- આજથી 2018નો શુભારંભ
આર્થિક બોજો, મંદી અને બજારોમાં હતાશાના ભાર સાથે ૨૦૧૮નો પ્રારંભ થયો છે. શેરબજારની ચડત રાહત આપી રહ્યું છે, જ્યારે નાદારો- ડીફોલ્ટરો અને જંગી એનપીએ બજારોને મંદી તરફ ખેંચી રહ્યા છે. ૨૦૧૮ અને આર્થિક ક્ષેત્ર વચ્ચે કોઇ સમાનતા નથી કેમ કે એપ્રિલથી નાણાકીય વર્ષ શરૃ થાય છે.
૨૦૧૮ એ યર ઑફ ઇલેકશન્સ છે, સાથે-સાથે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષના અમલ પછીનું પ્રથમ બજેટ પણ આ વર્ષમાં બહાર પડશે. ૨૦૧૮ના પ્રારંભે 'ઓઈલ'ના ભાવો ફરી માથું ઉંચકી રહ્યા છે. ૨૦૧૮માં ઓઈલની લપસણી ધરતી પર ભારતનું અર્થતંત્ર લપસી ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે.
વિશ્વ બેંકે ભારતને ૨૦૧૮ માટે ટોપ કલાસ બિઝનેસ કન્ટ્રી કલબમાં ટોપ-૧૦૦માં સ્થાન આપતા વૈશ્વિક રોકાણકારો ભારત તરફ આવી શકે છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેકસમાં ભારત સડસડાટ ૩૦ નંબર આગળ વધી ગયું છે. આ એક સિધ્ધી છે.જો કે ઘર આંગણે સરકાર સામે બેરોજગારીની સમસ્યા તમામ સિધ્ધીઓ પર પાણી ફેરવી દે છે. ભારતે ચીનના માલનું ડમ્પીંગ અટકાવવાનું છે. ચીનના માલના કારણે કેટલાક યુનિટોને તાળા વાગી ગયા છે.
આ તાળા સરકારે ૨૦ો૧૮માં ખોલવાના છે.ભારતમાં વસ્તી વિસ્ફોટ છે. બે રોજગારીનો પ્રશ્ન વિકરાળ છે. બે રોજગારોની સંખ્યા કરોડોમાં છે. સરકારે નવા ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટો અને સ્વરોજગારીની નીતિ ઘડવી પડશે. બેરોજગારીની વિકરાળ સમસ્યા ૨૦૧૯ના લોકસભાના જંગમાં સત્તાધારી ભાજપ માટે ખલનાયક બની શકે છે.
જે યુનિટો વિસ્તરવા માગતા હોય અને પોતાને ત્યાં કામદારો બમણા કરવાની ગેરંટી આપતા હોય તેમને નવા યુનિટો સ્થાપવા માટે સસ્તા દરે લોન આપવા સરકાર વિચારી રહી છે. ઠપ્પ પડેલા કારખાનાના સર્વે ચાલે છે. આર્થિક સ્થિતિના કારણે કારખાના બંધ થયા હશે તો તેમને ફરી ઉભા કરવા પણ સબસીડી આપવાનું વિચારાયું છે.
એનડીએ સરકાર માટે ૨૦૧૮નું મહત્વ એટલા માટે છે કે ૨૦૧૯માં કેન્દ્રમાં ફરી સરકાર સ્થાપવા માટેનું તે લોંચીંગ પેડ સમાન છે. સરકાર સામે વિપક્ષ આક્ષેપ કરે છે કે પાંચ ઉદ્યોગપતિઓ માટે સરકાર કામ કરે છે તે ઇમેજ તોડવા સરકારે લઘુ ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રકચર તરફ ધ્યાન આપવું પડશે. મંદીની અસર કરતાં વધુ તેનો 'હાઉ' છે. સરકારે બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કરીને નવોદિત વેપારીઓને પ્રોત્સાહન આપવાની જરૃર છે.
મૂડીસના રેન્કિંગ સુધારાથી એનડીએ સરકારને ફૂલાવાની જરૃર નથી. રેન્કિંગ નવા બિઝનેસ માટે આવકાર્ય છે પણ તેના ભરોસે ચાલી શકાય એમ નથી. સરકારે પ્રજાના રેન્કિંગ માટે પ્રયાસ કરવા જોઈએ. પ્રજા ૭૦ ટકા માર્ક આપે તો સરકારને બ્રાઇટ ચાન્સ મળે એમ છે. વૈશ્વિક રેન્કિંગથી વિદેશી કંપનીઓ રોકાણ કરે છે પણ સ્થાનિક સ્તરે ચાલતા નબળા એકમોને કોઇ લાભ થતો નથી. ભારતે પોતાની આંતરિક બિઝનેસ સ્થિતની રેટીંગ એજન્સી ઉભી કરવાની જરૃર છે જે રાજ્ય પ્રમાણે રેન્કિંગ ઉભું કરે.
ભારતના કિસાનો છાશવારે નારાજ થાય છે. સરકાર માને છે કે કિસાનો વિપક્ષના હાથા બનીને બહાર આવે છે. કિસાનોની આવક બમણી કરવાના વચનને સરકારે પાળવાનું છે. કિસાનો ખેતી ઉપરાંત પશુપાલન, હિરાઘસુ જેવા બિઝનેસ કરતા થાય તો ખેતીની વત્તી-ઓછી આવકની બહુ અસર પડતી નથી.
કૃષિ વ્યવસાય તરફ સરકારે સૌથી વધુ ધ્યાન આપવાની જરૃર છે. પરંપરાગત રીતે ચાલ્યા આવતા આ વ્યવસાયમાં સતત નુકશાન થતું જોવા મળે છે. ટેકાના ભાવ અને માર્કેટ યાર્ડમાં વેચાણની સરળતાથી તે ખુશ થઇ શકે છે.
નોટબંધી અને ત્યારબાદ જીએસટી એ વેપારી આલમમાં સરકાર વિરોધી સૂર ઉભો કર્યો છે. આજે પણ જીએસટી મેળવતાં અઠવાડીયું લાગે છે. ગુજરાતની ચૂંટણીઓ દરમ્યાન જીએસટીનો મુદ્દો ઉછળયો હતો. સરકારે સમજવું જોઈએ કે જીએસટીથી લોકો નારાજ છે.
આગામી બજેટમાં નાણા પ્રધાન જીએસટી અંગે અને તેની દંડનીય કાર્યવાહી અંગે કોઇ જાહેરાત થશે એવા સંકેતો મળ્યા છે. જીએસટી માટે ટેકનોલોજીનું માળખું પણ લોકોને આંદોલન કરવા પ્રેરે એવું છે.

Comments
Post a Comment