વિશ્વના સૌથી સસ્તા સ્માર્ટ ફોનનું શું થયું ? 'ફ્રીડમ 251' ક્યાં ગયો ?

માત્ર રૂ. 251માં સ્માર્ટ ફોન અંતે ખોટે સિક્કે સાબિત થયો

યુપીએ સરકારના સસ્તાં ટેબલેટનો ફીઆસ્કો થયો એમ સસ્તા મોબાઈલનું થયું

લોકોને સસ્તો ફોન આપીને વધુને વધુ લોકો મોબાઈલ વાપરતા થાય એ માટે એનડીએ સરકાર પ્રયાસ કરતી હતી. ફોનનો ખર્ચ ગરીબ લોકોને પોષાય એમ નહોતો. એટલે જ વિશ્વના સૌથી સસ્તા ફોન માટે જાહેરાત કરાઈ હતી.

જેમ મનમોહનસિંહની યુપીએ સરકારે સસ્તુ ટેબલેટ આકાશ બજારમાં મુક્યું હતું એમ વર્તમાન એનડીએ સરકારે 'ફ્રીડમ ૨૫૧' નામનો સ્માર્ટ ફોન માત્ર રૂ. ૨૫૧માં બજારમાં મુકવાની જાહેરાત કરી હતી.

વિશ્વભરમાં કોમ્પ્યુટર બનાવતી કંપનીઓનું ધ્યાન સસ્તાં ટેબલેટે ખેંચ્યું હતું એમ એનડીએ સરકારમાં સૌથી સસ્તાં મોબાઈલની જાહેરાતે વિશ્વની ટેલિકોમ કંપનીઓનું ધ્યાન ખેંચ્યું હતું. 'ફ્રીડમ ૨૫૧' એટલે રૂ. ૨૫૧નો સ્માર્ટ ફોન !! જુલાઈ ૨૦૧૬માં વિશ્વમાં સૌથી સસ્તાં ૫૦૦૦ મોબાઈલ ફોનની ડિલીવરી પણ થઇ હતી.

નોઇડા સ્થિત કંપનીએ બેલાખ ફોન આપવાનું પ્રોમીસ કર્યું હતું. ડીલીવરી સામે પેમેન્ટ સિસ્ટમ હેઠળ ૬૫,૦૦૦ ફોન ડીલીવર પણ કરવાના હતા પરંતુ અચાનક કંપનીનું પિલ્લુ વળી ગયું હતું. જે ૬૫,૦૦૦ લોકોને પ્રોમીસ અપાયું હતું તે હજુ રાહ જોઈ રહ્યા છે.

'ફ્રીડમ ૨૫૧'ના કારણે ટેલિકોમ ક્ષેત્ર નિરાશ થયું હતું. વિશ્વ જાણવા માગતું હતું કે આ ફોન કેવી રીતે બને છે. યુપીએ સરકારે આકાશ ટેબલેટ બજારમાં મુક્યા પછી અચાનક જ હાથ ખંખેરી લીધા હતા એમ 'ફ્રીડમ ૨૫૧'ના કિસ્સામાં પણ થયું છે.

નોઇડાની રીગીંગ બેલ કંપની આ રૂ. ૨૫૧ના સ્માર્ટ ફોન બનાવતી હતી. આ કંપનીએ ૨૫ લાખ હેન્ડ સેટ આપવા તૈયાર હતી. રીંગીંગ બેલ કંપનીએ ઓનલાઈન બુકીંગ કર્યું હતું. ઓનલાઈન બુકીંગ કરવા માટે ધસારો એટલો બધો હતો કે પેમેન્ટ ગેટ-વે ક્રેશ થઇ ગયો હતો.રૂ. ૨૫૧માં શું હશે એવું જાણવા ઇચ્છનારાઓનો ઓર્ડર કર્યો હતો તો કેટલાંક આ રૂ. ૨૫૧નું ઇન્સ્ટ્રુમેન્ટ જોવા માગતા હતા.

કેટલાક મહિના રાહ જોયા પછી ઓર્ડર આવતા કંટાળ્યા હતા અને સમજી ગયા હતા કે રીંગીંગ બેલની ઘંટડી વાગી શકે એમ નથી. ટેલિકોમ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓએ જણાવ્યું હતું કે વિશ્વનો સૌથી સસ્તો મોબાઈલ એ સૌથી મોટી છેતરપિંડી સાબિત થઇ છે.

વિશ્વના સૌથી સસ્તા ફોનને ટેલિકોમ કંપનીએ મિરેકલ જણાવ્યો હતો. જો કે દરેક એમ માનત હતા કે કોઈપણ સ્માર્ટ ફોન રૂ. ૩૦૦૦થી ઓછી કિંમતનો ના બની શકે. આ સ્થિતિમાં 'ફ્રીડમ ૨૫૧' ફોને સંવેદના ઉભી કરી હતી.

જો કે 'ફ્રીડમ-૨૫૧'ના કારણે દેશની ઇમેજને પણ ધક્કો પહોંચ્યો છે. પહેલાં ટેબલેટ અને હવે સ્માર્ટ ફોનના સસ્તા ભાવોની જાહેરાતે લોકોને છેતર્યા છે. સરકારે આવા મોટા દાવો પર ધ્યાન રાખવું જોઇએ એવી ટીકા પણ થઇ હતી. રીંગીંગ બેલનો રૂ. ૨૫૧નો ફોન શરૂઆતથી જ વિવાદમાં હતો કેમ કે દરેકનું સ્પષ્ટ માનવું હતું કે રૂ. ૨૫૧માં સ્માર્ટ ફોન શક્ય નથી.

વાચકોને યાદ હશે કે જ્યારે સસ્તુ ટેબલેટ બહાર પડયું ત્યારે તેનો ઝાંખો સ્ક્રીન હતો અને કોઈ સ્ક્રીન પર વાંચી શક્તું નહોતું. ઘણાં સ્ક્રીન પ્રેસ કરવા સાથે જ બટકી જતા હતા. શરૂઆતના જે ૫૦૦૦ લોકોને 'ફ્રીડમ ૨૫૧' મળ્યા તે લોકો પણ ઓવરેટીંગ સિસ્ટમથી કંટાળ્યા હતા.

હકીકત એ છે કે ડીજીટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવું હશે તો સરકારે ટેબલેટ, મોબાઈલ, લેપટોપ વગેરેનું સસ્તા ભાવે ઉત્પાદન કરીને તેને મધ્યમ વર્ગની પ્રજામાં વેચવા જોઇએ. એપલનો એક લાખ રૂપિયાનો ફોન કે ચાલીસ હજારનું ટેબલેટ મધ્યમ વર્ગ માટે એક સપનાં સમાન છે. દેખાદેખી કોઇ તે લે છે પણ તેના હપ્તા ભર્યા કરે છે.

રીંગીંગ બેલ જેવી કંપનીઓને પ્રોત્સાહન આપવાના બદલે સરકારે પોતાની આઇટી કંપની ઉભી કરી તેને સબસીડી આપીને સસ્તાં દરના લેપટોપ-ટેબલેટ કે સ્માર્ટ ફોન બનાવવા જોઇએ. હવે જ્યારે ફોર-જી બાદ ફાઈવ-જી આવી રહ્યું છે ત્યારે ડેટા ચોરીને પણ અટકાવવી પડશે. અને હેકર્સથી પણ બચવું પડશે. આ સંજોગોમાં સરકારે પહેલ કરવાની જરૂર છે.

- પ્રસંગપટ

Comments