પક્ષીઓની પાંખો અને માનવ-ગળાં ઉત્તરાણની સંવેદનાનું રૃદન

- ચાઇનીઝ દોરી અને કાચ મિશ્રિત દોરીનો આતંક

- માણસ કમરેથી વાંકો વળીને કીડીના દર પણ પૂરે છે અને પક્ષીની પાંખો પણ કપાવવા દે છે

ઉત્તરાણ આડે ૧૫ દિવસ બાકી રહ્યા છે. આકાશમાં પતંગો ભલે ન દેખાતા હોય પણ રોડના ખૂણાઓ પર દોરા રંગનારા દેખાઈ રહ્યા છે. ઉત્તરાણને ધ્યાનમાં રાખીને એક વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોની સત્યતા ચકાસવાની કોઈ જરૃર નથી કેમ કે જાણે- અજાણે આપણે સૌ વિડિયોની યાતનાના ભાગીદાર છીએ.

આ વાયરલ વિડિયોમાં એક કબૂતરનું બચ્ચું તેની માતાને કહે છે કે મમ્મી ભૂખ લાગી છે, ખાવા આપને, મમ્મી ખાવાનું આપ ને ! બચ્ચુ પાંખો ફફડાવી પોતાની માતાને કાકલૂદી કરે છે ત્યારે મા એમ વિચારે છે કે 'બેટા ઉત્તરાણની સિઝન ચાલે છે, હમણાં બહાર ન જવાય ! ખાવાનું તો મળશે પણ આપણો જાન જઈ શકે છે.' ઉતરાણમાં વપરાતી પાકી દોરીથી માતા ડરતી હતી. કેમ કે તે પાંખો પગ કાપી નાખી શકતી હતી.

બાળકની ભૂખ બરદાસ્ત ના કરી શકનાર મા ઉડીને ચણ લેવા ગઈ અને ત્યાં એક દોરીમાં તેની પાંખ ભરાઈ જાય છે ! કેટલાક દયાળુઓ મોબાઇલ વાન બોલાવે છે તેમાં કલાકો નીકળે છે. 'મા'ના રામ રમી જાય છે. પેલું ભૂખ્યું બચ્ચું કે જેને ઉડતા નથી આવડતું  તેનું શું થયું તે વિડિયોમાં નથી પણ લોકો સમજી જાય છે.

- આ કરુણ વિડિયો માનવ સમુદાયમાં રહેલી સંવેદનાને ઝંઝોળનારો છે. આપણા આનંદ માટે આપણે નિર્દોષ પક્ષીઓના બલિ ચઢાવીએ છીએ. ભગવાને માણસને વધુ બુદ્ધિ આપી છે જેથી તે વધુ સારું જીવી શકે પણ ભગવાને પૃથ્વી પરના અન્ય જીવોનું નિકંદન કાઢવાનું ક્યાંય કહ્યું નથી.

ઉતરાણ દરમ્યાન માણસ પોતાનું પ્રોટેક્શન શોધી લે છે પણ ઉતારણમાં અબોલ જીવોના રક્ષણ અંગે ક્યારેય વિચારતો નથી કપાયેલી પાંખોવાળી સમડીને એનીમલ હેલ્થ સેન્ટરમાં પડેલી જુઓ તો કમકમા આવી જાય છે. આકાશમાં ઊંચે ઉડતું આ પક્ષી દોરીથી નંદવાય છે અને ધડામ દઈને નીચે પડે છે તેની પાંખો સાંધવામાં આવે છે પણ પહેલાની જેમ તે ઉડી શકતી નથી. સમડીની જેમ કબૂતર, ચકલીઓ, પોપટ વગેરે તો પાંખો કપાયા પછી કૂતરાનો શિકાર બને છે.

પોતાના પ્રોટેક્શન માટે માણસ વાહનની આગળ મોટા યુ- આકારનો સળિયો લગાવે છે તેથી કોઈ દોરી તેનું ગળું ના કાપે, પતંગ ચગાવતી વખતે હાથ પરની આંગળીઓ પર ટોટી ચડાવી દે છે. આંખોને રક્ષવા ગોગલ્સ ઠઠાડી દે છે પણ તેમની પાકી દોરી અબોલ પક્ષીઓનું જીવન ટૂંપી નાખે છે.

