સભ્ય સમાજના લેબલનો વારંવાર ઉપયોગ
કેટલીક સમજ જાતે જ કલ્ટીવેટ કરવાની જરૂર : પાર્ટી પ્રમાણેના ડ્રેસ આવકાર્ય
તાજેતરમાં અમદાવાદની નામાંકિત એમ.જે. લાયબ્રેરીના સંચાલકોએ ટૂંકા કપડા પહેરીને લાયબ્રેરીમાં આવવું નહીં તેવું બોર્ડ મારતા તેનો વિવાદ થયો હતો. ઉહાપોહના પગલે બોર્ડ હટાવી લેવાયું હતું પરંતુ તેથી હકીકત દૂર થતી નથી. વારંવાર ડ્રેસકોડ અંગે વિવાદ થાય છે. વારંવાર બે પેઢી વચ્ચેનું અંતર યાદ આવે છે. મંદિરોમાં પણ બરમૂડા પહેરીને આવવું નહીં જેવા સાઇન બોર્ડ જોવા મળે છે.
વિવાદ વખતે વારંવાર સભ્ય સમાજનું લેબલ આગળ ધરવામાં આવે છે. પરંતુ આ સભ્ય સમાજની વ્યાખ્યામાં ડ્રેસકોડને ઘૂસાડવામાં આવ્યો છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા ભોગવવાનો દરેકને હક છે.
ફેશનની દુનિયા હરણ-ફાળ ભરી રહી છે. પશ્ચિમના દેશોનું અનુકરણ આપણે ત્યાં ડ્રેસકોડની બાબતમાં ઝડપભેર શરૃ થયું છે. ઘૂંટણ કે ખભો તે પૈકીનો એક પણ ભાગ ઢાંકવાના પ્રયાસને જૂનવાણી કે મણીબેનની યાદીમાં મૂકવામાં આવે છે.
ઘૂંટણથી એક વ્હેંત ઊંચું અને ખભાથી એક વ્હેંત નીચું પહેરવેશ યુવતીઓ અને યુવા મહિલાઓમાં કૉમન થઇ ગયો છે. સમાજે પણ જાણે-અજાણે સ્વીકારી લીધું છે.
પૈસાનું પ્રદર્શન અને અંગ પ્રદર્શન એ બંને એક સમાંતર ચાલે છે. જેમની પાસે પૈસો ઓછો છે કે મધ્યમવર્ગના છે તેમનો ડ્રેસકોડ ચીલાચાલુ અને સરળ હોય છે. પરંતુ જ્યાં પૈસો છે ત્યાં ઘૂંટણની ઉપર અને ખભાની નીચેનો ભાગ, એક વ્હેંત અને બે ચાર આંગળ ઉપર-નીચે થઇ જાય છે.
ઘણાં લોકો ટીકા કરે છે કે આ ખભાની એક વ્હેંત નીચેના ડ્રેસથી યુવાનોમાં વાસનાનો કીડો સળવળે છે અને બળાત્કારની ઘટના આકાર લે છે.
ખભાથી કેટલું નીચું અને ઘૂંટણથી કેટલું ઉપર તે અંગે કોઇ ધારા-ધોરણ નથી. સેલિબ્રીટીની પાર્ટીઓ, બોલીવુડની ફિલ્મો અને સ્ટાર-એવોર્ડ સમારોહમાંના ડ્રેસ જોઇ યુવતીઓ તેનું અનુકરણ કરે છે. આ લોકો પોતાના શરીરનું સૌંદર્ય છતું કરવા પ્રયાસ કરે છે. ફેશન શૉમાં ઘણીવાર મૉડલો ટૂંકા ડ્રેસમાં રેમ્પ પર ચાલી શકતી નથી અને માલફંકશન (ડ્રેસના બટન તૂટવા કે ડ્રેસ ફાટી જવો)નો ભોગ બને છે.
કેટલાક બિન્દાસ્ત હોય છે. પરંપરાગત રીતે ઘરમાં લાજ કાઢીને ફરતી મહિલા જ્યારે વિદેશ પ્રવાસે જાય છે ત્યારે સાડી નીચે જીન્સ પેન્ટ પહેર્યા હોય છે. જીન્સ અને ટી શર્ટને તે પહેરવેશ બનાવી દે છે. પરત ઘેર આવે એટલે ફરી પાછું લાજ કાઢવાનું ચાલુ અને ઘૂંઘટ પ્રથા અપનાવી લેવાની !!
