ગિફ્ટની મોસમઃ બે આંખની શરમ ઉભી કરવા માટેની વ્યૂહ રચના


- નવા વર્ષના વધામણાના પ્રતિક રુપે આપવામાં આવતી ગીફ્ટ

- ઘણાં લોકોને ત્યાં દિવાળીની એટલી બધી મીઠાઇ આવે છે કે તે ફ્રિઝમાં પડી-પડી બગડી જાય છે...


કોર્પોરેટ કંપનીઓ અને મોટા વેપારીઓ તરફથી આવતી ગીફ્ટ ડાયરી કે કેલેન્ડરથી આગળ વધતી નથી. નવા વર્ષના વધામણાના પ્રિતક રુપે આપવામાં આવતી ગીફ્ટની પસંદગી હવે ડીજીટલ યુગમાં પેચીદી બનતી ગઇ છે. જ્યારે હજાર-બે હજારની સંખ્યામાં ગીફ્ટ આપવાની હોય ત્યાં તેના કોસ્ટીંગની ગણત્રી દિવાળીના ત્રણ મહિના પહેલાંથી થઇ જાય છે. 

ક્યા નામો કાપવા અને ક્યા નવા ઉમેરવા તેનું ગણિત પણ શરુ થઇ જાય છે. મોટા ભાગની કંપનીઓ બે સ્ટેજ બનાવતી હોય છે. પહેલાં સ્ટેજમાં વીઆઇપીની યાદી હોય છે જ્યારે બીજામાં ટ્રેડર્સ અને રોજીંદી મુલાકાતવાળા જેમકે બેંકો, સિક્યોેરીટી, લિફ્ટમેન વગેરે..પત્રકારો વીઆઇપી લીસ્ટમાં આવે છે,જસ્ટ વાચકોની જાણ સારુ..

ઇલેકટ્રોનિક્સ તેમજ ડીજીટલ સિસ્ટમનો વ્યાપ વધ્યા પછી ડાયરીનું ચલણ ઘટતું ગયું છે. એક સમયે પેન-ડાયરી-ટેબલ કેલેન્ડર-સ્વીટ વગેરે કોમન ગીફ્ટ હતી. આવી ગીફ્ટ રુટીન પણ લાગવા લાગી હતી. હવે ગીફ્ટની સિસ્ટમ બદલાઇ છે. ગીફ્ટ મેળવવાની બાબતમાં તબીબી વ્યવસાય ટોપ પર છે. જો કે તેમાં એક હાથસે દે -દૂસરે હાથસે લે જેવી સિસ્ટમ છે. 

આ કોર્પોરેટ સબંધ નથી કહેવાતા પણ વેપારી સંબંધ કહેવાય છે. ટૂંકમાં આવી ગીફ્ટ સિસ્ટમથી સંબંધો વધે છે જે અંતે વેપારમાં મદદ રુપ બને છે. સ્વીટ-મીઠાઇ લાબો સમય રહી શકતી નથી એટલે આખું વર્ષ કામ લાગે તેવી ગીફ્ટ આપવામાં આવે છે. ગીફ્ટનું માર્કેટ બહોળું છે. ગીફ્ટ બનાવતી કંપનીઓના સેલ્સમેનો માર્ચ આવતાંજ દિવાળીના ઓર્ડર બુક કરવા લાગે છે. તહેવારોમાં અપાતી ગીફ્ટની સિસ્ટમ અંગ્રેજોએ શરુ કરેલી છે.

 આપણે ત્યાં વેપાર ક્ષેત્રે ગીફ્ટનું ચલણ મોટાપાયે ચાલે છે. દરેક દિવાળીમાં ગીફ્ટ આપનારા ઢગલો લોકો ઉભા થયા છે. દરેક કંપનીઓ ગીફ્ટ માટેની યાદી તૈયાર રાખતી હોય છે. ધણાં લોકોને ત્યાં દિવાળીની એટલી બધી મીઠાઇ આવે છે કે તે ફ્રિઝમાં પડી-પડી બગડી જાય છે જ્યારે તેમનાથી ૨૫ ગણો મોટોે વર્ગ એવો છે કે જેના ભાગે મીઠાઇ એ માત્ર સપનાં સમાન હોય છે. 

આપણે ત્યાં વસ્તુઓ વહેંચવાની વાતોનો છેદ ઉડી ગયો છે. સમાજમાં મીઠાઇ ખાવાથી મોટો વર્ગ વંચિત રહે છે તે પણ હકીકત છે. નવો સવો વેપારી દેખાદેખી ગીફ્ટ આપવાનું શરુ કરતો હોય છે. જો કે હકીકત એ છે કે વેપારીઓ ગીફ્ટ આપીને સરકારી કર્મચારીઓને બગાડતા હોય છે.

ગીફ્ટ લેવાનું સૌને ગમે છે પણ આપવાનું કોઇને ગમતું નથી પરંતુ દરેક વ્યવહારમાં રહેવા ટેવાઇ ગયા હોય છે. સામાન્ય રીતે સરકારી ખાતાઓમાં દરેક કામ વખતે વ્યવહાર કરવા પડતા હોય ત્યારે દિવાળી ગીફ્ટની સિસ્ટમને ઉડાવી દેવી જોઇએ. સરકારે ગીફ્ટ આપનાર અને લેનાર બંન્નેને પકડવા જોઇએ કેમકે આમાં નથી કોેઇ શુભેચ્છા હોતી કે નથી કોઇ પ્રેમ. ગીફ્ટ આપનાર આજે નહીં તો કાલે કોઇ કામ માટે આવવાનો જ છે અને તેની બે આંખની શરમ નડવાની છે. 

રાજકારણીઓને ત્યાં દિવાળી ગીફ્ટનો ઢગલો થતો હોય છે. કેટલાંક લોકોમાં વહેંચી દે છે તો કેટલાક પોતાનાં સગાઓ કે નજીકના વફાદારોને આપી દે છે. હવે ગીફ્ટમાં ચીલીચાલુ ડાયરીની જગ્યાઓ ટેબલેટ કે મોબાઇલ જોવા મળતા થયા છે. આવી ગીફ્ટની આઇટમો ચીનથી મંગાવાય છે અને સંબંધોને વધુ ગુલાબી બનાવાય છે. 

ઘણાં લોકો શાણપણ બતાવીને ગીફ્ટ લેવાની ના પાડી દે છે. આ લોકો અભિમાની નથી હોતા પણ વાસ્તવિક દુનિયાને સમજનારા હોય છે. સરકારી ખાતાઓમાં પણ આવા સજ્જનો જોવા મળે છે. 

નાનો વેપારી પોતાના ઘેર મીઠાઈ નથી લઇ જતો, પોતાના બાળકોને નથી ખવડાવતો પણ સ્થાનિક અધિકારીને સાચવવા મીઠાઇનું પેકેટ આપે છે. જેમને પરવડતું નથી એવા લોકો પણ જાણે-અજાણે ગીફ્ટના ચક્કરમાં ફસાઇ જાય છે. જે લોકોને બે નંબરી કામો કરાવવા છે તે લોકો મોટીમસ ગીફ્ટો આપે તેની પાછળનું ગણિત વધુ કમાણી કે કંપની માટે ફેવર મેળવવાની હોય છે.
- પ્રસંગપટ

Comments