પંદર વર્ષે અમેરિકાને ખબર પડી કે પાકિસ્તાન 'ભોટ' બનાવે છે

- ભારત વારંવાર પાકના કરતૂત બતાવતું હતું

- અમેરિકાએ આંખો મીંચીને જોયા-વિચાર્યા વગર અબજોની સહાય કર્યા કરી

પાકિસ્તાન કોઇ રીતે પ્રશંસાને લાયક નથી પણ એક મુદ્દે આ નાદાર દેશની પ્રશંસા થવી જોઇએ. કેમ કે તેણે વિશ્વની મહાસત્તા અમેરિકાને ભોટ બનાવી છે, ઉલ્લુ બનાવી છે, મૂર્ખ બનાવી છે, એમ અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ ખુદ કહી રહ્યા છે.

વર્ષોથી પાકિસ્તાનની પીઠ થાબડનાર અમેરિકાએ પાકિસ્તાનની વિરૃધ્ધ બોલવાની તાકાત ઊભી કરી છે. એક સમયે જેની વિશ્વના તખ્તા પર કોડીની કિંમત નથી તેને અમેરિકા પોતાની બાજુમાં બેસાડીને હરખાતું હતું.

અમેરિકા પાકિસ્તાનમાં પોતાનો પગપેસારો મજબુત કરવા માગતું હોઇ તે પાકિસ્તાનના ત્રાસવાદ તરફી વલણ સામે આંખ મીચામણા કરતું આવ્યું છે. ભારતે પાકિસ્તાનના કરતૂતો તરફ વિશ્વનું, ખાસ કરીને અમેરિકાનું ધ્યાન વારંવાર દોર્યું હતું પરંતુ પાકિસ્તાનને ઓળખવામાં અમેરિકા થાપ ખાઇ ગયું હતું.

પાકિસ્તાન ત્રાસવાદી તરફી વલણ રાખે છે એ સમજતાં સમજતાં અમેરિકાને ૧૫ વર્ષ લાગ્યાં !! આટલો મોટો દેશ નાના દેશોને જ્યારે કોઇ સહાય કરે છે ત્યારે કઇ આચાર સંહિતાનો ઉપયોગ કરે છે તેની કોઇ ખબર નથી પડતી. પંદર-પંદર વર્ષથી અમેરિકા એમ સમજતું રહ્યું કે આપણે ત્રાસવાદ નાથવા પાકિસ્તાનને સહાય મોકલીએ છીએ તે યોગ્ય રીતે વપરાતી હશે.

જોકે પાકિસ્તાને આ સહાયના પૈસાથી ત્રાસવાદીઓના હાથ વધુ મજબુત બનાવ્યા હતા.હાફીઝ સઇદે જ્યારે પાકિસ્તાનમાં રાજકીય પક્ષ ઊભો કરવાની જાહેરાત કરી ત્યારે તેનો સૌથી વધુ વિરોધ અમેરિકાના ટ્રમ્પ શાસને કર્યો હતો.

પાકિસ્તાનને સહાય આપવાની બંધ કરવાના નિર્ણય પાછળનું સૌથી મોટું કારણ હાફીઝ સઇદ છે. પાકિસ્તાને હાફીઝ સઇદની આળપંપાળ કરી છે. હાફીઝને છૂટો દોર આપનાર પાકિસ્તાનના શાસકો હતા. હાફીઝ સામે કાયદેસરના પગલાં લઇને જેલમાં ધકેલવાના બદલે પાકિસ્તાનના સત્તાવાળાઓએ તેને મુક્ત કર્યો હતો.

અમેરિકાએ જ્યારે તાલિબાનોની પકડમાંથી અફઘાનિસ્તાનને છૂટું કરાવ્યું ત્યારે તાલિબાની ત્રાસવાદીઓ પાકિસ્તાન સરહદેથી ઘૂસીને સરહદના ગામડા પર સંતાઇ રહેતા હતા. અમેરિકી સૈનિકોએ સરહદના ગામડાના ઘરોમાં ઘૂસી-ઘૂસીને તાલિબાનીઓને બહાર કાઢ્યા હતા. તેમ છતાં ઘણાં બાંગ્લાદેશમાં તો ઘણાં પાકિસ્તાનમાં છુપાઇ ગયા હતા.

