જબ તક જેલમેં રહેગા 'લાલુ', તબ તક બિહાર ખાયેગા ' ગુલાબ જાંબુ'

- લાલુ પ્રસાદની જેલથી કોંગ્રેસને પણ ફટકો

- 2019ના લોકસભા જંગમાં યુપીએના પ્રચારમાં લાલુ પ્રસાદની હાજરી નહીં હોય

૨૦૧૯ના લોકસભાના જંગમાં યુપીએ ગઠબંધને લાલુ પ્રસાદ યાદવ વીના પ્રચારમાં ઉતરવું પડશે. જે લાલુ પ્રસાદ તેમના તડ-ફડ ભાષણો માટે જાણીતા છે તે જેલવાસ ભોગવતા હશે.

લાલુ પ્રસાદ ઉપલી કોર્ટમાં જવાના છે પણ આજની સ્થિતિ એ છે કે તેમની સાડા ત્રણ વર્ષની જેલના કારણે તે ૨૦૨૧ના વર્ષમાં છૂટશે. હજુ તેમની સામે બીજા કેસો પેન્ડીંગ છે.

યુપીએ ગઠબંધને એક સારો વક્તા ગુમાવ્યો છે અને એનડીએ પાસે લાલુ પ્રસાદ યાદવની જેલનો મુદ્દો સામે ચાલીને આવ્યો છે. ક્રિકેટની ભાષામાં વાત કરીએ તો ચૂંટણી જંગ પહેલાં જ યુપીએની મહત્વની એક વિકેટ પડી ગઇ છે.

ડોકટરનો દિકરો ડોકટર બને, વેપારીનો દિકરો-દિકરી વેપારમાં ઝંપલાવે, રાજકારણીના સંતાનો રાજકારણમાં આવે જ્યારે ભ્રષ્ટાચારીના સંતાનો ભ્રષ્ટાચારી બને છે. લાલુ પ્રસાદ યાદવનું ભ્રષ્ટાચારી કલ્ચર તેમના સંતાનોએ આગળ વધાર્યું છે. લાલુ પ્રસાદ યાદવને સાડા ત્રણ વર્ષની જેલની સજા સંભળાવાઇ છે, તેમની દિકરી 'મીસા' સામે ફેરા ભંગના કેસનો ગાળીયો ટાઇટ થાય છે જ્યારે પુત્રો સામે ગેરકાયદે બાંધકામની ફરિયાદો છે.

'જબ તક રહેગા સમોસે મેં 'આલુ'
તબ તક બિહારમાં રહેગા 'લાલુ'

આ સ્લોગન લાલુ પ્રસાદ યાદવે પોતે જ બનાવ્યું હતું. આ સ્લોગન સામે ભાજપના સુશીલ મોદીએ લખ્યું છે કે -

'જબ તક જેલ મેં રહેગા લાલુ
તબ તક બિહાર ખાયેગા આલુ..'

સમોસા કે આલુના વિવાદમાં ના પડીએ તો પણ એ સ્વીકારવું જોઈએ રાજકારણીઓ જાડી ચામડીના હોય છે. સાડા ત્રણ વર્ષ જેલની સજા સાંભળ્યા બાદ લાલુએ તેમની પુત્રી મિસાને ફોન પર શાંત્વન આપ્યું હતું કે આપણે ડરવાનું નહીં, કોર્ટમાં લડી લેવાનું !!

બિહારમાં લાલુ પ્રસાદ યાદવને સૌથી મોટી પછડાટ કોઇએ આપી હોય તો એ નિતીશ કુમાર છે. જેવો નીતીશે લાલુનો હાથ છોડીને ભાજપનો હાથ પકડયો તે સાથે જ લાલુના પતનની શરૃઆત થઇ ગઇ હતી. સત્તા વિના આ કુટુંબ ગુંગળાઇ ગયું હતું.

