સોશ્યલ નેટવર્કના ગુલામ ના બનો ઇન્ટરનેટનું વ્યસન માંડ છૂટે છે

સ્માર્ટ ફોનને બેડરૂમની બહાર રાખો

રજાઓના દિવસોમાં ઇન્ટરનેટનો વપરાશ વધશે તે સામે ચેતવણી


દિવાળીની રજાઓના દિવસોમાં ઇન્ટરનેટનો વપરાશ વધશે. કમનસીબી એ છે કે લોકો સામાન્ય દિવસોમાં પણ ઇન્ટરનેટનો વપરાશ એટલો બધો કરે છે કે રજા હોય કે ના હોય તેથી બહુ ખાસ ફેર પડતો નથી. ઇન્ટરનેટ દ્વારા સોશ્યલ નેટવર્ક સાથે લોકો ઘેલા થયા છે. નાના-મોટા સૌ સ્માર્ટ ફોનમાં ખૂંપેલા જોવા મળે છે. 

જે ફોન મેસેજીંગ માટે વપરાતો હતો તે સોશ્યલ નેટવર્ક પાછળ વધુ વપરાય છે. સોશ્યલ નેટવર્ક પરના મેસેજની લેવડ-દેવડથી લોકોની ઉંઘ હરામ થઇ રહી છે. 

માણસ પોતાના બિઝનેસના કામ માટે ૮ કલાકથી ઓછી ઉંઘ લે તે વ્યાજબી છે પણ લોકોના મેસેજ વાંચવા કે ફોરવર્ડ કરવામાં રાત્રે ૧ વાગ્યા સુધી જાગ્યા કરે તેના કારણે તેને પૂરતી ઊંઘ મળતી નથી.

સ્માર્ટ ફોન પર ડીજીટલ ટેકનોલોજીના અપડેટ અને સમાચારોનો ધોધ એટલો બધો હોય છે કે લોકો ધીરે ધીરે તેના વ્યસની બની ગયા છે. જેને સમાચારો સાથે કોઇ નિસ્બત નથી તે પણ સમાચારોની લીંક ફોરવર્ડ કરવામાં સમય બગાડે છે.

અખબારી જગત સાથે સંકળાયેલા લોકો જ્યારે એકચિત્તે લેખ લખવા બેસે ત્યારે મોબાઇલ સાયલન્ટ કરીને બેસે છે. જેથી તેનું ધ્યાન ના તૂટે. તમામ મેસેજીંગ સર્વિસમાં મેસેજ સાથે સ્વીટ ટોન પણ હોય છે. આ ટોન આખો દિવસ બંધ રાખવો જોઈએ.

ઇન્ટરનેટનું વ્યસન એ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ઇન્ટરનેટના વ્યસનમાંથી મુક્ત થવા માટે વિશ્વભરના ચિંતકોએ કેટલાક નવા આઇડયા આપ્યા છે. આ આઇડયા પાછળનું મુખ્ય કારણ ૮ કલાકની ઉંઘ લઇને દિવસ દરમ્યાન મગજ પાસે પુરતું કામ લેવાનું છે.

મોબાઇલને બેડરૂમની બહાર રાખો...
તમારે મોબાઇલના ટોનના ચંચુપાત વીનાની ઉંઘ જોઇતી હોય તો મોબાઇલને બેડરૂમની બહાર મુકી દો. મોબાઇલના મેસેજ ટોન તમને મેસેજ જોવા ખેંચશે અને તમારી લાખ રૂપિયાની ઉંઘ બગાડશે. છેલ્લે રાત્રે મેસેજ જોઇને લાગતા-વળગતાને ગુડ નાઇટ મેસેજ કરીને રૂમની બહાર મુકીને સુઇ જવું જોઇએ. જેમના ઘર ઓછા રૂમના છે તે રાત્રે મોબાઈલ સાઇલન્ટ કરીને કોઇ ટેબલના ખાનામાં કે કબાટમાં મુકી શકે છે. ટૂંકમાં મેસેજીંગ ટોનના રણકારથી દુર રહેવાનું છે.

