- 2001માં ધરતીકંપ પછી શ્રધ્ધાળુઓ વધ્યા હતા
- નેતાઓની મુલાકાતનું માર્કેટીંગ કરતા વહીવટકારો : ઉમેદવારોની સંખ્યા પ્રમાણેના કમળ
ગુજરાતમાં ૨૦૦૧માં ભૂકંપ આવ્યા પછી લોકોની ભગવાન પ્રત્યેની આસ્થામાં વધારો થયો હતો એમ રાહુલ ગાંધી જેવા ટોચના નેતાઓ ચૂંટણીજંગ જીતવા સોમનાથ, ડાકોર દર્શને જાય ત્યારે કોમન મેન પણ મંદિરમાં શ્રધ્ધા દ્રઢ બનાવતો થઈ જાય એ સ્વભાવિક છે.
રાહુલ ગાંધીને કલ્પના બહારનું પરિણામ મળ્યું છે. સુષુપ્ત અવસ્થામાં સરકી પડેલી કોંગ્રેસે ગુજરાતના પરિણામોથી નવજીવન પ્રાપ્ત કર્યું છે. ચૂંટણી જીતવાની તમામ ટ્રીક્સ અપનાવે તે જ ખરો રાજકારણી !!
રાહુલ ગાંધી ચૂંટણી પહેલાં અને પરિણામો પછી સોમનાથ ગયા હતા. એ વાત અલગ છે કે દરેક મંદિરોમાંથી તેમને 'વિજયી ભવ'ના આશિર્વાદ મળ્યા હતા. કોંગ્રેસ ભલે સત્તા ના મેળવી શકી પણ તે હારીને પણ જીતી છે. કોંગ્રેસને સૌથી મોટો લાભ નવસર્જન થયો છે. આગામી વર્ષે આવનારી ૮ રાજ્યોના જંગમાં તે વધુ આત્મવિશ્વાસ સાથે જંગમાં ઉતરશે.
ગુજરાતની ચૂંટણીઓમાં ઉભેલા તમામ ઉમેદવારો અને તેમના સંબંધીઓએ જીતવા માટે વિવિધ મંદિરોમાં બાધા રાખી હતી અને ભૂવાઓને ધૂણાવ્યા હતા. મંદિરે જવાની બાધા ઉમેદવારો ઉપરાંત તેમના કુટુંબીજનો વધુ રાખતા હોય છે.
ભાજપે ચૂંટણી જંગ જીત્યા પછી બાધા રાખેલા મંદિરોની યાદી બનાવી છે. કહે છે કે બાધા પુરી પણ સમયસર કરવી જોઈએ. એટલે જ પરિણામો પછી એક મહિનામાં બાધા પુરી કરવા વિધાનસભ્યો દોડી રહ્યા છે.
ઘણાં રાજકારણીઓ એવી સુફીયાણી વાતો કરતા હોય છે કે અમે તો કામથી જીતીએ છીએ, ભગવાન-બગવાનની બાધામાં અમે નથી માનતા, આવા લોકો મતદાન થઈ જાય પછી પરિણામ આવે તે દરમ્યાનના ચાર-પાંચ દિવસના ગાળામાં એવા ગભરાયેલા ફરે છે કે બંધ રૃમમાં ભગવાનના ફોટા આગળ વિનવણી કર્યા કરે છે.
આ વખતે જીતાડી દો ભગવાન, બસ છેલ્લીવાર જીતાડો હું પ્રજાની સેવા કરીશ !! ભગવાન ક્યારેક રીઝે છે તો ક્યારેક ઠેબે ચઢાવે છે.
જ્યારે ટોચના નેતાઓ કે સેલિબ્રીટી ભગવાન સામે બે હાથ જોડીને ઉભા રહે છે ત્યારે કોમનમેન પણ તેમનું અનુકરણ કરતો થાય છે. કોમનમેન કે સેલિબ્રીટી બંનેની સમસ્યા એક સરખી હોય છે. બંને ભગવાન પાસે પૈસો અને સત્તા માગે છે.
રાજકારણીઓ માને છે કે સત્તા હશે તો 'લક્ષ્મી' સામે ચાલીને આવશે. એટલે જ દરેક પક્ષ સત્તા મેળવવા રાજકારણના દરેક આટાપાટા રમે છે. કોમનમેનને સત્તામાં નહીં પણ પૈસામાં રસ હોય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે જીતે તો જેટલી બેઠકો મળે એટલા કમળ ડાકોરમાં ભગવાન રણછોડરાયને પદયાત્રા કરીને ચઢાવવાની બાધા ભાજપે રાખી હતી. જ્યારે ભાજપ જીત્યું ત્યારે અમદાવાદથી એક મહાપદયાત્રા સંઘ નીકળ્યો હતો. જેમાં - ધજાઓ અને સાથે - કમળો પણ હતા. રંગે-ચંગે નીકળેલા આ સંઘમાં કોર્પોરેટરોનાં સગા-સંબંધીઓ પણ જોડાયા હતા.
ગુજરાતમાં આ વખતે ભાજપ હારતાં-હારતાં બચ્યું છે. ભાજપને હારવાના અનેક કારણો હોવા છતાં તે જીત્યું તે ચમત્કાર કહી શકાય. એટલે જ ભાજપની સરકારે શપથ લીધા પછી પ્રધાનો અને વિધાનસભ્યો પોતાના ગુરૃઓની અને ભગવાનની વંદના અને આભાર માનવા નીકળી ગયા હતા.
ગુજરાત ભાજપના વિધાનસભ્યો અજમેર-શરીફની બાધા પણ રાખતા હતા. વિજય મળ્યા પછી ઓછામાં ઓછા ડઝન વિધાનસભ્યો અજમેર ગયા હોવાની ચર્ચા થાય છે.
ભગવાનમાં શ્રધ્ધા રાખવી આવકારદાયક પગલું છે. જ્યાં અનિશ્ચિતતા ભરી સ્થિતિ છે ત્યાં ભગવાન છે. રાજકારણીઓની બાજી મતદારોના હાથમાં હતી, જો મતદાર મોંઢું ફેરવી લે તો રાજકારણી લીલા તોરણે ઘેર પાછો ફરે છે.
ભગવાનમાં શ્રધ્ધા રાખીને આગળ વધવું એ રાજકારણીઓ પ્રજાને શીખવે છે. ચૂંટણી દરમ્યાન દરેકને સોમનાથ, અંબાજી, ડાકોર જેવા પવિત્ર યાત્રાધામોના દર્શન કરવા મળ્યા હતા. ભગવાનના મંદિરમાંથી દરેકને 'વિજયી ભવ'ના આશિર્વાદ મળે છે પરંતુ પરિણામ આવે ત્યારે દરેકને તેના કર્મ પ્રમાણેનું ફળ મળી જાય છે.
મંદિરનું મેનેજમેન્ટ પણ નેતાઓને પોતાને ત્યાં બોલાવીને લાલજાજમ પાથરે છે. આ મેનેજમેન્ટ જાણે છે કે મંદિરનું લાઈવ ટેલિકાસ્ટ પણ થશે અને હજારો લોકો તે નીહાળશે. રાજકીય નેતાઓની મુલાકાતનું માર્કેટીંગ મંદિરો કરતા હોય છે.

Comments
Post a Comment