કોઇ ગુમ થયા તો કોઇએ ફાંસો ખાધો

૧૦ વર્ષમાં ૩૦૦૦ ન્યુક્લીયર સાયન્ટીસ્ટના મોત પાછળનું રહસ્ય

ભારતમાં ન્યુક્લીયર સાયન્ટીસ્ટના એક પછી એક રહસ્યમય મોત થઇ રહ્યા છે તે ચિંતાનો વિષય છે. ૨૫-૫૦ મોત થાય તો તે તરફ બહુ ધ્યાન ના જાય પણ છેલ્લા ૧૦ વર્ષમાં ૩૦૦૦ના મોત થયા છે.

૩૦૦૦ સાયન્ટીસ્ટના મોતનો આંક જોઇને એમ લાગે છે કે આપણા સાયન્ટીસ્ટોનો સિસ્ટમેટીક રીતે સફાયો કરાઈ રહ્યો છે.

આપણા દેશની કમનસીબી તો જુઓ કિસાનો આપઘાત કરે તો તેને નેશનલ ઇસ્યુ બનાવાય છે કેમ કે તે મતબેંક છે જ્યારે ૧૦ વર્ષમાં ૩૦૦૦ ન્યુક્લીયર સાયન્ટીસ્ટ મોતને ભેટે છે તે અંગે અવાજ ઉઠાવવા કોઈ તૈયાર નથી.

જ્યારે અણુવિજ્ઞાનીઓના સફાયાની વાત આવે છે ત્યારે તે ચિંતાનો વિષય બની જાય છે. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી પણ આ વાતથી અજાણ નથી છતાં બધા મૃત્યુની સંખ્યા ગણ્યા કરે છે.

ક્યારેક સરકાર તેને અકસ્માતે થયેલા મૃત્યુ સાથે સરખાવે છે તો ક્યારેક કોઈ ખુલાસો નથી કરતી. જ્યારે રહસ્યમોત અંગે તપાસની વાત આવે છે ત્યારે સરકાર કોઈ તપાસ માટે સંમતિ નથી આપતી. ૧૦ વર્ષમાં ૩૦૦૦ ન્યુક્લીયર સાયન્ટીસ્ટના મૃત્યુએ કોઈ બોલીવુડની ફિલ્મ માટેનો રહસ્યથી ભરેલો મસાલા પ્લોટ બની શકે છે. કેટલાક ન્યુક્લીયર સાયન્ટીસ્ટના રહસ્યમય મોતની વિગતો અહીં આપી છે.

૪૭ વર્ષના લોકનાથ મહાલિંગમ કર્ણાટકના કઇગા એટોમીક પાવર સ્ટેશનના સીનિયર સાયન્ટીસ્ટ ઓફિસર હતા. તેમના હોદ્દાનું લશ્કર સાથે વ્યૂહાત્મક રીતે મહત્ત્વ હતું. જુન-૨૦૦૯ની એક સવારે તે મોર્નિંગ વોક માટે નીકળ્યા પછી ગુમ થઇ ગયા હતા. તેમનો મીસીંગ રીપોર્ટ નોંધાવાના પાંચ દિવસ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે એવો દાવો કર્યો કે તેમણે આપઘાત કર્યો છે પરંતુ તે તેમના રહેણાંક સંકુલની બહાર ગયાનો પણ કોઈ પુરાવો નહોતો. આ ઘટનાની તપાસમાં કશું નક્કર પરિણામ આવ્યું નહોતું.

જો કે જ્યાંથી લોકનાથ મહાલિંગમની બોડી મળી હતી ત્યાંથી જ ન્યુક્લીયર પાવર કોર્પોરેશનના એક સાયન્ટીસ્ટના અપહરણનો પ્રયાસ કરાયો હતો. લોકનાથ મહાલિંગમનો મૃતદેહ કાલી નદી પાસેથી મળ્યો હતો. મનીપાલની મેડીકલ કોલેજે રીપોર્ટ આપ્યો હતો કે ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. કહે છે કે તેમનો ડીએનએ રીપોર્ટ આવે તે પહેલાં જ અંતિમ વિધી કરી દેવાઈ હતી.આ ઘટનાની નોંધ ભારતના બહુ બોલકા સમાચાર માધ્યમોએ નોંધ નહોતી લીધી પણ પાકિસ્તાનના માધ્યમોએ તેને ચમકાવી હતી.

ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઇન્ડિયાના રવિ મૂલે નામનો કર્મચારી એક દિવસ અચાનક ગુમ થયો હતો. બીજા દિવસે તેનો મૃતદેહ મળ્યો હતો. જો કે તેની હત્યાનું કોઈ પગેરું પોલીસ મેળવી શકી નહોતી. કઇગા ટાઉનશીપના ૮મા માળેથી તે પડી ગયો કે ફેંકી દેવાયો હતો.

ભાભા ઓટોમીક સેન્ટરના નિવૃત્ત ફીમેલ સાયન્ટીસ્ટ ઉમારાવ તેમના મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે તે ડિપ્રેશનથી પીડાતા હતા તેથી આત્મહત્યા કરી છે. તેમના મૃતદેહ પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં પણ મોત માટે પોતે જ જવાબદાર છે એમ જણાવ્યું હતું. જો કે તેમના સાથીઓ સ્પષ્ટ જણાવતા હતા કે તે કોઈ ડિપ્રેશનથી પીડાતા નહોતા પણ આનંદી સ્વભાવના હતા.

ન્યુક્લીયર સબમરીન પ્રોજેક્ટમાં કામ કરતા બે ન્યુક્લીયર સાયન્ટીસ્ટ કે.કે.જોશી અને અભિષશિવમ્ના પણ વિશાખાપટનમ્માં ઓક્ટોબર ૨૦૧૭માં મૃતદેહ મળી આવ્યા હતા. તેમના મૃતદેહ રેલવે ટ્રેક પર મળી આવ્યા હતા.

તેમના શરીર પર ઇજાના કોઈ નિશાન પણ નહોતા. તેમને અન્યત્ર કોઈ જગ્યાએ મારીને રેલવે ટ્રેક પર ફેંકયા હોવાનું મનાતું હતું. આ કેસમાં આગળ કોઈ તપાસ થઇ નહોતી.

આવા તો અનેક શંકાસ્પદ કેસો છે. જેમ કે લેબોરેટરીમાં આગ લાગવી, આપઘાત કરવો કે ડિપ્રેશનમાં હાથની નસો કાપવાના કેસોનો સમાવેશ થાય છે.ન્યુક્લીયર સાયન્ટીસ્ટ જેવા બૌધ્ધિક વર્ગને ડિપ્રેશન સાથે જોડીને તેના મોતની ફાઈલ બંધ કરી દેવી એ પણ શંકાસ્પદ છે.

૧૦ વર્ષમાં ૩૦૦૦ મોતથી વ્યથિત મુંબઇના એક સજ્જન વકિલ અશ્વિન મહેતાએ પબ્લીક ઇન્ટરેસ્ટ લીટીગેશનનો સહારો લીધો હતો. ૨૦૧૦માં એક એક્ટીવીસ્ટે કરેલી આરટીઆઈના પગલે તે આગળ વધ્યા હતા.

સંસદમાં સરકારે જવાબ આપ્યો હતો કે જાન્યુઆરી-૧૨ અને ડિસેમ્બર-૧૬ દરમ્યાન ભાભા ઓટોમીક સેન્ટરમાં બે ન્યુક્લીયર સાયન્ટીસ્ટે આપઘાત કર્યો હતો. વડાપ્રધાનની ઓફિસે પણ કોર્ટના સુચનની રાહ જોવાનું નક્કી કર્યું છે.

પીટીશનરે ન્યુક્લીયર સાયન્ટીસ્ટોના રહસ્યમયભર્યા મોતના ડેટા મેળવવા ૩૦ સંસ્થાઓને લખ્યું છે. સરકાર કહે છે કે ૧૦ વર્ષમાં ૩૦૦૦ સાયન્ટીસ્ટના મોતમાં કંઇ શંકાસ્પદ લાગતું નથી. જો કે આ સાયન્ટીસ્ટોનો સફાયો કરવા માટેનું એક સુવ્યવસ્થિત કાવત્રું ચાલે છે એવું દેખાઈ રહ્યું છે.સરકારે તપાસ કરવી જોઇએ.                                                                             
- પ્રસંગપટ

Comments