રેલવેની નવતર યોજનાઓમાં કરોડોનો ખર્ચ લેખે લાગશે?

- દેશના ચાર મેટ્રો 2022 સુધીમાં હાઇસ્પિડ રેલ નેટવર્કથી જોડાશે 

- રેલવે અકસ્માત જ નહીં, મુસાફરી કરતી વખતે બળાત્કાર, હત્યા અને ચોરી જેવી બાબતો પણ રેલવે સુરક્ષા સાથે જ સંકળાયેલી છે

ભારતીય રેલવેએ ૨૦૨૨ સુધીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ અને કોલકાતા એમ ચાર મેટ્રો શહેરોને જોડતું રેલવે નેટવર્ક તૈયાર કરવાની યોજના તૈયાર કરી છે. આ યોજના હેઠળ સેમી હાઇ સ્પિડ ધરાવતી રેલવેનું દસ હજાર કિલોમીટરનું માળખું તૈયાર કરવામાં આવશે.

આ યોજનાનો હેતુ મુસાફરોનો ટ્રાવેલ ટાઇમ ઘટાડવાનો છે. ઉપરોક્ત ચારેય શહેરોને જોડતી ટ્રેનો પ્રતિ કલાક ૧૬૦ કિલોમીટરની ઝડપે દોડતી હશે. જોકે, રેલવેએ આવી અનેક યોજનાઓ સફળતાપૂર્વક લાગુ કર્યા પછીયે મુસાફરોની સુરક્ષા અને સ્વચ્છતાના પ્રશ્નો આજેય ત્યાંના ત્યાં છે.

ભારતીય રેલવે ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ આ યોજનાનું રંગેચંગે ઉદ્ઘાટન કરવા માંગે છે. એ વર્ષે દેશની આઝાદીના ૭૫ વર્ષ પણ પૂરા થાય છે. ભારતીય રેલવેની સાથે સાથે આપણે પણ જાગૃત નાગરિક તરીકે કેટલાક પાયાના પ્રશ્નો મુદ્દે વિચારવાનો આ જ ઉત્તમ સમય છે. રેલવે નીતિના નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતીય રેલવેએ નવી યોજનાઓની સાથે મુસાફરોની સુરક્ષા, સ્વચ્છતા, સંપૂર્ણ સુવિધા ધરાવતી ટ્રેનો, સ્ટેશનો અને રેલવે સ્ટાફની કાર્યક્ષમતામાં વધારો જેવા મુદ્દે પણ ઝડપથી વિચાર કરવાની જરૃર છે.

આપણી પાસે દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે, પરંતુ તેની સરખામણીમાં આવક ઘણી ઓછી છે. જોકે, રેલવેમાં ભાડા વધારાનો મુદ્દો રાજકારણ સાથે પણ સંકળાયેલો છે.

જોકે, લક્ઝુરિયસ સુખસુવિધા ધરાવતી ટ્રેનો શરૃ કરીને આ આવકને સરભર કરી શકાય એમ છે. આ ઉપરાંત રેલવેની સુરક્ષાનો ખર્ચ પણ સ્ટાફની કાર્યક્ષમતા વધારીને ઘટાડી શકાય એમ છે. આજેય ભારતમાં બે રેલવે સામસામે ટકરાવી, પાટા પરથી ખડી પડવી અને રેલવેમાં ગુનાખોરી થવી સામાન્ય બાબત છે.

અહીં ફક્ત રેલવે અકસ્માતની રીતે મુસાફરોની સુરક્ષાની વાત નથી, પરંતુ પ્રવાસ કરતી વખતે અનેક મુસાફરો સાથે બળાત્કાર, છેડતી, ચોરી અને મારામારીના બનાવો બને છે તેની પણ છે. રેલવે અકસ્માત સહિત આવા કિસ્સામાં રેલવેએ પીડિતોને કરોડો રૃપિયાનું વળતર ચૂકવવું પડે છે અને તેનો ભાર પણ છેવટે પ્રજા પર જ આવે છે. આ મુશ્કેલીઓ માટે સરકારે નહીં પણ પ્રજાએ આત્મનિરીક્ષણ કરવાની જરૃર છે.

