- ઉતરાયણ આડે બે દિવસ પણ મંદીની અસર
- રાજકીય આકાશમાં બારેમાસ ઉતરાયણ હોય છે : ઘસીને કાપનારા રસિક હોય છે
રવિવારે ઉતરાયણ છે. રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ જશે, ઠેરઠેર આનંદની ચીચીયારીઓ સંભળાશે. અહીં રાજકીય આકાશની વાત કરીએ તો અનેક પક્ષોના પાવલા-ઘેંસ્યા ચઢતા હોય છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે સતત પેચ ચાલતા હોય છે.
વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઉત્તર કોરીયા વચ્ચે પેચ ચાલે છે, તો અમેરિકા પાકિસ્તાનના પતંગને નીચે ઉતારવા નાક દબાવે છે. એવી જ રીતે અમેરિકામાં સુખેથી રહેતા ગુજરાતીઓના વિઝા કાપવા ડોનાલ્ડ ટ્રમ્પનો પતંગ સૂસવાટા મારી રહ્યો છે.
ઉતરાયણનો 'ચાર્મ' ક્યાંય જોવા મળતો નથી. એક તરફ મંદી છે તો બીજી તરફ પક્ષીઓની પાંખો બચાવવાના અભિયાનની પણ અસર થઈ રહી છે. ઉતરાણ ઉજવવાનો ઉત્સાહ ઓસરતો જાય છે. પેઢી દર પેઢી આ ઉત્સવનો ચાર્મ ઘટી રહ્યો છે.
આમ કરો, તેમ ના કરો, બૂમો ના પાડો... કરૃણા બતાવો જેવી સલાહોથી લોકો થાકી ગયા છે. ઉતરાણની રાત્રે તુક્કલ-બલૂન ઉડાડવા પર પ્રતિબંધ છે. પ્રતિબંધ શબ્દ જ કોમનમેનના માથા પર અફળાય છે. દરેક તહેવારો વખતે પ્રતિબંધનો દીવડો પછાડતી ટોળકી આવી જાય છે અને લોકોનો આનંદ લૂંટી લે છે.
ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરનારાને સરકાર પકડે છે પરંતુ આ ખતરનાક દોરી ભારતમાં પ્રવેશે છે કેવી રીતે? સરકાર ચાઈનીઝ દોરી અને પતંગને ભારતમાં પ્રવેશવા દે છે તે જ સૌથી મોટું કૌભાંડ છે. ચાઈનીઝ ચીજો ભલે સસ્તી મળતી હોય પણ તેના દોરી-પતંગ-તુકલ તો સૌ વખાણતા હોય છે.
ઉતરાયણ અને બીજો દિવસ વાસી ઉતરાયણ એમ બંને દિવસોએ પતંગ રસીયાઓ આનંદ લૂંટશે.
જો કે કેટલાક પતંગો બારેમાસ આકાશમાં ચડતા હોય છે. પતંગ કાપનારાની ઓળખ તે કેવી રીતે કાપે તે પરથી થાય છે. જે ઘસીને (ખેંચીને) કાપે છે તે રસીક હોય છે, ઢીલીયા મુકનાર આનંદી હોય છે.
રાજકીય આકાશમાં બારેમાસ ઉતરાયણ જોવા મળે છે. સતત ચડસા-ચડસી, આક્ષેપોનો મારો અને એકબીજાને ઉતારી પાડવાના કાવા-દાવા વગેરે સતત જોવા મળે છે. રાજકારણના આકાશમાં નાના ફૂદાં પણ મોટા પાવલાને કાપવાની વાતો કરતા હોય છે. દરેક એકબીજાના પતંગ કાપવામાં વ્યસ્ત હોઈ દેશની મૂળ સમસ્યાઓ ઠેરની ઠેર રહે છે.
રાજકીય આકાશમાં પતંગ સ્થિર રાખવો એ બહુ આસાન નથી, સાવ નવોદિત પણ પતંગ કાપવાની ચેષ્ઠા કરી શકે છે.
