિકોની સંખ્યા જ ૪૭ ટકા જેટલી છે. એટલે કે, લગભગ અડધા માઇગ્રન્ટ્સ આ બે દેશના જ છે. બ્રેક્ઝિટ પછી બ્રિટન આવતા યુરોપના બીજા દેશોના વિદ્યાર્થીઓનો સંખ્યા ઘટી છે, પરંતુ ભારત-ચીનને બ્રેક્ઝિટ સાથે કોઈ લેવાદેવા નથી.

એ વાતમાં કોઈ શંકા નથી કે, વૈશ્વિક સ્તરે ભારતનો સોફ્ટ પાવર વધારવામાં ભારતીય વિદ્યાર્થીઓની બહુ મોટી ભૂમિકા છે. ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટન જાય છે ત્યારે પોતાની સાથે એક નાનકડું ભારત પણ લેતા જાય છે, જેમાં ભારતની સાચી સમજ, ધર્મ, સંસ્કૃતિ, પરંપરાઓ, તહેવારો અને આપણી ફિલ્મોનો વગેરેનો સમાવેશ કરી શકાય.

આ બધી બાબતોથી યુરોપમાં બ્રિટન સહિતના શહેરોમાં ભારતીયો ફેમિલિયર થઈ ગયા છે. વિશ્વની બહુ ઓછી ધર્મ-સંસ્કૃતિને આ પ્રકારનો લાભ મળે છે. અમેરિકન રાજકારણમાં પણ ભારતીયોનું પ્રતિનિધિત્વ સતત વધી રહ્યું છે, જેનો લાભ કેનેડા, બ્રિટન અને યુરોપના બીજા દેશોમાં પણ મળે છે.

વૈશ્વિક સ્તરે ભારતીયોને કોઇ 'ટેકન ફોર ગ્રાન્ટેડ' લેતું નથી. ૨૧મી સદીનો ભારતીય વિશ્વ પ્રવાસી છે. એ નવી દિશાઓમાં ખેડાણ કરવા ઉત્સુક છે. એ ભારતીય જ્યાં જાય ત્યાં એક કૂવો બનાવીને કૂપમંડૂકની જેમ રહેતો નથી. ચીન-પાકિસ્તાનના લોકોની જેમ ભારતીયો 'ઇલિગલ ઘેટ્ટો' બનાવીને વસતા નથી, પરંતુ બીજા પ્રદેશમાં મુક્તવિહાર કરી જાણે છે.

કોઈ પણ દેશના લોકો બીજા પ્રદેશોમાં જઈ પોતાની નાનકડી દુનિયા બનાવે ત્યાં સુધી બરાબર છે, પરંતુ ચાઈનીઝ અને પાકિસ્તાનીઓેએ ઊભા કરેલા ઘેટ્ટો ગુનાખોરીના એપિસેન્ટર હોય છે. ભારતીયો આવું ગુનાખોર અને હિંસક નહીં પણ વેપારી માનસ ધરાવે છે, જે આપણી આગવી પહેચાન જ ગણી શકાય!

Comments