પ્રથમ એવી ઘટના હતી કે જ્યારે પતિ પત્નીની ચિતા પર કૂદી પડયો

- ૧૯મી સદીમાં બ્રેસ્ટ ટેક્ષ લેવાતો એક માનુનીએ બ્રેસ્ટ કાપીને વિરોધ કર્યો
- માનવતાના ઇતિહાસની આ સૌથી કલંકિત ઘટના કેરળના ત્રાવનકોરની છે

મહિલા સન્માન અને પુરુષ સમોવડી સ્ત્રીની વાતો આવે છે ત્યારે સૌ ગૌરવભેર તેની ચર્ચા કરતા હોય છે.  આપણે ત્યાં બ્રેસ્ટની વાતોને સેક્સ સાથે સાંકળી લેવામાં આવે છે તો બીજી તરફ બ્રેસ્ટ કેન્સર જેવા મુદ્દે જાહેર રેલીઓ પણ નીકળે છે.

બ્રેસ્ટ કેન્સર માટે જાગૃતી ફેલાવવા માટે તો એફીલ ટાવર પણ પીન્ક લાઇટથી શોભાવવામાં આવ્યો હતો. જ્યારે કોઇ નાની પાંચ માસની બાળા પર બળાત્કાર થાય છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે હજુ આપણે પાષાણ યુગમાં જીવી રહ્યા છીએ.

આવીજ રીતે જ્યારે કોઇ સ્ત્રી સતી થાય ત્યારે પણ આપણને પાષાણ યુગ યાદ આવી જાય છે.

અહીં આપણે ૧૯મી સદીમાં લેવાતા બ્રેસ્ટ ટેક્ષની (મુલ્લાકરમ) વિગતો સમાવી છે. તેનો વિરોધ અને ત્યારબાદ પત્નીના વિરહમાં ચિતા પર કૂદી પડીને સતા થયેલા પતિની વાત છે. સ્ત્રીઓનું શોષણ એ આગે સે ચલી આતી હૈ જેવી વાત છે. 

 Nangeli’s paintings by T. Murali, on display at Cherthala.
આ વાત કેરળની છે. માનવતાના ઇતિહાસની આ સૌથી કલંકીત ઘટના કેરળના ત્રાવનકોરની છે. જેમાં મહિલાઓની બ્રેસ્ટ પર ટેક્ષ લેવામાં આવતો હતો. જેની મોટી બ્રેસ્ટ તેને વધુ ટેક્ષ ભરવો પડતો હતો.

આ ટેક્ષ ઉંચી જાતના મનાતા લોકોએ તેમનાથી ઉતરતી જાતની સ્ત્રીઓ પર લાદ્યો હતો. જેમાં સ્ત્રીઓ એ પોતાની બ્રેસ્ટ ખુલ્લી રાખવી અને તેની સાઇઝ પર ટેક્ષ લેવાતો હતો. રાજા રજવાડાઓ અને જમીનદારો મનમાની કર્યા કરતા હતા તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. 

આવા નરાધમો ઉપર કોઇનો અંકુશ નહોતો. જો કે આ અપમાન સામે એક અસરગ્રસ્ત મહિલાએ અવાજ ઉઠાવ્યો હતો. તેનું નામ નાનગેલી હતું. નાનગેલી એટલે ખૂબસુરત. જો કે કેરળના તે સમયના શાસકો તેને નોટોરીયસ કહેતા હતા. તેણે પોતાની બ્રેસ્ટ સાડીના કકડાથી ઢાંકવાની શરુ કરી હતી.

તેનો પતિ પણ તેને ટેકો આપતો હતો. તેને બિન્દાસ્ત ફરતી જોઇને શાસકો તેમજ ઉંચીજાતીના લોકો છંંછેડાયા હતા. તેની ધરપકડનું એલાન કરાયું હતું. 

અહીં એક આડ વાત પણ સમજવા જેવી છે. દુનિયામાં સૌથી મોટી બ્રેસ્ટનો રેકોર્ડ અમેરીકાની એની ટર્નર ધરાવે છે. ગુગલની માહીતી પ્રમાણે તેની બ્રેસ્ટની સાઇઝ ૧૭૭.૮ સે.મી છે.