ઉતરાયણમાં દાનના મહિમા કરતાં પતંગનો ક્રેઝ આગળ નીકળી ગયો છે. આરોગ્યવર્ધક તલના લાડુ લોકો તૈયાર લાવતા થયા છે. ખીચડાની જગ્યાએ તૈયાર ઉંધીયા-જલેબીએ સ્થાન લઈ લીધું છે.
એક સમય હતો કે જ્યારે ઉતરાયણનો માહોલ ૧૦ દિવસ પહેલાં શરૃ થઈ જતો હતો, દોરી રંગાવાથી માંડીને ઉતરાયણ કોના ધાબે જઈને કરવી તેની પણ ચર્ચા થતી હતી. ઉતરાયણ એકમાત્ર તહેવાર એવો છે કે જે દાન-ધર્મ સાથે ચીચીયારીઓ પાડવાનો આનંદ પણ આપે છે.
ચારે બાજુ કોણ-કોને કાપશે તેની ચર્ચા ચાલે છે. અમેરિકામાં હજારો ગુજરાતીઓના માથા પર હકાલપટ્ટીની તલવાર લટકે છે તો વૈશ્વિક સ્તરે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગે છે. કિમ જોંગ અને ટ્રમ્પના પતંગો એકબીજાને કાપવા મથે છે. બંને એકબીજાને અમારી દોરી પાકી છે એમ કહીને લલકાર્યા કરે છે.
અમેરિકા ત્રણ પતંગો કાપવા માગે છે. એક ઉત્તર કોરીયા, બીજું પાકિસ્તાન, ત્રીજું ભારતીયોના વિઝા રદ્દ કરવા!!
નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના પતંગ સતત સૂસવાટા મારતા હોય છે. મોદીની ફીરકી પકડનારા ૧૮ રાજ્યો છે જ્યારે રાહુલની ફીરકી પકડનારા બહુ ઓછા રાજ્યો છે. કોણ જાણે કેમ પણ ભારતના રાજકીય આકાશમાં ક્યારેય શાંતિ જોવા નથી મળતી. દરેકનો એક જ આશય છે કે સામાવાળાને ઓફીશ્યલી હરાવો કે લંગસીયા નાંખીને ગેરકાયદે હરાવો!!
ઉતરાયણમાં પતંગ કાપવાની ટ્રીક્સ બહુ ઓછા લોકોને આવડે છે. જેને પતંગ ચઢાવવાનો અને કાપવાનો શોખ હોય એ રાજકારણમાં વધુ સફળ થાય છે.
પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશે ત્યારે મકર સંક્રાંતિ થાય છે. કર્ક રાશિમાં પ્રવેશે ત્યારે કર્ક સંક્રાંતિ થાય છે. ધન રાશિમાં સૂર્ય પ્રવેશે ત્યારે ધન સંક્રાંતિ થાય છે. સૂર્યમકર રાશિમાં પ્રવેશે ત્યારે ધર્નુમાસની સમાપ્તિ થાય છે.
આપણા શાસ્ત્રો અનુસાર ઉતરાયણથી શુભ કાર્યોની શરૃઆત થાય છે. બાલીશૈયા પર સુતેલા ભીષ્મએ ઉતરાયણની પ્રતિક્ષામાં મૃત્યુ રોકી રાખ્યું હતું.
જો કે ધાર્મિક એંગલથી ઉતરાયણને સમજવા કોઈ તૈયાર નથી. પતંગ રસીયાઓની સંખ્યા ઘટતી જાય છે. ઉતરાયણની રજામાં એક કુટુંબમાંથી ૩૦ ટકા લોકો ધાબ પર જઈ ઉતરાયણનો આનંદ ઉઠાવે જ્યારે ૭૦ ટકા લોકો ઘરમાં બેસીને રજાનો આનંદ ઉઠાવે છે.

Comments
Post a Comment