રાજકીય ગપસપ : રજનીકાંત કી સવારી આ રહી હૈ...

જયલલિથાની વિદાય પછી અન્ના ડીએમકેમાં અંધારપટ છવાયેલો છે, શશીકલા જેલમાં છે અને બાકીનાઓમાં જયલલિથા જેવી બહાદુરી નથી. 

સત્તાધારી અન્ના ડીએમકેના સુપ્રીમો કરુણાનિધિની દીકરી કનીમોઝી ટુ-જી કૌભાંડના આરોપમાંથી મુક્ત થઈ હતી. આમ, ડીએમકેનું પલ્લું થોડું ભારે થયું હતું. તમિળનાડુના રાજકારણમાં અચાનક જ સુપરસ્ટાર રજનીકાંતે ઝંપલાવ્યું હતું.

માત્ર દક્ષિણના રાજ્યોમાં જ નહિ પણ સમગ્ર દેશમાં તેમની લોકપ્રિયતાની તોલે કોઈ અભિનેતા નથી આવતા કહે છે કે, રજનીકાંતને પોલિટિક્સમાં ખેંચી લાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ભાજપના પ્લાન અનુસાર તે દક્ષિણના રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન રજનીકાંતને ઉતારશે. દક્ષિણમાં ભાજપને મોટી ખોટ પડી છે. રજનીકાંતનો થનગનાટ જોતાં લાગે છે કે, આ 'મોર' તમિલનાડુમાં છવાઈ જશે.

રજનીકાંતના લલાટે 'મોદી તિલક'
તામિળનાડુના રાજકારણમાં અભિનેતા- અભિનેત્રી ઝંપલાવે અને છવાઈ જાય તે સ્વાભાવિક છે સમગ્ર દક્ષિણના પટ્ટામાં રાજકારણી કરતાં અભિનેતાઓની લોકપ્રિયતા વધુ છે. એમ.જી. રામચંદ્રનથી માંડીને જયલલિથા અને રજનીકાંત !

આંધ્રમાં એન.ટી. રામારાવે ફિલ્મી પડદો છોડીને રાજકીય તખ્તો સંભાળ્યો હતો અંતે તેમના જમાઈ ચંદ્રાબાબુ નાયડુ બધું હડપ કરી ગયો હતો. રજનીકાંતની લોકપ્રિયતા કોઈ પણ સેલિબ્રિટીને ઇર્ષા કરાવે છે. રજનીકાંતના લલાટે 'મોદી તિલક' છે. તમિળનાડુની પ્રજા પોતાના પ્રિય હીરોને ખભે ઊંચકીને ચાલશે તેમાં શંકાને સ્થાન નથી ડીએમકે અને અન્ના ડીએમકે બંનેના વળતા પાણી જોઈ શકાય છે.

સેલિબ્રિટી કંઈ ઉકાળી શકતી નથી !
રાજકારણમા સેલિબ્રિટી ખાસ કંઈ ઉકાળી શકતા નથી. એ માન્યતા ખોટી છે. રાજ્યસભામાં રેખા કે સચિન તેંડુલકર કંઈ બોલી શક્યા નથી. જો કે અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધીના કાળમાં ચૂંટણી લડી હતી. સામે હેમવંતી નંદન બહુગુણા હતા તે ખૂબ લોકપ્રિય હતા અને સમાજ સેવાની ધૂણી ધખાવીને બેઠા હતા. બહુગુણાને એમ હતું કે તેમણે કરેલી લોકસેવા તેમને જીતાડશે. જો કે, અમિતાભ બચ્ચનને જોવા મતદારો તૂટી પડતા હતા.

પરિણામો આવ્યા ત્યારે બહુગુણાનો સફાયો થઈ ગયો હતો. જો કે અમિતાભ બચ્ચન બહુ લાંબુ ટકી શક્યા નહોતા. તે જાણી ગયા હતા કે તેમનો ઉપયોગ કરાયો હતો. ગાંધી પરિવાર સાથેના સંબંધો ના બગડે એ રીતે ધીરે રહીને પાછા બોલિવુડના સ્ટેજ પર જતા રહ્યા હતા.

