રોકાણકારોની દિવાળી બગડી શેર બજારે અંતે ભરોસો ગુમાવ્યો

વિદેશી રોકાણકારો ખલનાયક બન્યા
40 હજાર સેન્સેક્સના સપનાં જોનારાઓ 30 હજારની દિશામાં જતો જોઈ રહ્યા છે

જે 40 હજાર સેન્સેક્સનું સપનું જોવામાં આવતું હતું તેને કંપનીઓના વહિવટદારોએ છિન્ન-ભિન્ન કરી નાખ્યું છે. ના તો સેબીના કોઈ કાયદા કામમાં આવ્યા કે ના તો કંપનીઓના કોઈ કાયદા તૂટતા બજારને અટકાવી શક્યા. સડસડાટ તૂટતા બજારને જોઈને નાનો રોકાણકાર 'ચીસ'પાડી ઉઠયો છે.

શુક્રવારનો તેજીનો જંપ જોઇને કોઇનેય બહુ રાહત થઇ નથી. લોકોએ છેલ્લા અઠવાડીયામાં એટલા ઝાટકા જોયા છે કે શુક્રવારની ચડતને પણ તે શંકાથી જોવા લાગ્યો છે.

ક્યાંક વૉટ્સ પરની અફવા ખલનાયક બની હતી તો ક્યાંક કંપનીના ડીરેક્ટરોના આડેધડ ખર્ચાઓ ખલનાયક બન્યા હતા. વિદેશી રોકાણકારો ફરી શેરબજારને છેતરી ગયા હતા. તૂટતું શેરબજાર પણ રોકાણકારોને લલચાવી રહ્યું છે. નફો રળતી કંપનીઓની સ્ક્રીપ્ટ લેવા લોકો રાહ જોઇને બેઠા હતા. આવા રોકાણકારો બજાર હજુ વધુ તૂટશે તેની રાહ જોઈને બેઠા છે. જોકે તૂટતા બજારને જોઈને રોકાણકારો ચિંતામાં છે.

બજારને ટેકો આપવા નાણા મંત્રાલય વિચારે છે પરંતુ પાંચ હજાર જેટલો તૂટેલો સેન્સેક્સ દરેક માટે ડરાવનારો બની ગયો છે. જે સેન્સેક્સ દિવાળી સુધીમાં ૪૦,૦૦૦ની નજીક પહોંચી જશે એમ લાગતું હતું તે હવે ૩૦,૦૦૦ સુધી નીચે જઇ શકે છે.

બેંકોમાં મળતા નજીવા વ્યાજ દરના કારણે લોકો શેરબજાર તરફ વળ્યા હતા. કેટલીક કંપનીઓ બેંકોની ડિપોઝીટ પરના વ્યાજ કરતા વધુ ડીવીડન્ડ આપતી હતી. 'સેબી' જેવી નિયંત્રણ કરતી બોડી આવ્યા પછી શેરબજાર ભરોસા પાત્ર બન્યું હતું. રોકાણકારોમાં વિશ્વાસ ઉભો કરવામાં તેને સફળતા મળી હતી.

વિદેશી રોકાણકારોએ શેરબજારમાં ઝંપલાવતા બજાર સોળે કળાએ ખીલી ઉઠયું હતું. રોકાણકારોને બેંક કરતા વધુ વળતર મળતા તે શેરબજાર તરફ વળ્યા હતા.સતત વધી રહેલા સેન્સેક્સની ખાસિયત એ હતી કે વિદેશના રોકાણકારો રોકાણ કરવા લાઇનમાં ઉભા રહેતા હતા. નોટબંધી કે જીએસટીની અસર શેર બજાર પર વર્તાઇ નહોતી.

ચઢતા શેરબજારને જોઈને ઘણાં લોકો પોતાના ક્રેડીટ કાર્ડની રોકડ રકમ પણ શેરબજારમાં ૩૦ દિવસ માટે રોકતા હતા. રોકડનું વ્યાજ મોટું હોવા છતાં લોકો ૩૦ દિવસ સુધી નફો રળીને ફરી રોકડ જમા કરાવતા હતા. શેર બજારે એવું આકર્ષણ ઉભું કર્યું હતું કે શેરબજારથી દૂર રહેનારાઓ પણ ડીમેટ એકાઉન્ટ ખોલી આવ્યા હતા.

