જેટલા નવા કાયદા એટલી ભ્રષ્ટાચારની વધુ નવી દુકાનો

ફટાકડા ફોડવા પરનો પ્રતિબંધ સૌએ આવકારવો જોઇએ
પર્યાવરણની રક્ષા માટે પૃથ્વી પરના અન્ય જીવોની જવાબદારી માણસે નિભાવવી પડશે...

સુપ્રીમ કોર્ટ ચુકાદાઓ ઐતિહાસિક આપે તે આવકાર્ય છે પણ તેનું અમલીકરણ ખાડે ગયેલું હોય છે. એવા કાયદા શું કરવાના કે જેનો અમલ ના થાય ? ફટાકડા ફોડવા પરના પ્રતિબંધને માથે મૂકીને નાચવાનું મન થાય છે.

જે પર્યાવરણના રક્ષણ માટે કડક પગલાંની જરૂર હતી તે તરફ માંડ એક ડગ ભરવામાં આવ્યું છે. ફટાકડા એ હવે માત્ર દિવાળીનું પ્રતિક નથી પણ લગ્નોના વરઘોડા; ઉત્તરાણની વિદાય, ઓશો રજનીશના ભક્તો તો સ્મશાન યાત્રામાં પણ ફટાકડા ફોડે છે. ચૂંટણીના વિજય સરઘસો પણ ફટાકડાના ધૂમાડાની વચ્ચે થાય છે.

ચોક્કસ સમયે ફટાકડા ફોડવા અને ચોક્કસ ડેસીમલ પોઇંટવાળા ફોડવા એવા કાયદા ઘણાંને કટોકટી જેવા લાગશે. સ્વચ્છંદ સમાજને તેમજ બીજાઓનું ભાગ્યે જ વિચારતા સમાજ પર પ્રતિબંધોની જરૂર હતી. આડેધડ ફટાકડા ફોડવા, કોઇપણ સમયે ફોડવા અને પર્યાવરણની લગ્ગીરેય ચિંતા ના કરવી તેમજ સફાઇ અંગે પણ બેદરકારી રાખવી એ રૂટીન બનવા લાગ્યું હતું.

કોઇ એક વરઘોડામાં હજાર ટેટાની લૂમ ફોડવામાં આવે તો તેનો કચરો આખા રોડ પર હોય છે. વરઘોડાની આગળ કોઇ કોઠી ફોડે છે તો કોઇ રોડ પર છૂટ્ટા ટેટા ફેંકે છે. આ બધો કચરો બીજા દિવસે સવારે સફાઇ કામદાર ચોખ્ખો કરે છે.

ઘણાં વરઘોડામાં જાનૈયાઓ મેઇન રોડ પર ફટાકડા ફોડીને ટ્રાફીક જામ કરી દે છે. માર્ગ પરનો ટ્રાફીક લાચાર બનીને જોયા કરે છે. પોતાના આનંદ માટે બીજાઓની દરકાર નહીં કરવાની માણસોને ટેવ પડી ગઇ હોય છે. રોડ પર ફટાકડા ફોડનારની ટીકા કરનારાઓ પોતાને ત્યાં પ્રસંગ હોય તો ફટાકડા ફોડવાનું ચૂકતો નથી !!

આનંદ વ્યક્ત કરવા માટે મોટા અવાજવાળા ફટાકડા ફોડવા એ એક માત્ર આઇડિયા નથી. લોકો કોઠી કે તારામંડળના સમુહો પ્રગટાવે છે. હવે તો ગુલાબ અને ગોટાની પાંખડીઓ ઉછાળવામાં આવે છે.

આપણે ત્યાં સૌથી મોટી કમનસીબી એ છે કે દરેક નવા કાયદા ભ્રષ્ટાચાર માટેની નવી બારી ખોલી આપે છે. કાયદાનો અમલ કરાવવા જતી પોલીસ કાયદાનો ભંગ કરનાર પાસેથી પૈસા પડાવીને તેને છોડી દે છે. એટલે પૈસાદાર બિન્દાસ્ત છે. તે ગમે તે કરી શકે છે. કાયદાનો અમલ કરાવનાર ભ્રષ્ટ એટલા માટે છે કે ક્યાંક ભ્રષ્ટાચાર એ લાચારીનો એક ભાગ છે તો ક્યાંક ડરના માર્યા ભ્રષ્ટ થવું પડે છે. કેટલાંક હપ્તા 'ઉપર સુધી' પહોંચતા હોઇ જવાબ આપવો પડે છે.

