પ્રજાએ જેના પર ભરોસો મૂક્યો હતો તેની અવદશા
વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઓળખાતા ભારતનો રથ એક વ્હેંત નીચે
મોટા ઘરોમાં ભાગલા પડે તો તે દરેકની નજરમાં આવે છે. સુપ્રીમ કોર્ટની આવી જ દશા છે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ભારત વિશ્વમાં સન્માન મેળવી રહ્યું છે તે લોકશાહીના એક મહત્ત્વના પાયા પર તેના જ જવાબદાર લોકો હથોડા ફટકારી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં બધું વ્યવસ્થિત નથી ચાલતું એમ કહીને ચાર નામાંકિત ન્યાયમૂર્તિઓએ કાઢેલી બળતરા એ હકીકતે તો બળવા સમાન છે.
આ બળવાની ઘટનામાંથી પોતાનો લાભ ખેંચવા જોવા મળતા રાજકીય નિવેદનો અને ઓપિનીયન આપનારાઓ તો વાણીવિલાસ તેમજ બફાટ પણ કરતા જોવા મળ્યા હતા. દરેક એમ ઇચ્છે છે કે સુપ્રીમ કોર્ટની વિશ્વસનીયતા સામે ઉભો થયેલો ચક્રવાત વહેલી તકે શમી જાય ! એક સાથે ચેમ્બરમાં બેસીને મહત્ત્વના કેસો ચર્ચનાર ચીફ જસ્ટીસની સામે આવી ગયા છે આખી ઘટના શરમજનક છે.
જે સુપ્રીમ કોર્ટને પ્રજાએ ભગવાનની કક્ષાએ મૂકી હતી તે ભગવાનો અંદરોઅંદર લડી રહ્યા છે. પેન્ડિંગ કેસોનો વહેલી તકે નિકાલ કરવામાં આ લોકો હૂંસાતૂંસી કરત તો પ્રજા પણ તેમની સાથે જોડાત પણ અહીં તો સર્વોચ્ચ ન્યાયમૂર્તિની ટીકા કરવા બધા ભેગા થયા હતા જેથી પ્રજાનો ટેકો મેળવી શકતા નથી; ત્યારે એમ થાય કે દેશના આ જવાબદાર લોકો કોઈ માનવ સેવાની સંસ્થાના ટ્રસ્ટીઓ મેઇન ટ્રસ્ટી સામે નારાજગી વ્યક્ત કરે એવું લાગે છે.
જો કે ચાર ન્યાયમૂર્તિઓએ એવો બળાપો કાઢ્યો કે પ્રજાના મનમાં સમગ્ર ન્યાયતંત્ર સામે નફરત ઉભી થઈ ગઈ છે. પ્રજાનો ભરોસો ફરી કાયમ કરવા સુપ્રીમ કોર્ટે ઘણાં પ્રયાસો કરવા પડશે.
ન્યાયતંત્ર રાજકારણીઓના પ્રભાવવાળું હોય એ સ્થિતિ દિવંગત ઇન્દિરા ગાંધીના કાળમાં કટોકટી દરમ્યાન જોવા મળી હતી. ન્યાય તંત્ર પરની આ કાળી ટીલી અને ઘા દેશ ભૂલી ગયો હતો. ટીલીને કોઈ યાદ કરતું નથી અને ઘા પણ ક્યારના ય રૃઝાઈ ગયા છે. જો કે ન્યાય તંત્ર પર ગયા અઠવાડિયે પડેલો ઘા રૃઝાતા લાંબો સમય લાગે છે.અમે બહું સહન કર્યું, ૨૦ વર્ષ પછી કોઈ અમને પૂછશે તો અમારો ખુલાસો કરીશું, અમારા આત્માનો અવાજ વગેરે કહીને દેશની સર્વોચ્ચ અદાલતના ચાર ન્યાયમૂર્તિઓ બળાપો જાહેરમાં વ્યક્ત કરે તે સ્થિતિ લોકશાહીમાં ગુંગળામણ સમાન છે.
