અદ્રશ્ય વાયરસની મુઠ્ઠીમાં માનવજીવન પીસાઇ રહ્યું છે..

સ્વચ્છતા બાબતની આપણી સેન્સને વારંવાર ઢંઢોળવી પડે છે
કેરળમાં નિપાહ, રાજસ્થાનમાં ઝીકા ગુજરાતમાં ડેન્ગયુની સખત પકડ

નિપાહની પકડમાંથી માંડ છૂટેલા કેરળમાં આજે પણ સ્વચ્છતા માટેની ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે.  એવીજ રીતે રાજસ્થાન પણ ઝીકા વાયરસની પકડમાં છે જ્યારે ગુજરાત ડેન્ગયૂની પકડમાં છે. 

તમામ મેટ્રોસીટી મેલેરીયા કે વાયરલ ફીવરની પકડમાં સપડાયેલા છે. વાયરલ ફીવર તો કોઇપણ સીઝનમાં જોવા મળે છે. 

હવે તો એવું લાગે છે કે માણસના શરીરને કોતરી ખાતા વાયરસ કાયમી સ્તરે આપણી આસપાસ ફરતા હોય એમ લાગે છે. આપણે ત્યાં કમનસીબી એ છે કે 

રોગચાળો એ સરકારની જવાબદારીમાં આવે છે પ્રજાનું કામ તો ગંદકી કરવાનું અને વાયરસ ઉછેર કેન્દ્રોને વધુ પ્રસરાવવાનું છે. સ્વચ્છતા બાબતની આપણી સેન્સને વારંવાર ઢંઢોળવી પડે છે. 

એકવાત નિશ્ચિત છે કે વાયરસનું ઉત્પતિ સ્થાન ગંદકી છે. આ ગંદકી મેનમેડ અર્થાત માણસે પોતે ઉભી કરેલી હોય છે. તેને એ ખબર નથી કે આ ગંદકી જ તેને એેક દિવસ ગળી જવાની છે. માણસ રોજ સવારે પોતાનું શરીર સ્નાન કરીને સાફ કરે છે પણ પોતાના ઘરમાં રહેલા કરોળીયાના જાળા, ઘર કે દુકાનની અંદર-બહારની ગંદકી તરફ બે દરકાર રહે છે.  ખુલ્લોે ખોરાક ના ખાવો જોઇએ એવું જ્ઞાાન બાલમંદિર-કે.જીથી મળ્યું હોવા છતાં તે ખુલ્લો ખોરાક લહેરથી આરોગે છે.

કેટલીક સમસ્યાઓ માણસે જાતે ઉભી કરેલી છે પરંતુ તે તેનું સોલ્યુશન લાવી શકતો નથી. અંતે આ સમસ્યા કાયમી બની જાય છે. ક્યાંક સુધારો નજરે પડે છે પણ આ બધું ગોકળગાયની સ્પીડે ચાલે છે જ્યારે વાયરસની સ્પીડ જેટ વિમાન જેવી હોય છે. તેને યોગ્ય વાતાવરણ મળ્યું નથી કે તે તેમના ગંદા હાથ ફેલાવવા લાગે છે.

કહે છે કે ગ્લોબલ વોર્મીંગના કારણે વાયરસ-બેક્ટેરીયા વગેરે વધુ પ્રસરે છે. હવેના વાયરસને જંતુનાશક દવાઓની પણ બહુ ઓછી અસર થાય છે. 

વાયરસનું ઉત્પતિ સ્થાન ગંદકી અને માણસમાં સ્વચ્છતા તરફની નિરસતા છે. ડેન્ગયૂ, ચિકનગુનીયા, મલેરીયા વગેરે તો કાયમી સ્તરે ડેરા તંબુ નાખીને બેઠા હોય એમ લાગે છે. હવે તો સ્વાઇન ફ્લ્યૂના કેસો પણ દર મહીને જોવા મળે છે. કમળો અને ઝાડા ઉલટી જેવા કેસો તો કોમન બિમારીની યાદીમાં આવવા લાગ્યા છે.  