સુપ્રીમ કોર્ટ જ્યારે પણ મહત્વના ચુકાદા આપે ત્યારે કાયદાનો અમલ કરતી પોલીસતંત્ર જેવી સંસ્થાઓને પણ સાથે રાખવી જોઇએ. ઉતરાણમાં ચીનની તુક્કલો પર પ્રતિબંધ હોવા છતાં અમદાવાદમાં તે ઉડાડાઇ હતી જ્યારે સુરતની પ્રજાએ પોતાની કાયદા પ્રત્યેની જવાબદારી નીભાવી હતી. એવી જ રીતે લોકોના ગળા કાપતી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આ જીવલેણ દોરી છૂટથી મળતી હતી.

કાયદો બને એટલે ચારે બાજુથી તે પ્રોડક્ટ બંધ થવી જોઇએ. ચીનથી આવતી દોરી અને તુક્કલો પર પ્રતિબંધ મૂકાય તો તે બજારમાં મળે જ નહીં પણ સરકાર એમ કહે છે કે પ્રતિબંધના કારણે લોકો ખરીદે જ નહીં તો વેપારીઓ મંગાવે નહીં !! ટૂંકમાં આ વાત દારૂબંધી જેવી છે. આવી બંધીઓ નાટક સમાન હોય છે. સુપ્રીમના ચુકાદા ભલે વિદ્વાન જજોની બેંચ આપતી હોય પણ ચુકાદા પહેલાં પાયાની સ્થિતિ સમજીને તેને ગણત્રીમાં લેવી જોઇએ.

પર્યાવરણ સાચવવાની જવાબદારી વચ્ચે દરેકે ગ્રીન ફટાકડા તરફ વળવું જોઇએ. કેટલાક લોકો ફટાકડા પર પ્રતિબંધને હિન્દુ સંસ્કૃતિનું અપમાન ગણાવે છે. કેટલાંક તેને હિન્દુઓ સામે પડકાર એમ કહે છે. જોકે કતલખાનાથી પર્યાવરણને થતા નુકસાન અંગે પણ સુપ્રીમ કોર્ટે વિચારવું જોઇએ. ગેરકાયદે ચાલતા કતલખાના પર પ્રતિબંધ છે પરંતુ કાયદાનો અમલ નથી થતો.

ફટાકડા વિનાની દિવાળી કેવી લાગશે ? દસ વાગે તો લોકો ફટાકડા ફોડવા ભેગા થાય છે તો પછી ફોડશે ક્યારે ? ગગનભેદી અવાજોવાળા ફટાકડા મૂંગા પશુઓને બહેરા પણ બનાવી દે છે. કૂતરાં અને ઘેટાં-બકરાં તો ફટાકડાના અવાજોથી ધૂ્રજતા હોય છે. સમય પર્યાવરણના જતનનો છે. ફટકડા માત્ર બે કલાક ફોડવાથી પર્યાવરણની રક્ષા થઇ શકતી હોય તો નવા નિયમ સાથે કદમ મિલાવવા જોઇએ.

પૃથ્વી પરના જીવોમાં માણસ બુધ્ધિશાળી પ્રાણી છે. પર્યાવરણ જેવા મુદ્દે બુધ્ધિ બતાવવાનો મોકો વારંવાર મળે છે પણ માણસને પર્યાવરણની રક્ષાની પડી નથી અને પછી મેઘરાજાને મનાવવા યજ્ઞાો કરે છે. પોતાની સાથે રહેતા અન્ય જીવોને સાચવીને રાખનારાઓનું કલ્યાણ થાય છે. જોકે માણસની બીજી ખાસિયત એ છે કે તેને પ્રતિબંધો નથી ગમતા.

પર્યાવરણ સાથે સતત છેડછાડ કરતા અને પૃથ્વીના અન્ય જીવો પ્રત્યે બેદરકાર રહેતા માણસોએ ફટાકડા પરના પ્રતિબંધોના અમલ માટે સ્વૈચ્છિક રીતે આગળ આવવું જોઇએ.

Comments