પાક. સેનાને રોકડું પરખાવનારી બેખૌફ યુવતી ઇમાન માજિરી


- પાકિસ્તાની સેનાએ મારો દેશ નર્ક બનાવી દીધો છે

- હવે પાકિસ્તાનના રાષ્ટ્રવાદીઓ ઇમામની 'વાંધાજનક' તસવીરો શોધી લાવીને તેનું કેરેક્ટર એસેસિનેશન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

આતંકવાદના કારણે દુનિયાભરમાં કુખ્યાત થઈ ગયેલા પાકિસ્તાનની નવી પેઢીની ગૂંગળામણ ફરી એકવાર સપાટી પર આવી ગઈ છે. પાકિસ્તાનમાં સરકાર વિરુદ્ધ તો સૌ કોઈ બોલી શકે છે, પરંતુ સેના અને આતંકી સંગઠનો સામે જાહેરમાં કોઈ અવાજ ઉઠાવી શકતું નથી.

જોકે, આ વખતે ઇમાન માજિરી નામની એક નાનકડી છોકરીએ પાકિસ્તાનની સેનાના છોતરા ઉડાવતો વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, 'આતંકવાદીઓનું સમર્થન કરીને સેનાએ પાકિસ્તાનને નર્ક બનાવી દીધું છે.

આ સેના પર મને શરમ આવે છે'. આ નિવેદન કર્યા પછી ઇમાન માજિરીએ 'ટીકા કરવા ખોટા શબ્દોનો ઉપયોગ કરવા બદલ' માફી પણ માંગી લીધી છે અથવા ધાક-ધમકીથી ગભરાઈને માફી માંગવી પડી છે. પાકિસ્તાનમાં રાષ્ટ્રવાદના નામે સેના દ્વારા થતાં કામને બઢાવી ચઢાવીને રજૂ કરવામાં આવે છે અને 'કરતૂતો'ને છુપાવવામાં આવે છે અને ઇમાન માજિરી આ વિષચક્રનો જ ભોગ બની છે.

પાકિસ્તાનમાં ચૂંટણી સુધારા અંતર્ગત એક બિલ રજૂ કરાતા આ વિવાદની શરૃઆત થઈ હતી. આજેય પાકિસ્તાનમાં મુસ્લિમ ઉમેદવારે પયગંબર સાહેબ જ છેલ્લાં પયગંબર હતા એવું લેખિતમાં આપવું પડે એવો નિયમ છે. 

ઉપરોક્ત બિલ રજૂ કરાયું ત્યારે આ નિયમમાં કેટલાક ફેરફારો થતાં જ ખાત્મ ઇ નબુવ્વત (ફાઇનાલિટી ઓફ પ્રોફેટહૂડ) નામના ઓછા જાણીતા પક્ષે કાયદા મંત્રી ઝાહિદ હમીદ સામે ઈશનિંદાનો આરોપ મૂક્યો અને દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનો કર્યા. છેવટે હમિદ સાહેબે ઘરભેગા થવું પડયું. સરકારે કટ્ટરપંથીઓની હિંસા સામે ઝૂકી જવું પડયું, જેની પાકિસ્તાનના કેટલાક અખબારોએ પણ ટીકા કરી.

આ બાબતથી દુઃખી થઈને તહેરિક એ ઇન્સાફના નેતા શીરિન માજિરીની પુત્રી ઇમાન માજિરીએ પાકિસ્તાની સેનાની ટીકા કરી.

ઇમાનના સેના વિરુદ્ધના વીડિયો પછી શીરિન માજિરી પર પણ સીધું-આડકતરું દબાણ આવ્યું હશે, એટલે તેમણે પુત્રીના વિચારોને અંગત ગણાવીને વિવાદ શાંત કરી દીધો. પાકિસ્તાનના અગ્રણી મહિલા નેતાઓ પૈકીના એક ગણાતા શીરિન માજિરી ઇમરાન ખાને સ્થાપેલા તહેરિક એ ઇન્સાન રાજકીય પક્ષના મુખ્ય દંડક છે. આ ઉપરાંત તેઓ પાકિસ્તાન સંસદના પણ સભ્ય છે. શીરિન માજિરી ખુદ અંધારિયા ખંડ જેવા પાકિસ્તાનમાં આશાનું ઉજ્જવળ કિરણ છે.

