ઘટતો GDP, વધતો સેન્સેક્સ નોટબંધી અને GSTની અસર

- ઓઈલના  વધતા ભાવો જોખમ વધારશે

- રોજીંદી ચીજોના ભાવોમાં વધારાની સીધી અસર કોમનમેનને થાય છે

ભારતની વિકાસયાત્રા અર્થાત્ જીડીપી ઘટીને ૬.૫ ટકા થયો છે તે આઘાતજનક છે તો બીજી તરફ સેન્સેક્સ 33 હજારને કૂદાવીને આગળ નીકળી ગયો છે અને શિયાળુ શાકભાજી એકંદરે સસ્તાં થયા છે. કોમનમેન (70%) લોકોને રોજીંદાજીવનમાં  ઉપયોગમાં આવતી ચીજોના ભાવો પર નજર હોય છે. જીડીપી વધે કે ઘટે તેના કરતાં વધુ રસ કોમનમેન ને રોજીંદી  ચીજોના ભાવમાં હોય છે.

કોમનમેનને પેટ્રોલ-ડીઝલમાં થતા ભાવવધારાની અસર થાય છે. તેનું માસિક બજેટ ખોરવાઈ જાય છે. જીડીપીની અસર ભારતના આર્થિક તંત્ર પર અને આર્થિક ઈમેજ પર પડે છે પરંતુ કોમનમેન પર જીડીપીના વધારા-ઘટાડા અંગેની કોઈ સીધી અસર નથી પડતી.

કેન્દ્ર સરકાર સામે જોખમી મુદ્દો ઓઈલના વધતા ભાવો છે. ઈરાનમાં અશાંતિના પગલે ઓઈલના ભાવો વધે છે. ભારતનું અર્થતંત્ર ઓઇલના વધતા ભાવોમાં લપસીના પડે ના પડે તે જોવાનું છે.

આર્થિક તંત્રના સૌથી વધુ અભ્યાસી કોમનમેન છે એમ કહી શકાય. સવારે શાક કે જીવનજરૃરી ચીજોની ખરીદી કરતી વખતે જ તેને ભાવો વધશે એવો સંકેત મળી જાય છે. ગામડામાં રસ્તા બંધ હોય કે બહુ વરસાદ પડયો હોય તો પણ શાકભાજીના ભાવ વધી જાય છે. આ ટેમ્પરરી વધારો છે એ પણ તે કોમન મેન જાણી જાય છે.

જેમને દર મહિને આવક-જાવકના છેડા મેળવીને તેમાંથી મકાનનો કે વ્હીકલનો હપ્તો ભરવાનો છે તેમને તો બજારના વધતા-ઘટતા ભાવોની સીધી અસર થાય છે.

જીડીપી શા માટે ઘટી રહ્યો છે તેની મૂંઝવણ સરકારના ચહેરા પર વર્તાય છે. ઘટતો જીડીપી ભારતમાં આવતું રોકાણ અટકાવી શકે છે અને વૈશ્વિક તખ્તા પર ભારતની શાખ ઘટાડી શકે છે. જીડીપી એ ભારતની વિકાસયાત્રાનું મહત્ત્વનું અંગ છે.

બજારમાં તમે શુટ પહેરીને ફરતા હોય અને પગે પોલીસ કરેલા બુટ હોય પરંતુ ખિસ્સામાં પાણી પીવાના પૈસા ના હોય તે શું કામનું ? અર્થશાસ્ત્રીઓ આ રીતે જીડીપીની મહત્ત્વતા બતાવે છે.

રોજીંદા  જીવનમાં કેટલાક લોકો એવા ખર્ચા કરે છે કે તે બીનજરૃરી હોય. હાઈ-ફાઈ લગ્નો, છાશવારે થતી આતશબાજી, વારે-તહેવારે પર્યટન માટેના સ્થળો પર ધસારો વગેરેમાં થતા ખર્ચા જોઈને એમ લાગે કે મોંઘવારી ક્યાંય દેખાતી નથી. 

ઉદાહરણ તરીકે ૩૧મી ડિસેમ્બરની રાત્રે કરોડો રૃપિયાના ફટાકડા ફૂટયા એટલે કરોડો રૃપિયાનો ધૂમાડો થઈ ગયો હતો. આવા ખર્ચા સરકાર નથી અટકાવી શકતી પણ લોકોએ જાતે જ કેટલાક ખર્ચા પર કાપ મુકવાની જરૃર છે.

બેંકોએ કોમનમેનને સાથ નથી આપ્યો. કોમનમેનને ધક્કા ખવડાવતી બેંકોએ નામીચા લોકોને  આડેધડ પૈસા ફાળવ્યા હતા. જેના કારણે એનપીએ કરોડો રૃપિયા પર પહોંચ્યું છે.

ડીફોલ્ટરો પાસેથી પૈસા કઢાવવાની તાકાત બેંકો પાસે નથી. અનેક કંપનીઓ આર્થિક દેવાળીયું ફૂંકી ચૂકી છે જેના કારણે બેંકો પર બોજ વધ્યો છે. બોજા હેઠળની બેંકોને સરકારે વિવિધ સવલતો આપીને ધબકતી રાખી છે.

તૂટતો જીડીપી અટકાવવા કોમનમેન કશું ના કરી શકે, આ માટે સરકારે જ મેન્યુફેકચરીંગ ક્ષેત્રને સુધારવું પડશે અને ઈન્ફ્રાસ્ટ્રકચરના નવા પ્રોજેક્ટ ઊભા કરવા પડશે.

એક તરફ  સેન્સેક્સ વધી રહ્યો છે તો બીજી તરફ જીડીપી ઘટી રહ્યો છે. અર્થશાસ્ત્રીઓ માટે આ ચિંતાનો વિષય છે. વિશ્વના રોકાણકારો જીડીપી જોઈને રોકાણ કરે છે જ્યારે નાનો સ્થાનિક રોકાણકાર વધતો સેન્સેક્સ જોઈને હરખાય છે.

સરકાર હજુ નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસટેક્સના અમલીકરણમાં કરેલી ઉતાવળને સમજતી નથી.  નોટબંધી પછી પણ ઉત્તરપ્રદેશમાં ભારત જંગી બહુમતીએ જીત્યું હતું પરંતુ જીએસટીના અમલ પછી આવેલ ગુજરાતની ચૂંટણીઓ જીતતા ભાજપને આંખે પાણી આવી ગયા હતા.

મોદી સરકારે પાયાની જરૃરીયાતોને પ્રાધાન્ય આપવાના બદલે બુલેટટ્રેન લાવવાની વાતો કર્યા કરી જે પ્રજાને ગળે ઉતરે એવી નહોતી.

જ્યારે દેશમાં કૃષિ અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રે ઉત્પાદન ઘટે ત્યારે તેની  સીધી અસર રોજગારી પર થાય છે. એટલે જ નબળો જીડીપી એટલે આપણે કેટલા ટકા ? તે ભાવમાંથી બહાર નીકળવાની જરૃર છે. નબળા જીડીપીનો રેલો ધીરે-ધીરે તમારા ઘરના ખર્ચને વધારશે તે નક્કી છે.

Comments