પેઈડ એપ્લીકેશન ડાઉનલોડ કરવામાં જાપાન મોખરે રહ્યું છે

- ગુગલ પ્લે સ્ટોર્સને 10 વર્ષ પૂરા થયા

ભારતમાં મોબાઈલ યુઝર્સ પોતાના ફોનની ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે છે. પોતાના મોબાઈલમાં નવી ટેકનોલોજી કઈ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણી લે છે. 

મોબાઈલમાં ઇનબીલ્ટ ટેક્નોલોજી પોતાને કેટલી ઉપયોગી છે તે પણ જાણી લે છે. ગુગલ પ્લેસ્ટોર્સ પરથી તે વિવિધ એપ ડાઉનલોડ કર્યા કરે છે. સ્માર્ટ ફોન યુઝર્સ જે એપ ડાઉનલોડ કરે છે. તેના ઉપયોગની પણ તેને ખબર નથી હોતી.

ફીટનેસ ટ્રેક જેવી ફીટનેસ સાથે સંકળાયેલી અને વજન ઉતારવા માટેની ડાયટ એપ્લીકેશનનો દરેક ઉપયોગ કરે છે. પ્રાઈવેટ કેબની એપ્લીકેશન પણ દરેક ફોનમાં હોય છે. કેટલાક એસ્ટ્રોલોજીની એપ પર ભરોસો રાખે છે. તો કેટલાંક પોતાના વેપારને લગતી એપ રાખે છે. અનાજના વેપારીઓ કોમોડીટીની એપ રાખે છે.

એક અંદાજ અનુસાર જાન્યુઆરી ૨૦૧૨થી ઓગષ્ટ ૨૦૧૮ દરમ્યાન ભારતના મોબાઈલ વપરાશકારોએ ગુગલ એપ સ્ટોર પરથી ૩૬.૯ અબજ એપ ડાઉનલોડ કરી છે. વિશ્વના તમામ દેશોમાં ભારત સૌથી વધુ એપ ડાઉનલોડ કરે છે. ગુગલ એપના ૧૦ વર્ષ પુરા થયા તે દરમ્યાન બહાર પડાયેલા અહેવાલમાં ઉપરોક્ત હકીકત જણાવાઈ છે.

ઉપરોક્ત સમયગાળા દરમ્યાન વૈશ્વિક સ્તરે ૩૩૦ અબજ એપ ડાઉનલોડ થઈ છે. તે પૈકી ભારતમાં ૧૧.૨ ટકા એપ ડાઉનલોડ થઈ છે. એપ ડાઉનલોડમાં ૩૬.૯ અબજ સાથે ભારત પ્રથમ ક્રમે છે તો ૩૫.૧ અબજ એપ ડાઉનલોડ સાથે અમેરિકા ત્રીજા નંબરે છે. 

ત્યારબાદ ૨૫.૨ અબજ સાથે બ્રાઝીલ અને ૧૫.૯ અબજ સાથે રશિયાનો સમાવેશ થાય છે.વાર્ષિક આંકડાઓ પ્રમાણે ૨૦૧૬માં ગુગલ એપ સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરવામાં ઇન્ડોનેશિયા પ્રથમ નંબરે આવે છે.

ગુગલ પ્લે સ્ટોર અને એપલ I.Os સ્ટોર પરથી ડાઉનલોડ કરાયેલી એપ્લીકેશનના આંકડા પર નજર કરીએ તો ૨૦૧૭માં ભારત ટોપ પર હતું અને અમેરિકા બીજા નંબરે હતું.

જોકે ભારતના વપરાશકારો મફતમાં મળતી એપ્લીકેશનમાં વધુ રસ લે છે. કોઈ એપ્લીકેશન માટે પૈસા ભરવાની વાત આવે ત્યારે ભારતનો યુઝર્સ તે ડીલ કેન્સલ કરે છે. આમ જે એટલી ફેશન માટે પૈસા ખર્ચવામાં આવે તેમાં ભારત ટોપ-ટેનમાં પણ નથી.