મોતીલાલ વોરા ફસાઈ ગયા
કોંગ્રેસના ટ્રેઝરર મોતીલાલ વોરા ગાંધી પરિવારના ખાસ છે એમ કહેવાની જરૃર નથી. થયું એવું કે રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ નિમાયા ત્યારે મોતીલાલે કોંગ્રેસના હોદ્દેદારોને બોલાવીને કહ્યું કે બધાની ઓફિસમાં તાત્કાલીક રાહુલ ગાંધીનો ફોટો મૂકી દો ! હું જાતે જ ચેક કરવા આવીશ ! અઠવાડિયા પછી તેમણે તેમના મળતિયાઓને કહ્યું કે બધા હોદ્દેદારોની ઓફિસમાં ચેક કરી આવો ! બધાં એ જ રાહુલના ફોટા લગાવી દીધા હતા.

મોતીલાલ વોરાએ ગૌરવ સાથે આ વાત ગુલામનબી આઝાદને કહી હતી. તરત જ ગુલામનબીએ તેમનેે કાનમાં કંઈક કહ્યું ! ગુલામનબીએ શું કહ્યું તેની તો ખબર નથી પણ મોતીલાલે તેમના સ્ટાફમાં કહ્યું કે, મારી ઓફિસના બધા રૃમમાં રાહુલ ગાંધીના ફોટા મૂકી દો ! ગુલામનબીએ તેમના કાનમાં કહ્યું હતું કે... તમારી ઓફિસમાં જ રાહુલ બાબાનો ફોટો નથી... બિચ્ચારા મોતીલાલે સોરી.. સોરી... કહે રાખ્યું હતું.

૨૬ જાન્યુઆરી અને ગણમાનુની
આ વખતે ૨૬ જાન્યુઆરીની પરેડમાં વિદેશના પ્રતિનિધિઓ મોટા પાયે હાજર રહેવાના છે. ASEAN (એસોસીએશન ઓફ સાઉથ- ઇસ્ટ એશિન્યન નેશન) દેશોના વડા દિલ્હી આવવાના છે. ૨૬ જાન્યુઆરીએ આટલા બધા દેશોના વડા આવશે એવું પહેલીવાર બની રહ્યું છે. 

૨૬મીની પરેડ આ લોકો જોશે આ મહેમાનોના સ્વાગતની તૈયારી માત્ર ટુરિઝમ ડિપાર્ટમેન્ટ કરે છે એવું નથી પણ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પણ કરી રહ્યા છે. વિદેશના પ્રધાનો પર ભારત પ્રભાવ ઉભો કરવા માંગે છે.

૨૬મીનો વૈભવ વિદેશના વડાઓને બતાવાશે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન પણ વિદેશના વડાઓને આવકારવાની ટીમમાં છે. ત્રણ માનુનીઓ વિદેશના વડાઓને ૨૬મી જાન્યુઆરીનું મહત્ત્વ પણ સમજાવશે.

એનડીએનો એક પક્ષ નારાજ
કેન્દ્રની એન.ડી.એ. સરકારનો એક સાથી પક્ષ જોડાણ તોડવાની ફિરાકમાં છે. આ પક્ષ એટલે તેલુગુ દેશમ આંધ્ર પ્રદેશના આ પક્ષના નેતા ચંદ્રાબાબુ નાયડુના કાર્યકરો એનડીએ સાથે છેડો ફાડવાનું કહે છે. આંધ્રમાં ભાજપના વિધાનસભ્યોની સંખ્યા એક આંગળીના વેઢા જેટલી છે છતાં તે સરકારમાં ભાગીદાર છે. આ બંને પક્ષ વચ્ચે ખટરાગ વધુ રહ્યો છે. તેલુગુ દેશમ એકલા હાથે આંધ્રપ્રદેશમાં શાસન કરવા સમર્થ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદરની વાતો અને ચંદ્રાબાબુ નાયડુની નારાજગી જાણે છે. ચંદ્રાબાબુએ વડાપ્રધાન મોદીની મુલાકાત માંગી છે પણ મોદી મુલાકાત નથી આપતા. લાગે છે કે ૨૦૧૯ના લોકસભા જંગમાં ચંદ્રાબાબુ નાયડુ એનડીએનો સાથી પક્ષ નહીં રહે !

Comments