આ બધી સગવડીયા સ્થિતિ છે. કુટુંબમાં શાણી સીતા લાગે અને કુટુંબ છોડયું નથી કે તે મેડોનાના અવતારમાં આવી જાય છે. આ લોકો પરંપરાને અપનાવી રાખે છે અને ફેશનની દુનિયામાં જવા આતુર હોય છે. આપણે ત્યાં એક સમયે સ્લીવલેસ પહેરનાર મહિલા આધુનિક ગણાતી હતી. હવે સ્લીવલેસ તો ઠીક છે પણ ખભો ઢાંકવા એક પાતળી પટ્ટી દેખાય એવી રીતે ટૉપ પહેરાય છે.
વિદેશના ફિલ્મ સમારંભોની કોપી આપણે ત્યાં જોવા મળે છે. આવા સમારંભોનો ડ્રેસ આપણા સમાજના ફંકશનમાં પહેરી શકાતા નથી. પોતાની જ્ઞાાતિના કાર્યક્રમમાં યુવતી જ્યારે પાર્ટીનો ડ્રેસ પહેરીને જાય ત્યારે ટીકાને પાત્ર બને છે.
કેટલીક સમજ યુવતીઓએ જાતે જ કલ્ટીવેટ કરવાની જરૃર છે. સમય પ્રમાણે દરેક ક્ષેત્રે ખાસ કરીને ડ્રેસકોડમાં આવતો બદલાવ સ્વીકાર્ય છે. સમાજની વચ્ચે ફરનારા થોડો પ્રેકટીકલ ટચ રાખે તે પણ જરૃરી છે.
ભારતના રાજકારણમાં ચોક્કસ ડ્રેસકોડ નથી પણ એક સમયે જે ગાંધી ટોપી હતી તે અદ્રશ્ય થઇ ગઇ હતી. બે દાયકા બાદ આમ આદમી પાર્ટીએ ટોપીને અમલમાં મૂકી હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ ટોપી પહેરે છે. એમ લાગે છે કે કોંગ્રેસ ટોપીને કાયમી ડ્રેસકોડ બનાવી લેશે.
રાજકારણમાં પ્રવેશતા નવોદિતો મોદી સ્ટાઇલ હાફ સ્લીવ્ઝના ઝભ્ભા પહેરે છે. જોકે ડ્રેસકોડની કોપી કરવાથી કોઇના જેવા થઇ શકાતું નથી તે પણ બધા જાણે છે. તેમ છતાં દરેક ક્ષેત્રનો એક વણલખેલો ડ્રેસકોડ હોય છે.
ભારતના રાજકારણમાં ઘૂંટણથી એક વ્હેંત ઊંચુ ધોતીયું ચઢાવીને સભાગૃહમાં મારામારી માટે દોડનાર દેવી લાલ જેવાઓ પણ છે અને તમિળનાડુની વિધાનસભામાં મહિલા સભ્યોને ધક્કા મારનારા તેમજ ચાલુ વિધાનસભામાં બી.પી. જોનારા વિધાનસભ્યો પણ ચમકતા જોવા મળ્યા છે. આવા સભ્યો એટલે કે પ્રજાના પ્રતિનિધિ બનીને ફરનારા યુવતીઓના ડ્રેસની વાતો કરીને વિવાદ ઊભો કરે એ કોઇ રીતે વ્યાજબી નથી.
સમય પ્રમાણે ડ્રેસકોડ બદલાતા રહે છે. એ સમય હતો કે યુવતીનો દુપટ્ટો કોઇ ખેંચે તો તોફાનો થતા હતા. આજે દુપટ્ટો જ ગાયબ થઇ ગયો છે. ડ્રેસકોડ સમય પ્રમાણે બદલાયા છે. ટૂંકા ડ્રેસનો વિરોધ એ નજરની ખામી છે એમ કહી શકાય.

Comments
Post a Comment