આઇપીઓ ક્ષેત્રે પણ લોકોનો પૈસો બેંકના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થતાં લોકોનો ભરોસો વધ્યો હતો. સેબીએ અગમચેતીના ઘણાં પગલાં ભર્યાં છે, કંપનીઓને તેણે પોતાની પકડમાં રાખી હતી.જેમ લાકડાના કબાટની અંદરથી ઉધઈના રાફડા બહાર આવે એમ શેરબજારની કેટલીક કંપનીઓને આડેધડ ખર્ચા ભારે પડયા હતા. બેંકોની જંગી એનપીઓ પાછળ ખુદ બેંકો જ જવાબદાર છે. એમ કહી શકાય.

હવે શું તે પ્રશ્નનો જવાબ શેરબજારના ખેર-ખાંઓ પણ આપી શકે એમ નથી. કહે છે કે શેરબજાર હજુ તૂટશે. સેબીનો કોઈ અંકુશ કંપનીઓ પર નહોતો. દાંત-નહોર વીનાની 'સેબી' કંપનીઓના વધતા નફા જોઈને હરખાતી હતી. 'સેબી'ના કાયદાનો અમલ દેખાતો હતો પણ પડદા પાછળ બધું ધૂપેલ ચાલતું હતું.જેમ ગાંડા હાથી પર મહાવતના અંકુશની અસર થતી નથી એમ તૂટવાની દિશામાં આગળ વધેલા શેરબજાર પર સેબીની કોઇ અસર નથી.

વિદેશના રોકાણકારોની સિન્ડીકેટ હોવાના સંકેત મળ્યા છે. એકે રોકાણ કર્યું એટલે બીજો આવ્યો. આ રોકાણ તબક્કાવાર આવ્યું પરંતુ જ્યારે રોકાણ ખેંચવાની વાત આવી ત્યારે બધાએ એક સાથે ખેંચવા માંડયું !!અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડવૉરની પ્રથમ ભારતના આર્થિક તંત્ર પર આડકતરી અસર પડી હતી પરંતુ ટ્રેડવૉર સખત્ત બનતાં આર્થિક તંત્ર પર સીધી અસર પડવાની શરૂ થઈ હતી. શેરબજાર તેની ઝપટમાં આવી ગયું છે.

શેરબજારની પ્રગતિ જોઈને 'સેબી'વાળા હરખાતા હતા. સેબીના કેટલાક કાયદાના કારણે શેરબજાર સ્થિર થયું હોવાનું મનાતું હતું. સેબીના કાયદાના કારણે હર્ષદ મહેતા કે કેતન પારેખ જેવાઓ ફરી ઉભા થઈ શકે એમ નહોતા જોકે પ્રોફીટ કરતી આખી કંપનીઓ જ અચાનક ફડચામાં જવા લાગી હતી.

સેબી સુધારણાના કોઈ પગલાં લે એ પહેલાં તો બજાર ધડામ્ દઇને તૂટી પડયું હતું. તૂટતા બજારનો અવાજ નથી આવ્યો પણ તેનું સેન્સેશન દરેક રોકાણકારોએ અનુભવ્યું હતું.

શેરબજારે ઘણાંની દિવાળી બગાડી છે. ચારેબાજુના નેગેટીવ પરિબળોથી ત્રાસીને કિસાન આપઘાત કરવા પ્રેરાય એવી સ્થિતિ નાના રોકાણકારોની થઇ છે. સેબી પર મુકેલો ભરોસો સરકારને ભારે પડયો છે.શેરબજારનો ફુગ્ગો દિવાળી ટાણે જ ફૂટયો તે આઘાતજનક બની ગયું છે.

- પ્રસંગપટ

Comments