રોગચાળો ડામવવામાં આઝાદી પછીની દરેક સરકારોએ માત્ર વાતોજ કરી છે. ગ્લોબલ વોર્મીંગ માટે પર્યાવરણ તરફની બેદરકારી જવાબદાર છે. ધણીવાર કોઇ સેલિબ્રીટી સફાઇ કરતી જોવા મળે છે પરંતુ તે ફોટોસેશન સિવાય બીજું કશું નથી હોતું. સફાઇ એ રોજીંદા સ્તરનું કામ છે.

છેલ્લા કેટલાક સમયથી લોકો વિચિત્ર રોગોથી મોતને ભેટી રહ્યા છે. રોગનું કારણ પકડાતું નથી અને દર્દી વિદાય લઇ લે છે.  વાયરસ ડીટેક્ટ કરવા આપણે ત્યાં ઘણા સંશોધનો થયા છે. જોકે આ વાયરસની તાકાતનો અંદાજ લોકોને આવી ગયો છે. તેમ છતાં જાગૃતીના અભાવે 

જીવલેણ વાયરસ તેના ગંદા હાથ લંબાવીને કોઇનો પણ કોળીયો કરી શકે છે. માણસે સતત તંદુરસ્ત જીવન જીવવાનો પ્રયાસ કર્યો છે પણ પોતાની ભૂલોનોજ તે શિકાર બની રહ્યો છે. વાયરસના ઉત્પતિ કેન્દ્રો માણસ પોતેજ ઉભા કરે છે અને પછી તેનું મારણ શોધવા નીકળે છે. સતત જાગૃતીજ વાયરસની પકડમાંથી માનવ જીવનને મુક્ત કરાવી શકે છે. આ માટે ચીલાચાલુ વિચારોના બદલે કંઇક નવું વિચારવું પડશે.

વિચાર તો કરો કે માણસને મૃત્યુ પછી શું થશે એનો ડર છે પણ મૃત્યુ ક્યા કારણોસર આવશે તેની કોઇ ફીકર નથી.  જે બાવાઓ ,ભૂવાઓ, સંતો, મૃત્યુ પછીની વિધિ કરનારાઓ, મૂઠ મારનારાઓ અને તાત્રિકોને આમંત્રીને તેમને પગાર પર રાખવા જોઇએ. તેમને લોકોમાં રહેલી અંધશ્રધ્ધાને બહાર કાઢવાનું કામ સોપવું જોઇએ. લોકો ભગવાન પહેલાં સ્વચ્છતા પર ધ્યાન રાખે તે શીખવાડવું જોઇએ. 

પોતાને ત્યાં હીલીંગ માટે આવતા લોકોને કહેવું જોઇએ કે તારા ઘરમાં જ્યાં જાળા હોય તે કાઢ અને આંગણામાં જાતે કચરો વાળીને તે સાફ કરીશ તો ભાગ્ય રેખા ચમકવા લાગશે. આપણે સ્વચ્છતા પાછળ અને તેની જાહેરાતો પાછળ કરોડો રુપીયા નો ખર્ચ કરીએ છીએ પરંતુ કોઇ ચોક્કસ પરિણામ મેળવી શકાતું નથી.

વાયરસને જેવો ચાન્સ મળે કે તરતજ માથું બહાર કાઢે છે અને પ્રસરવા લાગે છે. તે પ્રસરતો જાય છે અને જાન લેતો જાય છે. ભારતની વસ્તી એટલી જંગી છે કે હજાર-બેહજાર ઓછા થાય તેની કોઇને પડી નથી હોતી. પરંતુ માણસની પોતાની બેદરકારીના કારણે આખો માનવ સમુદાય ડરીને રહે રીબાઇને જીવે તે આધાતજનક કહી શકાય. માણસ આધુનિક જીવન જીવે છે, જાહોજલાલી ભોગવે છે પણ તેનું જીવન એક અદ્રશ્ય વાયરસની મુઠ્ઠીમાં હોય એ કેવું?

- પ્રસંગપટ

Comments