સોશ્યલ નેટવર્ક સરકારને ઉશ્કેરે છે
રાજ્ય સભાના દ્વારે ઉભેલું તલાકનું બીલ કાયદો બનવા જઈ રહ્યું છે
પહેલા તલાક અને હવે હજ સબસીડી બંધ કરવા બાબતના નિર્ણયોથી મુસ્લિમ સમુદાય મુંઝવણમાં મૂકાયો છે. ટ્રીપલ તલાકનો મુસદ્દો કાયદો બનવાની અણી પર છે. રાજ્ય સભામાં બીલ અટવાયું છે. મુસ્લિમ સમુદાય પર ભાજપે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉદારમતવાદી મુસ્લિમો એ ટ્રીપલ તલાક પર પ્રતિબંધ અને હજ સબસીડી બંધ કરવાના નિર્ણયને આવકાર્યા છે.
રાજકારણના તખ્તા પર ચાલતી ચર્ચા અનુસાર મુસ્લિમ સમુદાય સામે વધુ એક કોલ્ડવોર બોંબ ત્રાટકી શકે છે. આ બોંબ 'બે બાળકો બસ'વાળો હશે. આપણે વર્ષોથી યુનિફોર્મ સિવિલ કોડ અંગે સાંભળતા આવ્યા છે પણ મુસ્લિમ સમુદાયમાં 'બે બસ'વાળી સ્કીમ કેટલાકના માટે આવકાર્ય બનશે તો કેટલાકના માટે ધર્મ સામે કાવત્રા સમાન બનશે.
હજ સબસીડી શરુ કરી તેના પાછળ પણ રાજકારણ હતું તો સબસીડી બંધ કરાઈ તેની પાછળ પણ રાજકારણ છે. હજ સબસીડી બંધ કરાતા મુસ્લિમ સમુદાય કરતા વધુ પ્રત્યાઘાત હિંદુ સમુદાયના આવ્યા હતા. ઘણાંએ એવા ગણિત રજૂ કર્યા હતા કે, સુપ્રીમ કોર્ટે ૨૦૧૨માં સબસીડી તબક્કાવાર બંધ કરવા જણાવ્યું હતું, તો પછી શા માટે તે બંધ ના કરાઈ ?
૨૦૧૨થી ૨૦૧૭ દરમ્યાનના છ વર્ષમાં ૭૦૦ કરોડ રૃપિયા લેખે ૪૨૦૦ કરોડનો ધૂમાડો થયો છે. આ સમય દરમ્યાનના જે તે સત્તાધારી પક્ષ પાસેથી આ રકમ વસૂલ લેવી જોઈએ.
હિન્દુ સમુદાય પણ દર વર્ષે વૈષ્ણોેદેવી, અમરનાથ જેવા યાત્રાધામો પર જાય છે. હરદ્વારના કુંભમેળામાં જતા યાત્રાળુઓ માટે પણ કોઈ સબસીડી આપવાનું વિચારાયું નહોતું.
સરકારને મોડે મોડે ખ્યાલ આવ્યો હતો કે હજની સબસીડી અર્થહીન છે વર્તમાન કેન્દ્ર સરકારે હજ સબસીડી બંધ કરવાની હિંમત બતાવી છે. કેમ કે, ડામાડોળ રાજકારણમાં આવા નિર્ણયો હિંમત માંગી લે છે.
મુસ્લિમ સમુદાયને સ્પર્શતા મુદ્દા ઉપરાછાપરી નિર્ણયો આપવા છતાં કોઈ નક્કર વિરોધ થતો નથી. લાગે છે કે સરકાર કોઈ મોટા નિર્ણય માટે તૈયારી કરી રહી છે. જો બે બસવાળી સ્કીમ અમલમાં મુકાય તો તે દેશમાં વસ્તી નિયંત્રણની દિશામાં સૌથી મોટું પગલું હશે.
જો કે, ચૂંટણી પૂર્વે સરકાર કોઈ એવા પગલા નથી લેવા માંગતી કે જેનાથી વિવાદનો મધપૂડો છંછેડાય !
હજ સબસીડી એ મત મેળવવા માટેનું હથિયાર બની ગયું હતું. હજ કરવી દરેકને પોષાય તેમ નથી.
ગરીબ મુસ્લિમો માટે તે સપના સમાન છે હજ સબસીડી ચૂકવવાની સિસ્ટમ ખાયકીથી ભરેલી હતી.
આ સબસીડી પાછળ ૭૦૦ કરોડ રૃપિયા ખર્ચાતા હતા. ૭૦૦ કરોડ એ ઘણી મોટી રકમ કહી શકતા ભારત સરકારના કેટલાક નિર્ણયો તઘલખી હોય છે. ભારતમાં અન્ય કોમના લોકો પણ વસે છે. દરેક પોતાના ધર્મ સ્થાનકો છે પરંતુ તેમને ચપ્પણીયું પણ મળતું નથી. મોદી સરકારે લીધેલો નિર્ણય પ્રશંસાને પાત્ર છે.
મોદી સરકારે હજ સબસીડી બંધ કરીને એક કાંકરે ત્રણ પક્ષી માર્યા છે. મંદિરે જવાના ક્રેઝ વધારનાર રાહુલ ગાંધીને સમજાવ્યું છે કે, રેશમી રૃમાલ હાથમાં રાખીને પણ કડક પગલા લઈ શકાય છે.
કેટલાક મુસ્લિમ સંગઠનો હજ સબસીડી બંધ કરવાના નિર્ણય સામે ઉહાપોહ ન કરે એટલે સબસીડીની ૭૦૦ કરોડની રકમ મુસ્લિમ મહિલાઓના ઉત્થાન માટે વાપરવાની જાહેરાત કરી હતી.
ત્રીજો કાંકરો હિંદુ સમુદાયને માર્યો છે જેમાં દર્શાવાયું છે કે સરકાર મુસ્લિમોની આળપંપાળ નથી કરતી કે નથી તેમનું ધાર્યું કરતી ! સરકાર માટે બધાં સરખા છે.
તલાક અને હજ સબસીડી જેવા મુદ્દે કોઈ વિવાદ પણ જ્યાં શક્ય નહોતો ત્યાં તે અંગે કાયદા બનાવાશે. સરકારે હવે એ વાતનો જવાબ આપવાનો છે કે તે 'બે બાળકો બસ'વાળી સ્કીમ લાવવા ઇચ્છે છે કે કેમ ?
હજ સબસીડી બંધ કરવાની જાહેરાત સાથે સોશ્યલ નેટવર્ક બે બસના પ્રતિબંધની ભલામણ કરવા લાગ્યું હતું. ટ્વિટર અને ફેસબુક પર બે બાળકો બસનું પગલું ભરીને સમુદાયને સૌની સમકક્ષ લાવવા પડકાર ફેંક્યો હતો.

Comments
Post a Comment