એપ્લીકેશન પાછળ પૈસા ખર્ચવામાં જાપાન ટોપ પર છે. જાપાનના યુઝર્સ એપ્લીકેશન ખરીદવા પાછળ ૨૫.૧ અબજ ડોલર ખર્ચ્યા છે. ત્યારબાદ અમેરિકાનો વારો આવે છે.અમેરિકાના લોકો ૧૯.૩ અબજ ડોલર ખર્ચે છે. આ મુદ્દે અમેરિકા બાદ સાઉથ કોરિયા, જર્મની અને તાઈવાનનો નંબર આવે છે.

ભારતના લોકો એવરેજ ૬૨ જેટલી એપ્લીકેશન ડાઉનલોડ કરે છે. ભારતમાં મોબાઈલ વપરાશકારોને મોબાઈલની સ્પેસની સમસ્યા નડતી હોય છે. ભારતના લોકો એવરેજ જે ૬૨ એપ્લીકેશન ડાઉનલોડ કરે છે તે પૈકી તે ૩૫ એપના એકટીવ યુઝર્સ હોય છે.

ઓસ્ટ્રેલિયાના લોકો એવરેજ ૧૦૬ એપ્લીકેશન ડાઉનલોડ કરે છે અને ૩૯ એપ્લીકેશનનો એકટીવ ઉપયોગ કરે છે.

ઓન લાઈન સેલની પસંદ
દિવાળી નિમિત્તે ઓનલાઈન સેલના પાટીયા દરેક વેબસાઈટ પર ઝૂલી રહ્યા છે. ઓનલાઈન સેલ કરતી કંપનીઓએ ઇન્ટરનેટ તેમજ પ્રિન્ટ માધ્યમનો મોટા પાયે ઉપયોગ કર્યો છે. ઓનલાઈન સેલમાં ડુપ્લીકેટ ચીજોની બોલબાલા વધી છે. ઘરેણાના સેલમાં ડુપ્લીકેટ, જીન્સ પેન્ટ અને બ્રાન્ડેડ ચંપલોમાં પણ ડુપ્લીકેટ પ્રોડકટનું પ્રમાણ વધ્યું છે.

કેટલીક ઓનલાઈન સાઈટો પર સસ્તાં ભાવે વેચાણ માટે સાઈટ માત્ર બે કલાક માટે ખોલાય છે. જેમાં સૌથી વધુ મોબાઈલ અને ઇલેકટ્રોનિક ચીજો વેચાય છે. આવા બે કલાકના સેલ દરમ્યાન ડુપ્લીકેટ ચીજો ઘૂસાડવામાં આવતી હોવાની ફરીયાદ ઉઠી છે. આ સમય દરમ્યાન ખરીદનાર એટલી ઉતાવળમાં હોય છે કે તે ઘણીવાર ડેબીટ કાર્ડ કે ક્રેડીટ કાર્ડની સિક્યોરીટી પણ ભૂલી જાય છે. 

જેમ ગ્રાહકો ઓનલાઈન સેલની રાહ જોઈને બેઠા હોય છે એમ હેકર્સ પણ ઓનલાઈન સેલ વખતની ઉતાવળની રાહ જોઈને બેઠા હોય છે. ઓનલાઈન સેલનું ઘણાંને વળગણ હોય છે. લોકો બીન જરૂરી ચીજો મંગાવીને ઘરમાં ઢગલા કર્યા કરે છે.

ઓનલાઈન સેલનો લાભ ઉઠાવવો આસાન છે પણ તેમાં સાવચેતી વધુ મહત્વની છે. હેકર્સ સૌથી વધુ સક્રીય ઓનલાઈન સેલ દરમ્યાન હોય છે. તેની નોધ લેવી જોઈએ.

- પ્રસંગપટ

Comments