બ્રિટનની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધા પછી તેમણે અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પણ પદવી લીધી છે. વર્ષો પહેલાં તેઓ પાકિસ્તાનના બીજા નેતાઓની નેતાઓની જેમ વિદેશમાં સેટલ થઇને ફેસબુકિયું કે ટ્વિટરિયું આંદોલન કરી શક્યા હોત.

પરંતુ શીરિન માજિરી ભણીગણીને પાકિસ્તાન પરત આવીને કાયદે આઝમ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના એસોસિયેટ પ્રોફેસર તરીકે નોકરી શરૃ કરી. વર્ષ ૨૦૦૨માં શીરિન માજિરી પાકિસ્તાનના ઇન્સ્ટિટયુટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝના હેડ તરીકે ચૂંટાયા. આ દરમિયાન તેમણે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી સુધારા કર્યા, પરંતુ ૨૦૦૮માં રૃઢિવાદી વિચારો ધરાવતા નેતાઓએ મિલિભગત કરીને તેમની હકાલપટ્ટી કરાવી દીધી.

હંમેશાની જેમ ગુંડા-મવાલી જેવા અભણ નેતાઓ જીતી ગયા અને દેશમાં કામ કરવા માગતી એક મહિલા શિક્ષક હારી ગઈ. એ ખરેખર પાકિસ્તાનની પ્રજાની હાર હતી. આવી ક્રાંતિકારી મહિલાની પુત્રી જ પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ બોલી શકે ને? ઇમામ માજિરી પણ માતાની જેમ જ એક ક્રાંતિકારી વિચારો ધરાવતી યુવતી છે, જે તેણે સાબિત કરી દીધું છે.

ઇમામ પાકિસ્તાનના પ્રગતિશીલ લોકોનો અવાજ બનીને બહાર આવી છે. પાકિસ્તાનમાં પણ રાષ્ટ્રવાદીઓએ ભેગા થઈને ઇમાન માજિરીને ટ્વિટર પર ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે. આ રાષ્ટ્રવાદીઓ ઇમામની 'વાંધાજનક' તસવીરો પણ શોધી લાવ્યા છે. આ તસવીરોની મદદથી રાષ્ટ્રવાદીઓ ઇમામનું કેરેક્ટર એસેસિનેશન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ બધી બાબતોથી ઇમાન તો ઠીક, પાકિસ્તાનની પ્રગતિશીલ યુવા પેઢી પણ ભરમાય એમ નથી.

પાકિસ્તાનમાં ઉદ્યોગપતિઓ, સામાજિક કાર્યકરો અને ફિલ્મ સેલિબ્રિટીઓનું ગળું ઘોંટાઈ રહ્યું છે. આજના પાકિસ્તાનમાં પ્રગતિશીલ રાજકારણીએ મનલુભાવન ભાષામાં વાત કરવી પડે છે, પત્રકારોએ સમજી-વિચારીને પત્રકારત્વ કરવું પડે છે, લેખકોએ ડરતા ડરતા લખવું પડે છે, કવિઓ ચારણ થઈ ગયા છે અને ફિલ્મોની સ્ક્રીપ્ટો પણ સાચવીને લખવી પડે છે. આ પ્રકારના માહોલમાં કળાનો વિકાસ ના થઈ શકે એ વાત પાકિસ્તાનની હોશિયાર યુવા પેઢી સમજે છે પણ એ લોકો લઘુમતીમાં છે.

અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે કોઇની લાગણી ના દુભાવી જોઈએ એવી ફાલતુ દલીલો કરનારા એ વાત યાદ રાખે કે, વિશ્વના અનેક દેશો ભારત-પાકિસ્તાન જેવા દેશોની સરખામણીએ વૈચારિક રીતે ઘણાં આગળ છે અને એટલે જ ત્યાં ફિલ્મ, લેખન, સંગીત, વિજ્ઞાાન અને વિવિધ પ્રકારની કળાઓ સોળેય કળાએ ખીલી છે.

Comments