જે ચાર જજોએ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને ચીફ જસ્ટીસ દિપક મીશ્રા તરફ આડકતરી રીતે આંગળી ચીંધી છે એ ચારેય જજોની કુંડળી બજારમાં ફરતી થઈ ગઈ છે. આ ચારમાંથી ત્રણ તો ડાબેરી વિચારસણીનો ટચ ધરાવે છે. તો એક કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનનો પુત્ર છે. કોઈએ પોતાનો અંગત સ્વાર્થ આગળ ધર્યો હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ જાહેરમાં લૂગડાં ધૂએ ત્યારે આશ્ચર્ય સાથે આઘાત લાગે છે. ચાર સિનિયર જજોએ કરેલી પ્રેસ કોન્ફરન્સ જોઈને મોદી સરકાર ડઘાઈ ગઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં કોઈ જ એન.ડી.એ સરકાર કે વડાપ્રધાન મોદીની ન્યાયતંત્રમાં ચંચૂપાત છે કે કેેેમ તે અંગે કોંઈ બોલે તેના પર સૌની નજર હતી કે જેમાં પ્રજાને કે સરકારને કોઈ નિસ્બત નહોતી. સરકારની ઇમેજ કે પ્રજાનો ભરોસો એ બંનેની કોઈને ફિકર નહોતી.
ન્યાયમૂર્તિઓને 'રાજા' જેવું સન્માન મળવા લાગ્યું હતું. કોઈ તેમના નિર્ણયો સામે આંગળી ના ચીંધી શકે એવી હિંમત ધરાવતું નહોતું. કેટલીક કોર્ટના પ્રારંભિક વલણ સામે ટીકા- ટીપ્પણી નથી થઈ શકતા કેમ કે તે બાબત સબ જ્યુડીસ અર્થાત્ કોર્ટમાં હોઈ તે અંગે ચર્ચા કરી શકાતી નહોતી. કોર્ટે પોતે જ પોતાની આચારસંહિતા તૈયાર કરી હતી અને ન્યાયતંત્રને લોકશાહીના અન્ય તંત્ર કરતાં પણ ખૂબ માનથી જોવામાં આવતું હતું.
આપણે ત્યાં વડીલો સલાહ આપે છે કે ગમે તે થાય પણ કોર્ટના દાદરા ન ચઢવા. દરેક જાણે છે કે ન્યાય મોડો મળશે, નાના મોટા સર્ટીફીકેટ કે એફિડેવિટ માટે કોર્ટમાં જવું પડે છે. દરેકના મનમાં કોર્ટોની ચોક્કસ એવી ધક્કા બેંક કે મુદત બેંકની ઇમેજ હોવાનું ચર્ચાય છે.
કોર્ટનું કામકાજ પારદર્શક નથી જે કલમોના અભ્યાસ કરીને નીચલી કોર્ટો ચુકાદો આપે એને હાઇકોર્ટ રદ કરે છે અને હાઇકોર્ટ જે ચુકાદો આપે એને સુપ્રીમ કોર્ટે ખોટો ઠરાવ્યો હોય તેવું ઘણીવાર બન્યું છે.
ભારતમાં બનતી કોઈ પણ ઘટના પર વૈશ્વિક સમાચાર માધ્યમોની નજર હોય છે. સુપ્રીના ચાર જજોના બળાપાની વાસ વિદેશના માધ્યમોએ પણ સૂંઘી લીધી હતી.
આવા વિવાદો જેટલા વહેલા ઠંડા પડે તે જરૃરી છે. અનુભવીઓ કહે છે કે ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ પોતે એક સ્ટેપ આગળ વધીને પ્રેક્ટિકલ નિર્ણયો લેવાની જરૃર છે.
ચીફ જસ્ટીસ સ્તરે બળાપો હોય તો પછી કોમનમેન કેવી રીતે બળાપો ઢાંકી શકે ? ચારેય ન્યાયમૂર્તિઓએ તેમના બેજવાબદાર વલણ અંગે દેશની માફી માંગવી જોઈએ એમ ચર્ચાઈ રહ્યું છે.

Comments
Post a Comment