પાકિસ્તાન વૈશ્વિક સ્તરે બદનામ થઇ ગયું છે. હાફીઝ સઇદના કેસમાં; ત્રાસવાદીઓની આળપંપાળના કેસમાં પાકિસ્તાન ચહેરો છુપાવી રહ્યું છે. હવે જ્યારે નૉટોરીયસ પાકિસ્તાનને અમેરિકાએ સહાય આપવાની બંધ કરવાની જાહેરાત કરી છે ત્યારે વિશ્વના તખ્તા પર અમેરિકાએ લીધેલા પગલાંની પ્રશંસા થઇ રહી છે.

હકીકત તો એ પણ છે કે બે બિલાડીઓ વચ્ચેના ઝઘડામાં વાંદરો જજ બને એવો ઘાટ થયો હતો. વાંદરા (અમેરિકાએ) પોતાનો હાથ ઉપર રહે એટલે બંને બિલાડી ભારત અને પાકિસ્તાન સાથે અમેરિકા રમત રમતું હતું. ભારત અને પાકિસ્તાન બંને ચાલાક હતા. જોકે ભારત વૈશ્વિક રાજકારણ રમતમાં શીખી ગયું હતું એટલે તેણે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે દોસ્તી જાળવી રાખી હતી અને પાકિસ્તાન ત્રાસવાદી સંગઠનોને ટેકો આપે છે તે વાત પ્રસરાવે રાખી હતી.

વિશ્વની બે મહાસત્તા અમેરિકા અને ચીનને પાકિસ્તાન મૂરખ બનાવી રહ્યું છે. અમેરિકાને ૧૫ વર્ષે ખબર પડી છે જ્યારે ચીનને હવે ખબર પડશે. ચીનની પાકિસ્તાન સાથેની દોસ્તી પાછળનું મુખ્ય કારણ ભારત છે. ભારતની સધ્ધર બની રહેલી સ્થિતિથી ચીન અકળાય છે. એટલે તે પાકિસ્તાનને હાથો બનાવીને ભારતને ટાર્ગેટ બનાવે છે.

ભારત - અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના ત્રિકોણીયા જંગમાં ભારત બાહોશ પુરવાર થયું છે. પાકિસ્તાનને મફતમાં મળતી અમેરિકી સહાય પર બ્રેક વાગી છે. અમેરિકાના પ્રમુખે જાહેરમાં કબૂલ્યું છે કે ત્રાસવાદ સામે લડવા માટે અપાતા ભંડોળનો ઉપયોગ પાકિસ્તાને ત્રાસવાદની જડ મજબૂત કરવા માટે કર્યો છે.

પાકિસ્તાનના શાસકો હવે ચીન તરફ વધુ ઢળશે કેમકે ચીનને માઈ-બાપ કર્યા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી. અમેરિકામાં ઓબામા પ્રમુખ પદે હતા ત્યારે ઓસામા બીન લાદેનને પાકિસ્તાનમાં શૂટ કરીને દરીયામાં ફંગોળી દીધો હતો. ત્યારે જ અમેરિકાએ સમજી જવું જોઈતું હતું કે પાકિસ્તાન માથાભારે ત્રાસવાદીઓને આશરો આપે છે. ભારતે હવે અમેરિકાને સાથે રાખીને મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમને ઉંચકી લાવવાની જરૃર છે.

જ્યારે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે અબજો ડૉલરની સહાય અંગે ડખો થાય અને અમેરિકા સહાય આપવાનું બંધ કરે એટલે ભારતના મોંઢા પર સ્મિત ફરકે એ સ્વભાવિક છે.

Comments