અત્યારે દેશના ચાર મેટ્રોને જોડતી જુદી જુદી ટ્રેનોની સરેરાશ ઝડપ પ્રતિ કલાક ૮૮થી ૯૦ કિલોમીટરની છે. આ માળખું ગોલ્ડન ક્વોડ્રિલેટરલ એટલે કે સુવર્ણ ચતુર્ભુજના હુલામણા નામે ઓળખાય છે. હવે રેલવે દિલ્હી-મુંબઈ, દિલ્હી-હાવરા, દિલ્હી-ચેન્નાઇ, ચેન્નાઇ-હાવરા, ચેન્નાઇ-મુંબઇ અને હાવરા-મુંબઇ એમ છ ટ્રેન રૃટ દ્વારા દેશના ચાર મેટ્રોને એકબીજા સાથે જોડી દેવા માંગે છે. આ યોજનાથી આ તમામ રૃટ પર આવતા સ્ટેશનોને વધુ ટ્રેનની ફ્રિક્વન્સી મળશે.

વળી, આ યોજના માટે કરોડો રૃપિયાનું બજેટ માંગવામાં આવ્યું છે, પરંતુ આ રેલવે યોજનામાં નિષ્ણાતો હંમેશાની જેમ વધુ ખર્ચ થવાની પણ શક્યતા જોઈ રહ્યા છે. જેમ કે, દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવરા ૨૦૧૭-૧૮માં તૈયાર થાય તો બજેટ અનુક્રમે રૃ. ૧૧,૧૮૯ કરોડ અને રૃ. ૬,૯૭૫ કરોડ રજૂ કરવામાં આવ્યું છે.

જોકે, એ સિવાયના ચાર રૃટની યોજનાનો અંદાજ કાઢવાનો હજુ બાકી છે. ભારતનો ઈતિહાસ ગવાહ છે કે, આવી કોઈ પણ મહત્ત્વાકાંક્ષી યોજનાને ચૂંટણીલક્ષી બનાવવા રાજકારણીઓ ગમે તેવી બાંધછોડ કરી શકે છે, જેમાં યોજનામાં હાથે કરીને મોડું કરવુંથી માંડીને લાગતા-વળગતાને કોન્ટ્રાક્ટ આપવા જેવા ઘણા પ્રકારના ભ્રષ્ટાચારનો સમાવેશ થાય છે.

૩૧મી ડિસેમ્બરના અંત સુધીમાં આ યોજનાનો સંપૂર્ણ ખર્ચ કેટલો થશે એ નીતિ આયોગને જણાવી દેવામાં આવશે. આ યોજનાની બ્લુપ્રિન્ટના નીતિ આયોગે પણ વખાણ કર્યા છે. હવે નિર્ણય કેબિનેટે લેવાનો છે.

કદાચ કેબિનેટ પણ કેટલાક મનલુભાવન ફેરફારો કરીને ચૂંટણીઓ નજીક હોય ત્યારે આ યોજનાઓની જાહેરાત કરી દેશે. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી ચકાચક ટ્રેનો અને સ્ટેશનોના ઉદ્ઘાટન પણ થઈ જશે. આ સરકારી કાર્યક્રમોના તસવીરી અહેવાલો પણ આવી જશે, પરંતુ શું આ યોજનાઓ ભ્રષ્ટાચાર મુક્ત રહી શકશે ખરી.

રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુસાર, મેટ્રો ઇન્ટરકનેક્ટિંગ પ્રોજેક્ટ માટે વધારાના રૃ. ૩૬ હજાર કરોડ પણ માંગવામાં આવ્યા છે. આ રકમ પણ મંજૂર થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે, સરકાર અને પ્રજા બંનેને વિકાસ સિવાય ઓછું કંઈ જોઈતું નથી. પરંતુ રેલવે નીતિના જાણકારો સવાલ પૂછી રહ્યા છે કે,

રેલવે સુધારાની વાત આવે છે ત્યારે બજેટ નહીં હોવાનું ગાણું ગાતું રેલવે મંત્રાલય આટલા જંગી બજેટની મદદથી એ કામ ના કરી શકે? અત્યારે દેશમાં જે રેલવે નેટવર્ક છે એજ ખામીયુક્ત છે તો નવું નેટવર્ક ઊભું કરવું એના કરતા જૂના નેટવર્કને જ વધુ કાર્યક્ષમ ના બનાવી શકાય? અને છેલ્લે શું આ યોજના માટે પાટા બિછાવવાથી માંડીને નવી ટ્રેનોના ઉત્પાદન, સ્ટેશનો માટે કરોડો રૃપિયાનો ખર્ચ કર્યા પછીયે પ્રજાને તેના પૂરેપૂરા લાભ મળશે ખરા?


Comments