એની પોતાની બ્રેસ્ટને ગૌરવ ગણે છે.  એવીજ રીતે બ્રાની વાત કરીએ તો તે ૨૦મી સદીમાં વિવિધ દેશોમાં વિવિધ સમયે શોધાઇ હતી. મોટાભાગે તે બ્રેસ્ટના સપોર્ટ માટે ઉપયોગમાં લેવાતી હતી. હવે તો બ્રાના લાખો પ્રકાર છે અને તે અંગે જાહેરમાં ચર્ચા અંગે પણ કોઇ છોછ નથી હોતો.  

 ઓક્ટોબર ૧થી૭ બ્રેસ્ટ ફીડીંગ વીક તરીકે ઉજવાય છે તો બ્રેસ્ટ કેન્સર અવેરનેસ વીક પણ વિશ્વભરમાં ઉજવાય છે.  લખવાનું તાત્પર્ય એ છે કે જેમ જેમ અવેરનેસ આવતી ગઇ એમ એમ જે બાબતે છોછ હતો તે અદ્રશ્ય થવા લાગ્યો હતો. 

૧૯મી સદીના બ્રેસ્ટ ટેક્ષ જેવા જંગલીયત ભર્યા કાયદા સામે અવાજ ઉઠાવનાર નાનગેલી તરફ પાછા ફરીએ તો તેણે અન્ય સ્ત્રીઓને પણ અવાજ ઉઠાવવા જણાવ્યું હતું. તેના પતિ સિવાય કોઇને સાથ મળ્યો નહોતો. શાસકોએ તેની પાસે ટેક્ષ વસુલવા માણસો મોકલ્યા હતા.

આ વસુલી કરનારાઓ વધુ ઝનુની હતા. જ્યારે તેમણે નાનગેલી પાસે ટેક્ષના પૈસા માંગ્યા ત્યારે તેણે શાસકોનો હુકમ માનવાનો અનાદર કર્યો હતો અને ઘરમાં ભરાઇ ગઇ હતી. જ્યારે તેને બહાર કાઢવા બારણું તોડવાનું નક્કી કર્યું ત્યારે તેણે અંદર બેસીનેજ પોતાની બ્રેસ્ટ કાપી નાખીને ટેક્ષ લેવા આવેલાઓને આપી દીધી હતી. 

આમ કરવાથી તે લોહી લુહાણ થઇ ગઇ હતી. તે સ્થળ પર જ મોતને ભેટી હતી. આ જોઇ ટેક્ષ લેવા આવેલાઓ ત્યાંથી ભાગી ગયા હતા. તેની સ્મશાન યાત્રામાં તેનો પતિ પણ જોડાયો હતો. જ્યારે પોતાની પત્નીને અગ્નિદાહ દેવાયો ત્યારે પતિ પણ સળગતી ચિતામાં કૂદી પડયો હતો.

ત્યારે સ્ત્રી સતી થાય તેવી ઘટનાઓ બનતી હતી પણ પતિ ક્યારેય ચિતામાં કૂદી પડતા નહોતા. આ પ્રથમ એવી ઘટના હતી કે જ્યારે પતિ પત્નીની ચિતા પર કૂદી પડયો હતો. આ ઘટના એટલી કમકમાટી ભરી હતી કે જંગલીયત ભર્યા કાયદા બનાવનાર શાસકો પણ હચમચી ગયા હતા. 

લોકોનો આક્રોશ જોઇને શાસકોએ કાયદોપાછો ખેંચ્યો હતો.પોતાને ઉંચી જાતના ગણતા શાસકોનું નાક કપાયું હતું. લોકોએ નાનગેલીની શહીદીને એળે જવા દીધી નહોતી.

ગામના લોકોએ ગામનું નામ બદલીને નાનગેલીને સમર્પિત કર્યું હતું. આ ઘટના અરેરાટી ભરી છે પરંતુ પાષાણ યુગ કેવો હશે તે જાણી શકાય છે.

- પ્રસંગપટ

Comments