સૌથી શરમજનક સ્થિતિ તો યુપીએ ગઠબંધનની થઈ છે. તેમની સૌથી મોટી અને સૌથી બોલકી પ્રતિભા લાલુ પ્રસાદ યાદવને ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં જવું પડયું છે. તેમની પુત્રી મીસા સામે પણ કેસ ચાલે છે. બિહારમાં તેમના પુત્રો પણ ભ્રષ્ટાચારી સાબિત થઇ રહ્યા છે.

એનડીએ સરકાર સાથે નીતીશે એટલા માટે છેડો ફાડયો હતો કે તે વડાપ્રધાન પદે ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને સ્વીકારવા તૈયાર નહોતા.

એનડીએ સાથે ટેકો તોડીને તેમણે ભાજપને બહુ મોટો ફટકો માર્યો હતો. જો કે મોદી વડાપ્રધાન બન્યા હતા જયારે બિહારમાં નીતીશ મુખ્ય પ્રધાન બન્યા હતા. બિહારમાં લાલુના પુત્રનું શોપીંગ મોલનું કૌભાંડ સપાટી પર આવતાં જ નીતીશ છંછેડાયા હતા. તેમણે લાલુ પુત્રના ભ્રષ્ટાચારને સાથ નહોતો આપ્યો અને લાલુ સાથે દોસ્તી તોડી હતી. ફરી નીતીશે ભાજપ સાથે હાથ મીલાવ્યા હતા. આ ઘટના કોંગ્રેસ માટે આઘાતજનક હતી.

અહીં વાચકોનું ધ્યાન દોરવાનું કે લાલુ પ્રસાદનો પક્ષ આરજેડી સાથે બિહારમાં કોંગ્રેસ જોડાયેલી છે. લાલુ પ્રસાદને જેલની સજા એ કોંગ્રેસ માટે મોં છુપાવવા સમાન છે. લાલુ પ્રસાદ યાદવ એ યુપીએના સક્રિય સાથીદાર છે.

યુપીએ ગઠબંધનમાં બે મહત્વના પક્ષો હતા. એક રાષ્ટ્રીય જનતા દળ અને બીજો તૃણમુલ કોંગ્રેસ. હવે લાલુ પ્રસાદ જેલમાં છે ત્યારે તેમના સાથીઓ કે સંતાનો યુપીએની મદદમાં આવી શકે એમ નથી. યુપીએ પાસે હવે મજબૂત પક્ષ તરીકે તૃણમુલ કોંગ્રેસના મમતા બેનરજી છે. ટૂંકમાં પ્રચાર કરી શકે એવો કોઇ મજબુત સાથી પક્ષ નથી.

ભાજપે બિહારમાં બે ટોચના રાજકારણીનું નાક કાપ્યું છે. એનડીએ સરકારના પ્રખર વિરોધી એવા નીતીશકુમાર એક સમયે યુપીએ ગઠબંધનનું મોટું માથું હતા.

વિપક્ષમાં તે વડાપ્રધાન પદના ઉમેદવારનો દાવો કરી શકે એમ હતા. જો કે રાજકીય ઉથલો એવો આવ્યો કે નીતીશ કુમાર એનડીએમાં જતા રહ્યા અને કોંગ્રેસના ટેકાવાળા રાષ્ટ્રીય જનતા દળે બિહાર ગુમાવવું પડયું હતું.

લાલુ પ્રસાદ સામેના ભ્રષ્ટાચારના ચાર કેસો પૈકી હજુ એક પર જ સજાનું એલાન થયું છે. તેમની સામેના બીજા કેસોના ચુકાદા આવશે ત્યાં સુધીમાં તો મીસા ભારતી સામે પણ સજા જાહેર થઇ ગઇ હશે. લાલુ પ્રસાદના પક્ષ પાસે બિહારમાં મોટી બહુમતી છે. પરંતુ પક્ષ ચલાવવાની આવડત ધરાવતો કોઇ ફેમીલી મેમ્બર નથી.

Comments