ભૂતકાળની વાતોમાં ગલીપચી સિવાય કશું નથી

આબરૂ બચાવવા લીંપણ શરૂ રોજ એક નવો ફણગો ફૂટશે

લીંપણ શરૂ થઇ ગયું છે. નાના પાટેકરને એક ફિલ્મના સેટ પરથી હટાવવામાં આવ્યા છે જો કે કૂતરાની પૂંછડી જેવી સ્થિતિ થવાની છે આવા લંપટોને ચાન્સ મળ્યો નથી કે આંખ મીચકારી નથી.

રાજેશ ખન્નાની ફિલ્મનો એક મસ્ત ડાયલોગ છે કે ..જો હા કહે ઉસે છોડના નહીં ઓર જો ના કહે ઉસે છૂના નહીં..રાજેશ ખન્ના જ્યારે આ ડાયલોગ બોલે છે ત્યારે થિયેટરમાં સીટીઓ વાગવા માંડતી હતી. આ ડાયલોગ વર્તમાન મી-ટુ મુવમેન્ટ સાથે મેળ ખાય છે. 

કેટલીક મહિલાઓ કહે છે કે બોલો મારી સાથે પણ આવું જ થયું હતું. આવું એટલે કેવું તેનો કોઇ ખુલાસો નથી મળતો. વ્હાઇટ કોલર લોકોની દુનિયા અલગ પ્રકારની હોય છે.  તેમની સાથે રહેવા કે તેમની ઓળખાણ બાંધવા ઓપોઝીટ સેક્સ તલપાપડ હોય છે. 

વાત થોડી જુની છે. અમદાવાદના એક હોલમાં એક તબલાવાદકનો શો હતો.  શો પુરો થયા પછી એક પૈસાદાર હોસ્ટ તેની દીકરીને તબલાવાદકને મળવા સ્ટેજ પર લઇ ગયા હતા. દિકરી બોલ્ડ હતી. તબલા વાદકે તેને બાથમાં લઇને ગાલ પર કીસ કરી હતી. છોકરી અને તેના પિતાએ બહુ વિરોધ ના કરતાં તબલાવાદકે ફરી તેને બાથ ભરીને હોઠ પર લાંબી કીસ કરી હતી.

નીચે ઉભેલા દરેકને આ ગમ્યું નહોતું. દરેકને હતું કે બબાલ થશે પરંતુ કોઇએ વિરોધ ના કર્યો તે તો ઠીક પણ જ્યારે યુવતીને પૂૂછવામાં આવ્યું કે શું તને અણછાજતું વર્તન ના લાગ્યું ? ત્યારે તેણેે જવાબ આપ્યો હતો કે એમાં શું? આવોે ચાન્સ ક્યાં મળવાનો હતો? આ જવાબ વખતે તેના મા-બાપ પણ સાથે જ હતા, તે લોકો પણ છોકરીની હા માં હા મીલાવતા હતા. બોલીવુડ અને સેલિબ્રીટીની દુનિયાની વાત જ અલગ છે. સમાજમાં જે કોઇ દૂષણો પ્રવેશ્યા છે તે બધાજ બોલીવુડની દિશામાંથી આવેલા છે. બોલીવુડે સમાજને જેટલું આપ્યું તેના કરતા વધુ તો તેણે બગાડ ફેલાવ્યો છે.

પેજ-થ્રી પીપલની દુનિયાજ અલગ હોય છે.  આવા લોકો ધેર સંત અને બહાર શેતાન બની જાય છે.  એકલી અટૂલી છોકરીને કે કામ મેળવવા માટે આવેલી છોકરીને જોઇને તેમની આંખોમાં સાપોલીયા રમવા લાગે છે.  બોલીવડમાં કે અન્ય ક્ષેત્રમાં કામ માટે આવેલી દેખાવડી છોકરીઓ વચેટીયાઓના સંપર્કમાં  આવે છે અને તેને સમાજમાં રહેતા જીવતા વરુઓનો અનુભવ થવા લાગે છે.

પેજ-થ્રીની પાર્ટીઓમાં માત્ર ધંધાની વાતો નથી થતી પણ સુંવાળી સોબતની પણ વાતો થાય છે. બોલીવુડ હોટકેક એટલા માટે છે કે ત્યાં હીરોઇન બનવા આવતી છોકરીઓ કામ મેળવવા કોઇ પણ હદે જવા તૈયાર હોય છે. છોકરીઓ પણ જાણી જાય છે કે તે જેની સાથે વાત કરી રહી છે તે વરુ જેવો છે. પુરુષને પહેલી નજરે ઓળખી જવાની સીક્સથ સેન્સ ભગવાને ફીમેલને આપી હોય છે.

સેલિબ્રીટીની દુનિયામાં મેલ-ફીમેલ વચ્ચેનો સોદો રાજી ખુશીનો હોઇ શકે છે. દરેક ક્ષેત્રે આ ગંદકી પ્રવેશેલી છે. મહિલાઓની મહત્વકાંક્ષાના લાભ આસાનીથી સીનીયરો ઉઠાવી શકે છે. માણસ બુધ્ધિશાળી હોય કે ડોક્ટર-સીએ થયેલો હોય એનો અર્થ એ નથી કે તે સેક્સ બાબતે જેન્ટલમેન છે. હર્યુ ભર્યું ઘર હોય છોકરાં છૈયા હોય, સવાર સાંજ મંદિરે જતો હોય પણ તેના મગજના એક ખૂણે વરુ બેઠો હોય છે જે ગમે ત્યારે તેના કામણ દેખાડે છે. 

મી-ટુ મુવમેન્ટથી બોલીવુડના પડદા પાછળ ચાલતી લીલા લોકોની નજરમાં આવી છે. આલોકનાથને લોકો બહુ ઇજ્જત આપે છે. હવે તે ગમે એટલા ખુલાસા કરે પણ એક અસરગ્રસ્ત યુવતીએ તેમની પાઘડી ઉતારી નાખી છે.

હજુ તો કોથળામાંથી ઘણાં બિલાડા નીકળે એમ છે. જો કોઇ રાજકારણી કે સત્તાધીશનું નામ ખુલશે તે વધુ એક વિવાદ ઉભો થશે. 

આવા કિસ્સામાં બંન્ને પક્ષ બદનામ થાય છે. મી-ટુ મુવમેન્ટ હોલીવુડ સાથે કે વિદેશ સાથે સંકળાયેલી હોય ત્યાં સુધી ઠીક છે , ભારતમાં તો દરેક સ્તરે કાદવ છે.

શોષણની આ સિસ્ટમ સામે અવાજ ઉઠાવવો જરુરી છે. પરંતુ કેટલીક ઘટનાઓ છાપે પણ ચઢે છે અને બદનામી પણ ખેંચી લાવે છે.

- પ્રસંગપટ

Comments