આવા મુદ્દાઓ સામે દલીલ એવી થાય છે કે હિન્દુ તહેવારો આવે ત્યારે તેના પર આડકતરો વિરોધ થાય છે. જેમ કે દિવાળી આવે એટલે ફટાકડા ફોડવાથી પ્રદૂષણ થાય છે, શિવરાત્રિમાં દૂધ વેડફાય છે, નવરાત્રિમાં દૂષણો પ્રસરે છે, ઉતરાણમાં પક્ષીઓ સામે જોખમ ઉભું થાય છ, ગણપતિ ઉત્સવમાં ઘોંઘાટનું પ્રદૂષણ થાય છે વગેરે વગેરે....

આવી દલીલો પરંપરાના મોજા પર બેસીને આવે છે. હકીકતો તરફ મ્હોં ફેરવવાથી ક્યારેય તે છૂપાવી શકાતી નથી. દરેક તહેવારો ઉત્સાહ અને મનોરંજનથી ભરેલા હોય છે. માણસ પરંપરાઓને તોડી શકતો નથી અને તેને અટકાવવા મથતા લોકોને પણ સાંખી શકતો નથી.

ઉત્તરાણમાં પક્ષીઓની પાંખો કપાય તે તરફ બહુ ધ્યાન ના જાય પણ દોરીથી કોઈ માણસનું ગળું કપાઈ જાય તે તરફડીને મોતને ભેટે છતાં માણસની સંવેદના ના જાગે તે કેવું ?

ચાઇનીઝ દોરી આંગળી કાપી નાખવાની, માણસનું ગળું કાપી નાખવાની તાકાત ધરાવે છે તેની સામે સમડીની પાંખ કે કબૂતરની પાંખ કોઈ ટક્કર લઈ શકતી નથી. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકાય છે પણ તે કાગળ પર જ હોય તેમ લાગે છે. ચાઇનીઝ તુક્કલો પ્રતિબંધ છતાં ઉડે છે, વેચાય છે.

માણસ જો સાવ સંવેદનહીન હોય તો એ કમરેથી ઝૂકીને કીડીઓના દર ના પૂરે અને કાગડાને બોલાવીને ગાંઠિયા ન ખવડાવે કે તળાવની માછલીઓને ઘઉંની ગોળીઓ  ના ખવડાવે !!

જો કે, પાપ- પુણ્યની વાતો વચ્ચે માણસ અટવાયેલો છે. પૃથ્વી પરના અન્ય જીવોને તે પાળે- પોષે છે અને પોતાના મનોરંજન ખાતર તેનો અંત પણ લાવી દે છે. બહુ લાંબુ ના વિચારીએ તો પણ કાચ મિશ્રિત કડક દોરી કે ચાઇનીઝ દોરીનો સ્વયંભૂ બહિષ્કાર પણ આકાશમાં ઉડતા પક્ષીઓને થોડે અંશે બચાવી શકે છે જેને 'થોડામાં ઘણું' એમ કહી શકાય.

માણસ થોડો વિચિત્ર પણ છે, કબૂતરને ચણ નાખે છે ઘરની બહાર પક્ષીઓ માટે પાણીનું વાસણ રાખે છે, ગાય- કૂતરા માટે રોટલી બનાવે છે. કીડીઓના દર પૂરેે છે છતાં પોતાના આનંદ માટે તે અબોલ જીવોને વધેરી પણ નાંખે છે.

ઉતરાણની ઉજવણી દશેરા જેવી હોય છે ફાફડા- જલેબી ખાઈને જલસા કરો ! ઉતરાયણમાં પણ ઉંધિયા જલેબીની પરંપરા છે પરંતુ લોકોને ચિચિયારીઓ પાડવાનું વધુ પસંદ છે.

ઉતરાણમાં પતંગ કે દિવાળીમાં ફટાડકાનો વિકલ્પ શું ? સમાજ સુધારકોએ બ્રેઇન સ્ટ્રોમિંગ કરવાની જરૃર છે.

Comments