વાઇ-ફાઇ બંધ રાખો...
ઇન્ટરનેટ વ્યસન અંગેની એક બૌધ્ધિક રમૂજ છે. એક માતા તેના સંતાનોને ડાઇનીંગ ટેબલ પર બેસાડીને જમવાનું પીરસતી હતી. સંતાનોનું ધ્યાન મોબાઇલમાં હતું. એટલે માતાએ ધમકી આપી કે ચૂપચાપ જમી લો  નહીંતર વાઇ-ફાઇનો પાસવર્ડ બદલી નાખીશ !! છોકરાઓ જાણી ગયાં કે પાસવર્ડ બદલાશે તો નવો મેળવવામાં આપણે હેરાન થઈશું. 

દરેક ફટોફટ જમવા માંડયા હતા. વાઇ-ફાઇ બંધ હોય તો ઇન્ટરનેટ ઓપરેટ થઈ શકતું નથી. ખરેખર તો વાઇ-ફાઇનો પાસવર્ડ ઘરના વડીલે જ બદલી નાખવો જોઈએ અને ચોક્કસ સમય માટે જ ઇન્ટરનેટના ઉપયોગનો અમલ કરાવવો જોઈએ. વાઇ-ફાઇના કારણે ઘરના મોબાઈલ, લેપટોપ, ટેબલેટ વગેરે ચાલે છે. વાઇફાઇની સ્વીચ માત્ર બંધ થાય એટલે ઘરમાં એકબીજા સાથેનું કોમ્યુનિકેશન વધે છે.

ઇન્ટરનેટ વાપરવાનો સમય
ઇન્ટરનેટ વાપરવાનો સમય પણ નિશ્ચિત થઇ શકે છે. ઘરમાં દરેકે રાત્રે ૧૧ પછી નેટ વાપરવું નહીં એવું નક્કી કરવું જોઇએ. જેના કારણે ઘરના સભ્યો વચ્ચેનું કોમ્યુનિકેશન વધશે જેના કારણે ઘરમાં સુમેળભર્યું વાતાવરણ પણ સર્જાશે. 

એકજ ઘરમાં રહેતા લોકો ફોનમાં કે લેપટોપમાં માથું નાખીને બેસી રહેશે. ઘરનું હસી-ખુશીનું વાતાવરણ ઇન્ટરનેટે છીનવી લીધું છે તે હકીકતને સ્વીકારીને રાત્રે વાઇ-ફાઇ બંધ કરી દેવું જોઇએ.

ઇન્ટરનેટ વાપરવાનો સમય સવાર-સાંજ બે કલાકનો આપી શકાય છે. ૧૮ વર્ષથી નીચેના સાથે બેસીને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાથી પણ તે સમયને વળગી રહે છે. ચોક્કસ સમયે વપરાશ નક્કી થવાથી વપરાશકાર સમય મર્યાદા પાળતો થયો છે.

મોર્નિંગ વોક કે કાર ચાલક
રોજ મોર્નિંગ વોક પર જનારા પણ કાને ફોન લગાવીને ચાલતા જોવા મળે છે. એવી જ રીતે કેટલાક ચાલુ કારે ફોન પર લાંબી વાતો કર્યા કરે છે. મોર્નિંગ વોક દરમ્યાન ફોનના ઉપયોગથી વપરાશકારનું ધ્યાન મોર્નિંગ કસરતો પર ઓછું રહે છે. એવી જ રીતે કારચાલક પણ બેધ્યાન થઇ શકે છે. મોર્નિંગ વોક દરમ્યાન ફોન સાથે ના લઇ જવો જોઈએ તેમજ કારચાલક ફોન વાપરે ત્યારે બાજુમાં બેઠેલા કુટુંબીજનોએ જ વિરોધ કરવો જોઈએ.

- પ્રસંગપટ

Comments